• બુધવાર, 13 મે, 2026

કેરળમાં મુખ્યમંત્રીની પસંદગીમાં વિલંબ : કોંગ્રેસની નબળાઈ

વિધાનસભાની ચૂંટણીઓનાં પરિણામો બાદ પશ્ચિમ બંગાળ અને આસામમાં મુખ્યમંત્રીઓના શપથગ્રહણ સાથે નવી સરકારોએ શાસનધુરા સંભાળી લીધી છે, પણ વિજયના એક સપ્તાહ બાદ પણ કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (યુડીએફ) કેરળમાં પોતાના મુખ્યમંત્રીનું નામ નક્કી ન કરતાં મોરચાની અને તેમાં પણ ખાસ તો કોંગ્રેસની નબળાઈ છતી થઈ રહી છે. કોંગ્રેસ માટે કેરળનો વિજય ખરા અર્થમાં પોતાની ધોવાઈ રહેલી છબીને બચાવવા માટે મદદરૂપ બન્યો છે, પણ મુખ્યમંત્રીનાં નામની જાહેરાતમાં થઈ રહેલા વિલંબે પક્ષના નેતાઓ અને કાર્યકરોમાં અસમંજસની લાગણી વધારી છે. કેરળ જેવાં નાનાં રાજ્યમાં જ્યાં ધારાસભ્યોની સંખ્યા ઓછી છે, ત્યાં આ વિલંબથી પક્ષની અંદર જૂથબંધીનું જોખમ વધી જાય છે. અવામાં મુખ્યમંત્રી પદના દાવેવદાર વી.ડી. સતીશન અને રમેશ ચેન્નિથલાના ટેકેદારો વચ્ચે શક્તિ પ્રદર્શન શરૂ થઈ ગયું છે. આવા શક્તિ પ્રદર્શનથી સ્વાભાવિક રીતે કડવાશ વધી જતી હોય છે. સરવાળે આ પરિસ્થિતિ કોંગ્રેસ માટે વિજયના આનંદને ચિંતામાં બદલી  નાખે તેવી બની રહી છે. ક્રોગ્રેસને આસમ, બંગાળ, તામિલનાડુ અને પોંડીચેરીમાં નિરાશાજનક દેખાવનો સામનો કરવો પડયે છે. માત્ર કેરળમાં તેને સંતોષજનક વિજય મળ્યો છે, પણ રાજ્યમાં મુખ્યમંત્રી પદના બે પ્રબળ અને યોગ્ય દાવેદારોમાંથી કોઈ એકની પસંદગી કરવાને બદલે રાહુલ ગાંધી  પક્ષના મહામંત્રી કે.સી. વેણુગોપાલને મુખ્યમંત્રી બનાવવા માગે છે. આ જ કારણ છે કે, રાજ્યમાં સરકાર રચવામાં વિલંબ થઈ રહ્યો છે. આમ તો કોઈ પણ રાજકીય પક્ષ મુખ્યમંત્રી પસંદગી પહેલાં રાજ્યના ધારાસભ્યોના મનની વાત જાણવા પર ધ્યાન આપે છે. સાથોસાથ રાજ્યમાં પક્ષના  કાર્યકરોની લાગણી પણ ધ્યાને લે છે, પણ કોંગ્રેસમાં મોટાભાગે હાઈકમાન્ડની મરજીને સર્વોપરી માનવામાં આવે છે. આને લીધે ભૂતકાળમાં તેને રાજકીય નુકસાનનો સામનો પણ કરવો પડી ચૂક્યો છે. વેણુગોપાલ હાઈકમાન્ડની પસંદગી હોઈ શકે પણ વક્રતા એ છે કે, તેઓ વિધાનસભાની ચૂંટણી પણ લડયા નથી. માત્ર રાહુલ ગાંધીના વિશ્વાસપાત્ર હોવાના આધારે વેણુગોપાલને મુખ્યમંત્રી બનાવવાનો તખતો તૈયાર કરાઈ રહ્યો છે. અત્યાર સુધી કોંગ્રેસને ભાન થયું નથી કે, મુખ્યમંત્રીની પસંદગીમાં ધારાસભ્યો અને સ્થાનિક નેતાગીરીના મતની અવગણના કરવાથી પક્ષમાં નારાજગી અને વિરોધની લાગણી વધે છે. કેરળના મુખ્યમંત્રીની પસંદગીમાં વિલંબનો મુદ્દો હવે રાષ્ટ્રીય રાજકીય મુદ્દો પણ બની ગયો છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મામલે રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા છે, તો રાહુલ ગાંધીએ દિલ્હીના મુખ્યમંત્રીની પસંદગીમાં ભાજપે કરેલા વિલંબની વાત આગળ ધરીને પોતાના બચાવનો પ્રયાસ કર્યો છે. લોકશાહીની સ્વસ્થ પરંપરાને અનુસરીને કોંગ્રેસે તેના ધારાસભ્યો અને નેતાઓને વિશ્વાસમાં લઈને કેરળમાં વિના વિલંબે મુખ્યમંત્રીની પસંદગી કરી લેવી જોઈએ.

Panchang

dd