માર્ગનું નિર્માણ કે રિપેરિંગનું
કામ સંભાળતા કોન્ટ્રાક્ટરોની એ જવાબદારી બને છે કે, રસ્તાનો ઉપયોગ કરનારાઓની સુરક્ષા સુનિશ્ચિત થાય, પરંતુ
કચ્છ, ગુજરાત કે દેશમાં આ પ્રકારની તકેદારી ભાગ્યે જ જોવા મળે
છે. ભુજ તાલુકામાં ખાવડા માર્ગને લગતા સાધારા-દદ્ધર વચ્ચે રોડ પર પુલિયા માટે ખાડો
ખોદી નાખ્યા પછી વાહનચાલકોને ચેતવતી કોઈ સંજ્ઞા કે બોર્ડ કે આડશે ન મુકાતાં સર્જાયેલા
બે અકસ્માતમાં ત્રણ જિંદગી પર પૂર્ણવિરામ મુકાઇ ગયું છે. શનિવારે કાર એ ખાડામાં ખાબકી,
તેમાં સવાર બે મહિલાનો જીવનદીપ બુઝાઇ ગયો. એ જ રીતે સાધારાના બાઇકસવાર
યુવાને પણ જીવ ખોવો પડયો. આ કમનસીબ ઘટનાઓથી લોકોમાં રોષ વ્યાપે એ સ્વાભાવિક છે. અખબારી
અહેવાલો મુજબ પુલિયા માટે ખોદકામ ચાલુ હોતાં પાસેથી ડાયવર્ઝન કરાયું છે. એક તરફ માટીનો
ઢગલો અને બીજીબાજુ બાવળના ઝાંખરાની આડશ મુકાઇ હતી, પરંતુ એ પૂરતું
નથી. માનવીનું જીવન કિંમતી છે, એની પ્રત્યે ઘોર બેદરકારી અક્ષમ્ય
છે. રસ્તાનાં બાંધકામ દરમ્યાન રોડની ગુણવત્તાથી લઇને કામ વખતે નિયમોના પાલનમાં બેદરકારીની
ફરિયાદ છાસવારે બહાર આવતી રહે છે. સ્ટેટ હાઇવે કે નેશનલ હાઇવે ઓથોરિટીના કરોડોનાં કામો
અપાય, કોન્ટ્રાક્ટર નિયમોમાં બંધાતો જ હોય, પરંતુ અમલમાં છીંડા જોવા મળે. કામની નબળી ગુણવત્તાને લીધે માર્ગ મુદ્દતથી પહેલાં
જ ખખડધજ થઇ જાય... તેના રિપેરિંગમાંય લાખો-કરોડો ખર્ચ થાય... ચકાસણીના નિયમોનું રામ
બોલો ભાઇ રામ... શહેરોમાં જૂના રોડની સપાટી દૂર કર્યા વિના ઉપરાઉપરી ડામરકામ થઇ જતાં
આસપાસના વિસ્તારો કરતાં રોડની ઊંચાઇ વધી જાય એટલે ચોમાસામાં વરસાદી પાણીનો ભરાવો થવા
લાગે. તાજૂબીની વાત એ છે કે, પાણીના નિકાલની વ્યવસ્થા ક્યાંય
વિચારાતી જ નથી. એટલે ચોમાસામાં ભારે મુસીબત. રોડ-પુલનાં કામો લાખો-કરોડોના ભ્રષ્ટાચારનું
માધ્યમ હોવાના આક્ષેપ છે. નબળા રસ્તા,ખાડા, પુલિયાને લીધે અસંખ્ય પરિવારો નંદવાય છે. પ્રશ્ન એ ઊભો થાય છે કે, તંત્રની કોઇ જવાબદારી ખરી ? અહીં ગાંધીધામ મહાનગરપાલિકાનું
દૃષ્ટાંત અનુકરણીય છે. મહાનગર ક્ષેત્રમાં રસ્તાનાં કામો કરતી એજન્સીને કામમાં ગંભીર
બેદરકારી બદલ મ્યુનિસિપલ કમિશનરે કડક કાર્યવાહી કરતાં 25 લાખનો દંડ ફટકાર્યો હતો. ગાંધીધામ મ્યુ. કમિશનર
નિયત મુદ્દતમાં કામ પૂરા ન કરવા સહિતના મુદ્દે કડકાઇથી વર્તીને આ પહેલાં પણ જુદી-જુદી
એજન્સીને કુલ 55 લાખનો દંડ કરી ચૂક્યા છે. દાખલો બેસાડતી કામગીરીનો
કચ્છના બીજા નગરોમાં અમલ થાય તો કામોની ગુણવત્તાએ સુધરે અને લોકોની સુખાકારીને લાભ
પહોંચે. કોન્ટ્રાક્ટરો કામ રાખ્યા પછી એ પૂરું કરવાના ટાર્ગેટથી ચાલતા હોય છે. ઘણીવાર
ગુણવત્તા સાથે બાંધછોડ કરવામાં આવે છે. વળી સિમેન્ટનાં કામોમાં પાણીનો છંટકાવ અગત્યનો
હોય એ તરફ તદ્દન દુર્લક્ષ સેવવામાં આવે છે. ગુણવત્તા વિહોણા કામોના લીધે પ્રજાના કરોડો
રૂપિયા બરબાદ થાય છે. આ પ્રશ્ન દર ચોમાસે ઊભો હોય છે. નવા બનેલા રસ્તા એક-બે વરસાદમાં
ધોવાઇ જાય, ખાડા પડી જાય, તો ગુણવત્તાનો પ્રશ્ન ઊઠવાનો જ. તાજૂબીની
વાત એ છે કે, ગુજરાતના ખુદ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી
કામોની ગુણવત્તા માટે તાકીદ કરતા હોય છે, પણ તેની ખાસ કોઇ અસર
જોવા મળતી નથી. ખાવડા રોડ પર પુલિયા માટે ખોદકામ કર્યા પછી રેડિયમ પટ્ટીવાળી આડશ બંને
તરફ મુકાઇ હોત તો અકસ્માત નિવારી શકાયો હોત. કોન્ટ્રાક્ટરોએ પણ માનવીય અભિગમ રાખીને
નિયમોનું પાલન કરવું જોઇએ. કામ વ્યવસ્થિત થાય એ સુનિશ્ચિત કરવાની તેની ફરજ છે એ રખે
ભૂલાતું. તંત્રએ બેદરકારીમાં જવાબદારો સામે આકરાં પગલાં લેતાં અચકાવું ન જોઇએ.