• બુધવાર, 13 મે, 2026

શેરબજારો ધડામ : 11 લાખ કરોડ સાફ

મુંબઈ, તા. 12 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પેટ્રોપેદાશ અને સોના વિશેના અનુરોધ ઉપરાંત ક્રૂડ તેલના ભાવમાં ઉછાળા અને ઈરાન યુદ્ધની સમાપ્તિ અંગે અનિશ્ચિતતાની સ્થિતિએ ઘરેલુ શેરબજારોમાં આશરે બે ટકાનો મોટો ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સ 1456.04 અંક ગગડતાં રોકાણકારોના ચહેરા ચિંતિત બન્યા હતા કેમ કે, એક  જ દિવસમાં 11.28 લાખ કરોડની મૂડી ધોવાઈ ગઈ હતી. ચાર સત્રના ઘટાડામાં આશરે 3500 અંક અને 16 લાખ કરોડ રૂા. ધોવાઈ ચૂકયા છે. નિફટીમાં 430.30 અંકનો ઘટાડો  જોવાયો હતો. વિદેશી રોકાણકારોની સતત વેચવાલી અને ડોલર સામે રૂપિયો સર્વકાલીન તળિયે પહોંચતાં રોકાણકારોના ડામાડોળ માનસ વધુ ખરડાયાં હતાં અને મોટા ભાગના સેકટરના શેરોમાં વેચવાલી કરતાં હોસ્પિટલ્સ અને હેલ્થકેર સિવાયના તમામ ઈન્ડેક્સમાં કડાકો નોંધાયો હતો. સત્રના આરંભથી જ ચોમેર વેચવાલીનો સાક્ષી બનેલો 30 શેરનો ઈન્ડેક્સ સેન્સેક્સ 1.92 ટકા અથવા 1456.04 અંક ગગડીને 74559.24 બંધ આવ્યો તે પહેલાં દિવસ દરમ્યાન બે ટકા અથવા 1565.78 અંક જેટલો નીચે ઊતરી 74449.50ના સ્તરને સ્પર્શ્યો હતો. મંગળવારે નિફ્ટી વિક્લી ઓપ્શન્સની એક્સપાયરીના દિવસે પ્રતિકૂળ વૈશ્વિક પરિબળો વચ્ચે નિફ્ટી કારોબાર દરમ્યાન 23348ના તળિયે પહોંચી ગયો હતો. ગત સપ્તાહે ગુરુવારથી શરૂ થયેલો ઘટાડો ચોથા દિવસે જાણે બ્લડબાથમાં પરિણમ્યો હતો. આઇટી શેરોમાં ભારે વેચવાલી, વધતાં ક્રૂડતેલના ભાવ, ભૂરાજકીય ટેન્શનમાં વધારો અને વિદેશી સંસ્થાઓની સતત વેચવાલી ઘટાડા પાછળના મુખ્ય કારણો હતા. ચીન ખાતે અમેરિકાનું પ્રતિનિધિ મંડળ બંન્ને દેશો વચ્ચેના વિવિધ મુદ્દે વાર્તાલાપ માટે  આજથી ચીનમાં છે અને પ્રમુખ ટ્રમ્પ પણ ત્યાં પહોંચવાના અહેવાલો છે. હોર્મુઝ સમુદ્રધુનિમાં સ્થિતિ તંગ છે. ટ્રમ્પે ઇરાનની શરતોને કચરા ટોપલીમાં ફગાવી દેવા લાયક ગણાવી હતી. અમેરિકાનું એક ફાઇટર જેટ હુમલાનો ભોગ બન્યું હોવાના અંદાજે 42 કન્ટેનર જહાજો ગલ્ફમાં યુએસ બ્લોકેડ અને હોર્મુઝ બંધીનાં કારણે ફસાયા હોવાના અહેવાલોએ બજારને ધમરોળી ગભરાટભરી વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી વિક્લી ઓપ્શન્સ સેટલમેન્ટના દિવસે 23816વાળો 23722 ખૂલી 23758 થયા પછી 23348ના દૈનિક લો પર ગયા પછી 436 પોઇન્ટ્સના લોસે 1.83 ટકા તૂટીને 23379ના સ્તરે આવી ગયો હતો. નિફ્ટીના 46 શેરો ઘટ્યા હતા. સેન્સેક્સના 30 શેરોમાંથી 29 શેરો ઘટ્યા હતા. વ્યાપક બજારમાં એનએસઇમાં એક શેર વધ્યાની સામે છ ઘટ્યા હતા. સેન્સેક્સમાં અપવાદ રૂપે એક માત્ર  સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા વધ્યો હતો. નિફ્ટી બેંક ઇન્ડેક્સ 1.63 ટકાના લોસે, 885 પોઇન્ટ્સ ઘટીને 53555 પર બંધ હતો. નિફ્ટી મિડકેપ 100 ઇન્ડેક્સ 2.54 ટકા, 1554 પોઇન્ટ્સના ગાબડાંએ 59705 પર બંધ હતો. ઇન્ડિયા વિક્સ ચંચળતા વધ્યાનો ઇશારો કરી સોમવારના 10.16 ટકા ઉપરાંત મંગળવારે વધુ 3.92 ટકા ઉછળી 19.28 થઇ ગયો હતો.ઓપન એઆઇના તાજેતરના પ્રવેશ પછી એઆઇ-આગેવાની હેઠળની ટેકનોલોજી સેવાઓમાં વધતી સ્પર્ધા અને તેમાં ભારતીય કંપનીઓ પાછળ રહી હોવાની ચિંતા વધતાં ટીસીએસ, ઇન્ફોસીસ અને એચસીએલ ટેક 52 અઠવાડિયાના નવા નીચા સ્તરે પહોંચ્યા હતા. 

Panchang

dd