• બુધવાર, 13 મે, 2026

શેરબજારમાં 1312 અંકનો કડાકો

મુંબઈ, તા. 11 : સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પેટ્રોલ અને ડીઝલ પર બચત કરવાની રાષ્ટ્રને અપીલ બાદ સોમવારે સ્થાનિક શેરબજાર લાલચોળ થયું હતું. રોકાણકારો દ્વારા વ્યાપક વેચવાલી વચ્ચે, મુખ્ય સૂચકાંકો, સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટાપાયે ઘટાડો નોંધાયો હતો અને રોકાણકારોના રૂપિયા છ લાખ કરોડ ધોવાયા હતા. સેન્સેક્સ 1,312.91 પોઈન્ટ ઘટીને 76,015.28 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 360.30 પોઈન્ટ ઘટીને 23,815.85 પર બંધ થયો હતો. રૂપિયો 85 પૈસા ઘટીને અમેરિકન ડોલર સામે 95.34ના વિક્રમી નીચા સ્તરે બંધ થયો હતો. બીજી તરફ, ચીન ખાતે અમેરિકાનું પ્રતિનિધિ મંડળ બંન્ને દેશો વચ્ચેના વિવિધ મુદ્દે વાર્તાલાપ માટે આ સપ્તાહે ચીનમાં છે અને પ્રમુખ ટ્રમ્પ પણ ત્યાં જવાન છે તેવા અહેવાલો છે, ત્યારે ટ્રમ્પ અને ઇરાન વચ્ચેની ખાઇ વધવાથી યુદ્ધ મોરચો ફરીથી સળગવાના એંધાણે ક્રૂડ ઓઈલ 115 ડોલર પાર કરવાની અસર ચોમેર વર્તાતી હતી. વેચવાલીના દબાણમાં બીએસઇ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન લગભગ રૂા. 6 લાખ કરોડના પ્રમાણમાં ઘટી ગયું હતુ. નિફ્ટી 24176વાળો 200 પોઇન્ટ્સના ગેપથી 23970 ખૂલી વધીને 23997.45 જરૂર થયો હતો, પરંતુ 24000 પણ ક્રોસ ન કરી શકતાં રોકાણકારોએ તેને નબળાઇ ગણીને વેચવાલીનો મારો ચલાવ્યો હતો. આ વેચવાલીએ નિફ્ટીને ઘસડીને એક તબક્કે 23799 સુધી ગબડાવી દીધો હતો. ત્યાર બાદ નગણ્ય સુધારામાં વધીને 23815 બંધ રહ્યો એમાં એના 39 શેરો ઘટ્યાં હતા. સમગ્રતયા માર્કેટટબ્રેડ્થ નકારાત્મક રહી અને એનએસઇ એડવાન્સ-ડિકલાઇન રેશિયો 1:3 થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી છવ્વીસ શેરો ઘટ્યા હતા. નિફ્ટી બેંક ઇન્ડેક્સ 871 પોઇન્ટ ઘટીને 54440 પર બંધ થયો, જ્યારે નિફ્ટી મિડકેપ 100 ઇન્ડેક્સ 653 પોઇન્ટ્સ ઘટીને 61,258 પર બંધ હતો. ઇન્ડિયા વિક્સ ચંચળતા વધ્યાનો ઇશારો કરી 10.16 ટકા ઉછળી 18.55 થઇ ગયો હતો. એનએસઇમાં વાયદો માન્ય છે, એ ઇન્ડેક્સોમાંથી બેન્ક નિફ્ટી 1.57 ટકાના નુકસાને 54439, નિફ્ટી ફાઇનાન્સિયલ સર્વિસીસ 1.37 ટકાના ઘટાડે 25655, નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટી 1.68 ટકા ખાબકી 70297 અને નિફ્ટી મિડકેપ સિલેક્ટ 1.09 ટકા ગુમાવી 14333ના સ્તરે વિરમ્યા હતા. વધુ બ્રોડર ઇન્ડેક્સો મિડકેપ 100 આંક 1.05 ટકાના ઘટાડા સાથે 61258 અને સ્મોલકેપ 100 સૂચકાંક 1.13 ટકા ઘટી 18525ના સ્તરે બંધ હતા.

Panchang

dd