ભુજ, તા. 12 : અબડાસામાં ઘઉંનો મબલક પાક થયો, પરંતુ ટેકાના ભાવની ખરીદી ન
થતાં લેભાગુઓ સક્રિય બન્યા હતા અને ખેડૂતો પણ પોતાનો પાક વેચવા તૈયાર થઇ ગયા હતા. આવા
જ અબડાસાના 19 ખેડૂતનો
વિશ્વાસ સંપાદિત કરી ત્રણ લાખ કિલો જેટલા ઘઉં લઇ બારોબાર વેચી મારી કુલે રૂા. 47,13,074ની બે શખ્સે ઠગાઇ કર્યાની ફરિયાદ નોંધાઇ છે.
જખૌ પોલીસ મથકે વાંકુના ખેડૂત જગદીશસિંહ શિવુભા જાડેજાએ નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી
રમેશ મુજીરામ ઉર્ફે રામજી (મૂળ ધાકલી તા. સાસનગર, જિલ્લો મોહાલી, પંજાબ હાલે નલિયા) તથા ભગુભા પાંચુભા જાડેજા (ખીરસરા કોઠારા)એ વાંકુ,
વિંગાબેર તથા ફુલાયવાંઢ ગામના અલગ-અલગ ખેડૂતોની વાડીએ તા. 23-3-26થી 10-4-26 સુધી અલગ-અલગ સમયે જઇ કુલ 19 ખેડૂતનો વિશ્વાસ સંપાદિત કરી કુલ ઘઉં 2,96,194 કિલો જેની એક કિલો ઘઉંની કિં. રૂા. 21 લેખે એમ કુલે રૂા. 62,20,074 રકમમાંથી ખેડૂતોને વેપારી પર વિશ્વાસ ટકી રહે
તે હેતુથી બન્ને આરોપીએ અલગ-અલગ ખેડૂતોને રૂપિયા 15,07,000 જેટલી રકમ સોદા પેટે આપી હતી. આ બાદ આ બન્ને
આરોપીએ ખેડૂતોની બાકી નીકળતી રકમ નહીં આપી, ખેડૂતોની મહેનતની કમાણીના રૂપિયા બારોબાર લઇ બન્ને જણ ભુજ
મધ્યે ઘઉંનું વેચાણ કરી રૂપિયા લઇને પોતાના મોબાઇલ સ્વિચઓફ કરી ઓફિસો બંધ કરી રફૂચક્કર
થઇ ગયાની વિગતો ફરિયાદમાં નોંધાવી છે. પોલીસે બન્ને વિરુદ્ધ ઠગાઇનો ગુનો દાખલ કરી તજવીજ
આદરી છે.