• બુધવાર, 13 મે, 2026

હૈદરાબાદ સામે ગુજરાતની 82 રને જીત

અમદાવાદ, તા. 12 : ઇન્ડિયન પ્રીમિયર લીગની 56મી મેચમાં ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 82 રનથી હરાવ્યું હતું. ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં 5 વિકેટે 168 રન બનાવ્યા હતા. સાઇ સુદર્શન અને વાશિંગ્ટન સુંદરે અડધી સદી ફટકારી હતી. 169 રનના લક્ષ્યાંકના જવાબમાં, સનરાઇઝર્સ હૈદરાબાદ 100 રન પણ બનાવી શકી નહોતી અને 14.5 ઓવરમાં 86 રનમાં ઓલઆઉટ થઈ હતી. ગુજરાત ટાઇટન્સે સતત પાંચમી જીત નોંધાવી 16 પોઈન્ટ સાથે તેઓ પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી છે.  જીતના ઈરાદે મેદાને ઊતરેલી હૈદરાબાદની ટીમ વતી કેપ્ટન પેટ કમિન્સે 9 દડામાં 1 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 19 રન કર્યા હતા, જ્યારે અરોડાએ 16, તો ક્લાસને 14 તથા ઈશાને 11 રન બનાવ્યા હતા. આમ, તમામ વિકેટ ખોયા છતાં એસઆરએચ માત્ર 86 રન જ બનાવી શકી હતી. ગુજરાત વતી રબાડાએ 4 ઓવરમાં 28 રન આપી 3 વિકેટ ખેરવી હતી, જ્યારે હોલ્ડરે 4 ઓવરમાં 20 રન આપી 3 વિકેટ લીધી હતી, તો કૃષ્ણાને 2 અને રાશિદ અને સિરાજને 1-1 વિકેટ સાંપડી હતી. અગાઉ અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ઝડપી બોલર્સને મદદ કરતી પિચ પર સનરાઇઝર્સ હૈદરાબાદની સંગીન બોલિંગ અને ચુસ્ત ફિલ્ડિંગ સામે ગુજરાત ટાઈટન્સના 20 ઓવરના અંતે પ વિકેટે 168 રનનો સીમિત સ્કોર થયો હતો. ટાઇટન્સ તરફથી સાઇ સુદર્શન અને વોશિંગ્ટન સુંદરે અર્ધસદી કરી હતી. પાવર પ્લેમાં 34 રનમાં કપ્તાન શુભમન ગિલ (પ) અને સ્ટાર બેટર જોસ બટલર (7)ની વિકેટ ગુમાવી દેવાથી ટાઈટન્સના બેટર દબાણમાં આવી ગયા હતા, જેની અસર રન રફતાર પર જોવા મળી હતી. જો કે, સાઇ સુદર્શને 44 દડામાં પ ચોગ્ગા અને 2 છગ્ગાથી ઝડપી 61 રને વોશિંગ્ટન સુંદર ડેથ ઓવર્સમાં પાવર હિટિંગ કરીને 33 દડામાં 7 ચોગ્ગા-1 છગ્ગાથી આક્રમક પ0 રન કરી ગુજરાત ટાઈટન્સનો સ્કોર 168 રન સુધી પહોંચાડયો હતો. સુદર્શન અને સુંદર વચ્ચે ચોથી વિકેટમાં 41 દડામાં 60 રનની મહત્ત્વની ભાગીદારી થઇ હતી. નિશાંત સંધુ 22 રને આઉટ થયો હતો. હોલ્ડર 11 અને તેવતિયા 4 રને નોટઆઉટ રહ્યા હતા. ટાઈટન્સની ઈનિંગ્સમાં ફકત 4 છગ્ગા જ લાગ્યા હતા, જ્યારે ચોગ્ગા 18 હતા. સનરાઇઝર્સ તરફથી પ્રફૂલ્લ હિંગે અને સાકિબ હુસેને 2-2 વિકેટ લીધી હતી. 

Panchang

dd