• બુધવાર, 13 મે, 2026

રાજ્યમાં વેઈટ લિફ્ટરોનો જામશે જંગ

અમદાવાદ, તા. 12 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રમતગમત રાજ્યમંત્રી ડો. જયરામ ગામીતના અધયક્ષ સ્થાને એશિયન વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026નો આરંભ થયો છે. આ સ્પર્ધામાં ભારત સહિત એશિયાના 29 દેશોના અંદાજે 400થી વધુ ખેલાડી, ટેકનિશિયન અને કોચ ભાગ લઇ રહ્યા છે. ઉદ્ઘાટન સમારોહમાં શ્રી ગામિતે જણાવ્યું હતું કે, ગુજરાત આંતરરાષ્ટ્રીય રમતગમત ક્ષેત્રે પણ વિશ્વનું ધ્યાન ખેંચી રહ્યું છે. રાજ્યમાં યોજાતી ઉચ્ચ સ્તરીય આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ આપણા સ્થાનિક અને ભારતના ખેલાડીઓ માટે ખૂબ જ મહત્ત્વની સાબિત થશે.  મંત્રીએ જણાવ્યું કે, અમદાવાદ ખાતે વર્ષ 2030માં કોમન વેલ્થ ગેમ્સનું આયોજન થવા જઈ રહ્યું છે. ભારત વર્ષ 2036માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરવા માટે આગળ વધી રહ્યું છે. વર્ષ 2029માં આયોજિત થનારી `વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ' પણ રાજ્યની યજમાન તરીકેની ક્ષમતામાં વધારો કરશે. આ તમામ પ્રયાસો ગુજરાતને દેશનું જ નહીં પણ વિશ્વનું એક આદર્શ સ્પોર્ટસ સ્ટેટ બનાવવા તરફ લઈ જશે. ઇન્ટરનેશનલ વેઇટ લિફ્ટિંગ ફેડરેશનના પ્રમુખ મોહમદ હસન જલુદે જણાવ્યું હતું કે, ભારતને આ પ્રકારની વૈશ્વિક કક્ષાની સફળ સ્પર્ધાઓ માટે તમામ સહયોગ આપવા અમે તૈયાર છીએ. પ્રવર્તમાન યુદ્ધની પરિસ્થિતિમાં પણ ભારતે 29 દેશોના ખેલાડીઓ માટે આ સફળ આયોજન કર્યું તે પ્રસંશનીય છે. એશિયન વેઇટ લિફ્ટિંગ ફેડરેશનના પ્રમુખ મોહમદ બિન યુસેફ અલમનાએ એશિયન દેશોમાંથી આવેલા ખેલાડીઓને રમતમાં સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં ઇન્ડિયન વેઇટ લિફ્ટિંગ ફેડરેશનના પ્રમુખ સહદેવ યાદવ અને શબીના યાદવે સ્વાગત ઉદ્બોધન કરીને સમગ્ર સ્પર્ધાની વિગતવાર માહિતી આપી હતી. 

Panchang

dd