રાયપુર, તા. 12 : રાયપુરની ભીષણ ગરમીમાં આવતીકાલે બે એવી ટીમની ટક્કર થશે જેમની આઇપીએલ-2026 સિઝનની સફર બિલકુલ અલગ રહી છે. બુધવારની મેચં
આરસીબી અને કેકેઆરનું ભવિષ્ય ઘડશે. જો વર્તમાન વિજેતા આરસીબીનો વિજય થશે તો તે પ્લેઓફ
રાઉન્ડ માટે નિશ્ચિત થઈ જશે. હારથી કેકેઆર માટે પ્લેઓફ રાઉન્ડના દરવાજા લગભગ બંધ થઈ
જશે. આરસીબી ટીમ સારી સ્થિતિમાં છે અને 11 મેચમાં 7 જીતથી
આગળ વધી રહી છે. તે પ્લેઓફના આરે છે. તેની સામે એ ટીમ છે જેણે સમયસર ખોવાયેલો આત્મવિશ્વાસ
હાંસલ કરી લીધો છે. ટૂર્નામેન્ટની બહાર થવાની કગારમાંથી બહાર આવીને કેકેઆર પ્લેઓફ રેસમાં
સામેલ થઇ છે. તેણે પોતાની પાછલી ચાર મેચમાં જીત હાંસલ કરી અન્ય ટીમ માટે ખતરાની ઘંટડી
વગાડી દીધી છે. આરસીબી માટે અહીંનું શહીદ વીર નારાયણ સ્ટેડિયમ બીજું હોમ ગ્રાઉન્ડ છે.
અહીં તેનો પાછલા મેચમાં પરંપરાગત હરીફ મુંબઈ ઇન્ડિયન્સ વિરુદ્ધ અંતિમ દડે 2 વિકેટે દિલધડક વિજય થયો છે. સ્વિંગ સુલતાન ભુવનેશ્વર
કુમાર ટીમનો એકસ ફેક્ટર બન્યો છે. તે ટીમ ઇન્ડિયામાં વાપસીની પણ નજીક છે. કિંગ કોહલી
બે ગોલ્ડન ડક બાદ મોટી ઇનિંગ્સના મૂડમાં હશે. કેકેઆર ટીમને સિઝનની શરૂઆતથી બોલરોની
ઇજા સતાવી રહી છે. જે હજુ પણ યથાવત્ છે. આમ છતાં ટીમે વિજયક્રમ પર વાપસી કરી લીધી છે.