ગાંધીધામ, તા. 12 : રાપરમાં વાઘેલાવાસ રામ મંદિરની બાજુમાં રહેતા
એક આધેડનાં ઘરમાં ઘૂસી બુકાનીધારી અને હેલ્મેટ પહેરીને આવેલા ત્રણ લૂંટારુએ છરીની અણીએ
રોકડ રકમ, દાગીના
એમ કુલ રૂા. 2,51,600ની
મતાની લૂંટ કરી નાસી ગયા હતા. લૂંટના બનાવથી ભારે ચકચાર પ્રસરી હતી. રાપરના વાઘેલાવાસ
રામ મંદિરની બાજુમાં રહેતા નિતેશ નૂરઅલી ખોજાનાં ઘરમાં ગત મોડીરાત્રે આ બનાવ બન્યો
હતો. અહીં એકલા રહેતા આ આધેડની બંને પગની નસો સુકાઇ ગઇ હોવાથી તે ચાલી શકતા નથી. ગઇકાલે
રાત્રે તેમના ભાણેજ ટિફિન આપી ગયા હતા, બાદમાં ભાણેજ મુસ્તફા અને ઉમરશા આવ્યા હતા, જેને સાડા બારેક વાગ્યા સુધી તેમની પાસે બેસી વાતો કરી હતી અને બાદમાં ઘરે
જતા રહ્યા હતા. આધેડ ડેલીમાં પલંગ રાખી ત્યાં જ સૂઇ ગયા હતા, ત્યારે દોઢેક વાગ્યે કોઇએ તેમને જગાડતાં તે જાગી ગયા હતા. ત્યારે ત્યાં 20થી 30 વર્ષીય ત્રણ અજાણ્યા શખ્સ નજરે પડયા હતા. આ શખ્સો પૈકી બે લૂંટારુએ હેલ્મેટ
પહેર્યું હતું અને મોઢે રૂમાલ બાંધેલા હતા તેમજ એક શખ્સે મફલર બાંધ્યું હતું. આ શખ્સોએ
ગુજરાતીમાં ગાળો આપી આધેડની ગરદન ઉપર છરી રાખી મોઢે ડૂમો આપી દીધો હતો અને જે હોય તે
કાઢી દેવાનું કહ્યું હતું. આધેડ છોડાવવા જતાં તેમના હાથમાં છરીનો ઘસરકો થયો હતો. આ
શખ્સોએ મુક્કા મારી તેમણે હાથમાં પહેરેલી સોનાની પાંચ વીંટી, ચાંદીની લકી તથા મોબાઇલ અને
રોકડ રૂા. 20,000ની લૂંટ કરી હતી અને દોડીને ડેલી ખોલી નાસી
ગયા હતા. રૂા. 2,51,600ની મતાની આ લૂંટનો બનાવ પ્રકાશમાં આવતાં સ્થાનિક
પોલીસમાં ભારે દોડધામ થઇ પડી હતી. ચાલી ન શકતા આધેડનાં ઘરમાં ઘૂસી છરીની અણીએ અઢી લાખની
મતાની આ લૂંટના કારણે ભારે ચકચાર પ્રસરી હતી.