• બુધવાર, 13 મે, 2026

કચ્છમાં સરકારી તંત્રોને 26.72 લાખ ચો.મી. જમીન ફાળવણીના હુકમ

ભુજ, તા. 12 : કચ્છ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે, ત્યારે આ વિકાસને ગતિ મળે તે માટે વિવિધ હેતુ અર્થે સરકારી વિભાગ તથા સરકારી સંસ્થાઓ દ્વારા કરાયેલી જમીન ફાળવણીની માગણીને કલેક્ટર આનંદ પટેલે હકારાત્મક અભિગમ સાથે ઐતિહાસિક નિર્ણય લઇને એક સાથે 56 સરકારી જમીન ફાળવણી તથા ઇન્ટિમેશન પત્રના હુકમ મંજૂર કરતાં જિલ્લામાં લોકસેવાનાં અનેક કામોને વેગ મળશે. ખાસ ઝુંબેશના ભાગરૂપે એક માસના ટૂંકા ગાળામાં તમામ પ્રક્રિયા આટોપીને સરકારના વિવિધ વિભાગના વડાઓને 56 જમીન ફાળવણીના હુકમ તથા ઇન્ટિમેશન પત્ર વિતરણ હેઠળ  26,72,498 ચો.મી. જમીનની ફાળવણી કરાઇ હતી. કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું કે, કચ્છ સતત વિકાસ તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે સરકારના વિભાગ તથા અન્ય સંસ્થાઓ કે જેઓને લોકસેવાનાં કામ માટે જમીનની જરૂરિયાત છે તે પૂર્ણ કરાય તે જરૂરી છે. આ જ હેતુને પૂર્ણ કરવા જેટલી પણ સરકારી કચેરીઓ દ્વારા જમીન ફાળવણીની માગણીઓ હતી તેને પ્રાથમિકતા આપીને એક માસના ટૂંકા ગાળામાં તમામ મહેસૂલી પ્રક્રિયા પૂર્ણ કરીને હુકમો કરવામાં આવ્યા છે. નિવાસી અધિક કલેક્ટર ડી.પી. ચૌહાણે જણાવ્યું કે, કચ્છમાં વિકાસની પ્રક્રિયા વચ્ચે સરકારી કચેરીઓની જમીનની જરૂરિયાત સંતોષતા હવે વિકાસની પ્રવૃત્તિ વધુ ઉન્નત બનશે. વિવિધ વિભાગોને જમીન ફાળવાતાં જિલ્લાભરમાં આવાસ, કચેરી, કોલેજ, શાળાનાં મકાન-મેદાન, પોલીસ સ્ટેશન, ફાયર સ્ટેશન, પાણી પુરવઠા યોજના, બી.ઓ.પી. લિંક રોડ, આઉટ પોસ્ટ, સબ સ્ટેશન સહિત અનેક સુવિધા ઉપલબ્ધ બનશે.   જે 56 સરકારી જમીન ફાળવણીના હુકમ તથા ઇન્ટિમેશન પત્ર વિતરણ કરાયા તેમાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જજ ભુજ, પૂર્વ કચ્છ પોલીસ, જિલ્લા આયુર્વેદ વિભાગ, સરકારી વાણિજ્ય અને વિનયન કોલેજ, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, માર્ગ-મકાન (રાજ્ય), ક્ષાર અંકુશ વિભાગ, નિયામક ન્યાય સહાયક વિભાગ, નખત્રાણા-મુંદરા-માંડવી તથા ભચાઉ નગરપાલિકા, બી.એસ.એફ. બટાલિયન, બી.એસ.એફ. વોટર વિંગ, બી.એસ.એફ., ગુજરાત ખનિજ વિકાસ નિગમ લિ., ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, જળ સંપત્તિ સંશોધન વિભાગ, ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિ. અંજાર સહિતનો સમાવેશ થાય છે.   

Panchang

dd