• બુધવાર, 13 મે, 2026

દદ્ધર-સાધારા વચ્ચેના ખાડાના અકસ્માત અંગે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ફરિયાદ દાખલ

ભુજ, તા. 12 : ત્રણ દિવસ પૂર્વે ખાવડા માર્ગે દદ્ધર-સાધારા વચ્ચે પુલિયાનાં કામ અર્થે ખોદાયેલા મોત સમા ખાડાના લીધે ત્રણ મોત અને છ ઘાયલના બનાવના અકસ્માતને લઈને કોન્ટ્રાકટર અને તપાસમાં જે નીકળે તેની વિરુદ્ધ ગુનો દાખલ કરાવાયો છે. આ અંગે આજે ખાવડા પોલીસ મથકે માધાપરના આમદ ઈબ્રાહીમ સમાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તે તેમની સ્વિફ્ટ ગાડી નં. જી.જે.-12-બીઆર- 6218વાળી લઈને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલથી જુણા તેમના સાસુ આમિયતબાઈ લતીફ સમા, સસરા લતીફ ઉમર સમા તથા ફરિયાદીની દીકરી અફસીન અને કૌટુંબિક સગા નૂરબાઈ જુમા સમા તેમજ રેહાનાબાઈ હકીમ સમાની ડિલિવરી થયા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા મળતાં પાંચે જુણા ગામ જતા હતા. દદ્ધર-સાધારા વચ્ચે માર્ગ પર નાળું બનાવવા મોટો ખાડો ખોદેલો હતો. રોડ પર જરૂરી સાઈન બોર્ડ કે ડાયવર્ઝન મૂકેલા ન હોઈ તેમજ કોઈ પ્રકારની આડશ પણ ન હતી. રાત્રિના અંધારામાં ખાડો ન દેખાતાં ગાડી ખાડામાં પડી હતી. ફરિયાદી તથા સસરા લતીફ અને દીકરા અફસીનને ઈજાઓ થઈ હતી. નૂરબાઈ અને રેહાનાબાઈનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. સાધારા તરફથી આવતી બે મોટરસાઈકલના ચાલક ઉંમર હસન વાંઢા (સાધારા) અને પાછળ બેઠેલા ઈબ્રાહીમ હુસેન સમા (દેઢિયા)ને માથામાં ગંભીર પ્રકારની ઈજાઓ થઈ હતી. જ્યારે બીજી બાઈકના ચાલક જુમા અલુ કલરનું માથાંમાં ગંભીર ઈજાને લીધે મૃત્યુ થયું હતું અને તેની પાછળ બેઠેલા મુસ્તફા અલુ કલરને સામાન્ય ઈજા થઈ હતી. આમ આ ખાડા થકી ત્રણ મોત અને પાંચ ઘાયલ થયાના અકસ્માતો અંગે પુલિયાનું કામ કરતા જવાબદાર કોન્ટ્રાકટર તથા તપાસમાં જે નીકળે તેની સામે ફરિયાદ નોંધાવાઈ છે. પોલીસે બી.એન.એસ.ની કલમ 105, 110, 125 (એ) અને 125 (બી) મુજબ ગુનો દાખલ કર્યો છે.  

Panchang

dd