નવી દિલ્હી, તા. 12 : દેશના લાખો છાત્રોની મહેનત પર ફરી એક વખત પાણી
ફરી વળ્યું છે. તબીબી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની આ મહિને જ લેવાયેલી નીટ (યુજી)
2026 પરીક્ષાને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) દ્વારા
રદ કરી દેવાતાં લાખો પરીક્ષાર્થીઓ અને વાલીઓને મોટો આંચકો અપાયો છે. પેપર ફૂટી ગયાના
આક્ષેપો વચ્ચે એનટીએએ પરીક્ષા રદ કરવાનો મોટો નિર્ણય લીધો હતો. વિરોધ પક્ષોએ નીટ (યુજી)ની
પરીક્ષા રદ કરવાને લઈ કેન્દ્ર સરકાર અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસ નેતા
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, `ભ્રષ્ટ ભાજપ વ્યવસ્થાએ' એ 22 લાખથી વધુ વિદ્યાર્થીઓની મહેનત, બલિદાન અને સપનાઓને કચડી નાખ્યાં
છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે, પેપર લીક સરકારી બેદરકારી અને
શિક્ષણ પ્રણાલીમાં વ્યાપક ભ્રષ્ટાચારે વિદ્યાર્થીઓના ભવિષ્યને દાવ પર લગાવી દીધું છે.
એનટીએએ આજે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ત્રીજી મેના લેવામાં
આવેલી નીટ-યુજી પરીક્ષા હવે ફરીથી લેવામાં આવશે, નવી પરીક્ષાની તારીખો ટૂંક સમયમાં
જાહેર કરવામાં આવશે. કેન્દ્ર સરકારે નીટમાં `અનિયમિતતાઓ'ની સીબીઆઇ તપાસની ઘોષણા કરી હતી. વિરોધ પક્ષોએ કેન્દ્ર સરકાર
પર નિશાન સાધી સવાલો ઉઠાવ્યા હતા. એનટીએએ `એક્સ' પર નિવેદનમાં જણાવ્યું હતું કે, પારદર્શિતા
જાળવવા અને રાષ્ટ્રીય પરીક્ષા પ્રણાલીમાં વિશ્વાસ જાળવવાનાં હિતમાં આ નિર્ણય લેવામાં
આવ્યો છે
એજન્સીએ જણાવ્યું હતું
કે, આઠમી
મેના પરીક્ષાથી જોડાયેલા મામલાઓની સ્વતંત્ર તપાસ અને જરૂરી કાર્યવાહી માટે કેન્દ્રીય
એજન્સીઓને મોકલવામાં આવી હતી, તે પછી કેન્દ્રીય તપાસ એજન્સીઓ
તરફથી મળેલા અહેવાલ અને તપાસ હેવાલની સમીક્ષા કરવામાં આવી હતી. એજન્સીના જણાવ્યા અનુસાર
તપાસ એજન્સીઓ પાસેથી જે જાણકારી મળી એના આધારે ખ્યાલ આવે છે કે આ પરીક્ષા પ્રક્રિયાને
ચાલુ રાખી શકાય તેમ નથી. નીટ-યુજી પરીક્ષા ફરીથી લેવાની જાહેરાત કરતાં એજન્સીએ ઉમેર્યું
હતું કે, નવી તારીખો, એડમિટ કાર્ડ બહાર
પાડવાનું શિડયુલ અને અન્ય જાણકારીઓ ટૂંક સમયમાં સત્તાવાર વેબસાઇટ અને અન્ય સત્તાવાર
માધ્યમો દ્વારા જાહેર કરવામાં આવશે. એનટીએએ વિદ્યાર્થીઓ, વાલીઓ
અને લોકોને માત્ર સત્તાવાર માહિતી પર ભરોસો કરવાનો અનુરોધ કર્યો હતો. તા. 3 મેના આયોજિત નીટ (યુજી)-2026 પરીક્ષા પછી પેપર ફૂટયાની શંકા ઘેરી બની હતી.
રાજસ્થાનમાં અનેક છાત્રો પાસે હાથેથી લખેલું એક કથિત પેપર મળી આવેલું અને તેનાં સવાલો
વાસ્તવિક પરીક્ષાના પ્રશ્નો સાથે મેળ ખાતા હતા. ત્યારબાદ આ મામલો તૂલ પકડી ગયો હતો, જેને પગલે 10મી મેના રાજસ્થાન સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ(એસઓસી)એ
ગુપ્તચર બાતમીના આધારે કાર્યવાહી કરતાં દેહરાદૂન, સીકર અને ઝુંઝુનથી 13 શકમંદોને ઝડપી લીધા હતાં. ધરપકડ કરવામાં આવેલા
આ લોકોમાં એક સીકરનાં કોચિંગ સેન્ટર સાથે જોડાયેલો કેરિયર કાઉન્સિલર પણ સામેલ છે. ઉલ્લેખનીય
છે કે, નીટ
પેપર લીક મામલામાં રાજસ્થાન પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)એ અત્યાર સુધીમાં
45થી વધુ લોકોની ધરપકડ કરી છે. અનેક રાજ્યોમાં
આ સંદર્ભે તપાસ અને દરોડાની કામગીરી ચાલી રહી છે. નીટ પરીક્ષામાં આ વખતે દેશભરમાંથી
આશરે 22 લાખ વિદ્યાર્થીએ ભાગ લીધો હતો. આ વખતે વિવાદ
કથિત ગેસ પેપરથી જોડાયેલો છે, જેના સંદર્ભે એનટીએ
પર સવાલ ઊઠી રહ્યા છે. દાવા મુજબ પરીક્ષાથી પહેલાં વિદ્યાર્થીઓ પાસે એક ગેસ પેપર પહોંચ્યું
હતું, જેમાં સમાવિષ્ટ 720માંથી આશરે 600 માર્કસના સવાલ અસલી પરીક્ષાથી મેળ ખાઇ રહ્યા હતા. તપાસ એજન્સીઓને આશંકા છે
કે, પરીક્ષાથી
માત્ર બે દિવસ પહેલાં જ કથિત પેપર કેટલાક વિદ્યાર્થીઓ પાસે પહોંચાડવામાં આવ્યું હતું.
આરંભિક તપાસમાં સંકેત મળ્યા છે કે, પ્રશ્નપત્રના 600 ગુણના પ્રશ્નો કથિત પેપરથી મેળ ખાતા હતા. તપાસથી
જોડાયેલાં સૂત્રો મુજબ કથિત ક્વેશ્ચન બેંકની લિંક એક યુવકથી જોડાઇ રહી છે, જે હાલમાં કેરળની એક મેડિકલ
કોલેજમાં એમબીબીએસનો અભ્યાસ કરી રહ્યો છે. રાહુલે કહ્યું હતું કે, કેટલાક પિતાઓએ પોતાનાં બાળકોનાં શિક્ષણ માટે લોન લીધી, કેટલીક માતાઓએ તેમનાં ઘરેણા વેચી દીધાં, જ્યારે લાખો
વિદ્યાર્થીએ તૈયારી માટે અથાક મહેનત કરી, પરંતુ બદલામાં તેમને
પેપર લીક અને અરાજકતા મળી. તેમણે આ માત્ર વહીવટી નિષ્ફળતા નહીં, પરંતુ યુવાનોના ભવિષ્ય સાથે ગુનો ગણાવ્યો. દરમ્યાન રાજ્ય સભા સાંસદ શક્તાસિંહ
ગોહીલે તેની પર પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે નીટ 2026 પેપર લીકના સમાચાર સાંભળીને મને દુ:ખ થયું છે.
તેમણે આક્ષેપો સાથે કહ્યું હતું કે, આખું વર્ષ 22 લાખથી વધુ વિદ્યાર્થીઓએ અથાક અભ્યાસ કર્યો, પરંતુ તેમનાં ભવિષ્યની હરાજી રાતોરાત
થઈ ગઈ છે. આવું પહેલીવાર બન્યું નથી. 2024માં, સુપ્રીમ કોર્ટે નીટ પેપર લીકની નોંધ લીધી હતી, અને તપાસ
બાદ, ગુજરાત સ્થિત એક સંસ્થા અને અનેક વ્યક્તિઓ દોષિત ઠર્યા હતા. આ સંસ્થા અને ગુનેગારોનો ભાજપ સાથે સીધો સંબંધ હતો.
મેં પ્રેસ કોન્ફરન્સમાં બધી હકીકતો રજૂ કરી હતી. છતાં સરકારે કોઈ અસરકારક કાર્યવાહી
કરી ન હતી. કોઈ પણ ગુનેગારનાં ઘર સામે બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો તેઓની ભાજપ
સાથે સાંઠગાંઠ હતી. જો તેઓએ અમારી વાત સાંભળી હોત, તો પેપર લીક
ફરીથી ન થયું હોત. મોદીનાં શાસનના 10 વર્ષમાં 89 પેપર
લીક થયાં - 48 વખત ફરી પરીક્ષા થઇ હતી. મહેનતુ વિદ્યાર્થીઓનાં
ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યાં છે. 22 લાખ બાળકોનો ભરોસો તૂટી ગયો છે. અમારા એનએસયુઆઇના સાથીદારો ન્યાયની માગણી
સાથે રસ્તા પર ઉતર્યા છે તેમને અભિનંદન છે. આ અંગે પોતાની પ્રતિક્રિયામાં ગુજરાત પ્રદેશ
કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, જો સરકાર એક રાષ્ટ્રીય પરીક્ષાનું પણ ન્યાયપૂર્વક આયોજન કરી શકતી નથી,
તો તે વાસ્તવમાં શું શાસન કરવામાં સક્ષમ નથી.