અમદાવાદ, તા. 12 (અમારા પ્રતિનિધિ તરફથી) : વડાપ્રધાન નરેન્દ્ર
મોદીએ હૈદરાબાદમાં સંબોધનમાં પેટ્રોલ ડીઝલનો સંયમિત ઉપયોગ કરવા અપીલ કરી હતી. વડાપ્રધાનના
આ આહ્વાનને પગલે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તમામ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે
એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજી હતી અને જ્યાં સુધી દેશમાં પેટ્રોલિયમની સ્થિતિ સામાન્ય
નહીં થાય, ત્યાં
સુધી રાજ્યની અંદરના કોઈપણ કાર્યક્રમ માટે તેઓ હેલિકોપ્ટર અને હવાઈ મુસાફરીનો ઉપયોગ
કરશે નહીં. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રાજ્યમાં પ્રવાસ માટે ટ્રેન, એસ.ટી. બસો અને જાહેર પરિવહનનો ઉપયોગ કરશે. એટલું જ નહીં, રાજ્યપાલ તરીકે પ્રાપ્ત ઝેડ પ્લસ સુરક્ષાના કાફલાને બાજુ પર રાખીને તેમણે કાફલામાં
લઘુતા ગાડીઓ રાખવા સૂચના આપી છે, જેથી ઇંધણની મહત્તમ બચત થઈ શકે.
આ સાથે જ તેમણે તમામ યુનિવર્સિટીઓના કુલપતિઓને નિર્દેશ આપ્યા છે કે તેઓ પોતાની યુનિવર્સિટીઓમાં
સપ્તાહમાં ઓછામાં ઓછો એક દિવસ કમ્બશન એન્જિન
મુક્ત દિવસ તરીકે ઊજવે. તો કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલે પાયલાટિંગ અને
એસ્કોર્ટ ગાડીઓનો ત્યાગ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ
તેમનો અમેરિકાનો પ્રવાસ રદ કર્યો હતો. જ્યારે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઇ પાનસેરિયા
અને ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયાએ પણ વડાપ્રધાનની અપીલને માન આપીને પાયલાટિંગ ગાડીઓ નહીં
લેવાનો નિર્ણય જાહેર કર્યો છે. રાજ્યના મોટાભાગના મંત્રીઓ હવે જ્યારે પોતાના વિસ્તારમાં
પ્રવાસે જશે, ત્યારે પાયલાટિંગની સુવિધા નહીં માંગે તેવી શક્યતા
વ્યક્ત કરાઈ છે.