• બુધવાર, 13 મે, 2026

અમદાવાદ-મસ્કત સીધી ફ્લાઈટ સત્વરે શરૂ કરવા મુખ્યમંત્રીની ખાતરી

માંડવી, તા. 12 : અમદાવાદથી મસ્કત સીધી ફ્લાઈટ સત્વરે શરૂ કરવા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મસ્કત ગુજરાતી સમાજના પ્રતિનિધિ મંડળને ખાતરી આપી છે. મસ્કત ગુજરાતી સમાજના સ્થાપક ડો. ચંદ્રકાંતભાઈ ચોથાણીની આગેવાની હેઠળ મસ્કત ગુજરાતી સમાજના પ્રતિનિધિ મંડળે તાજેતરમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનાં નિવાસસ્થાને મુલાકાત લઈને વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી, જેમાં ચેતનાબેન ચોથાણી, શૈલેષભાઈ ઠક્કર, મહેન્દ્રભાઈ વીંછી, શ્રેયાંશભાઈ શાહ, હેમિલ ગણાત્રા અને કીર્તિદાબેન ઠક્કર જોડાયા હતા.મસ્કત ગુજરાતી સમાજના સ્થાપક અને કચ્છ ગ્લોબલ ફાઉન્ડેશનના વાઇસ ચેરમેન ડો.ચંદ્રકાંતભાઈએ જણાવ્યું હતું કે, કોરોના બાદ અમદાવાદથી મસ્કત વચ્ચેની સીધી ફ્લાઈટ બંધ હોવાના કારણે લોકોને અબુધાબી, દુબઈ, મુંબઈ, ચેન્નાઈ કે હૈદરાબાદ થઈને આવવું પડે છે, તેના કારણે ખાસ કરીને ઈમર્જન્સી સમયે, દર્દીઓને, મોટી ઉંમરના લોકોને અને બાળકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ પ્રતિનિધિ મંડળે ભુજથી અમદાવાદ ફ્લાઈટના પ્રશ્નો તેમજ ભુજ એરપોર્ટના પ્રશ્નો પણ રજૂ કર્યા હતા. મુખ્યમંત્રી શ્રી પટેલે પ્રતિનિધિ મંડળની રજૂઆત સહાનુભૂતિ પૂર્વક સાંભળી હતી અને રજૂ કરેલ પ્રશ્નો અંગે અંગત રસ લઈને અમદાવાદથી મસ્કતની સીધી ફ્લાઈટ સત્વરે શરૂ કરવા ખાતરી આપી હોવાનું માંડવીના દિનેશકુમાર મણિલાલ શાહે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.  

Panchang

dd