રાજકીય પ્રવાહો : કુન્દન વ્યાસ : પશ્ચિમ બંગાળના પરાજિત
થયેલાં `મુખ્યપ્રધાન' મમતા બેનરજી કહે છે કે હું ચૂંટણીમાં હારી નથી,
મને હરાવવામાં આવી છે. ચૂંટણીપંચ ઉપર આક્ષેપ કરી રહ્યાં છે - મતદારોની
યાદીમાં જાણીબૂઝીને કાપકૂપ કરવામાં આવી હોવાનો આક્ષેપ છે ! મુખ્યપ્રધાનપદેથી રાજીનામું
નહીં જ આપું એવો પડકાર સંવિધાન અને લોકતંત્રની પ્રણાલી સામે - હકીકતમાં કેન્દ્ર સરકાર
સામે કરી રહ્યાં છે ! જાહેરમાં તમાશો કરવામાં તેઓ માહેર છે. પરાજય માટે બહાના શોધવાની
પ્રક્રિયા ચૂંટણીમાં મતદાન શરૂ થયું તે પહેલાંથી શરૂ થઈ હતી ! આ તમાશામાં તેઓ ચૂંટણીપંચને
વિવાદનાં કેન્દ્રમાં રાખવા માગે છે. ભાજપના મુખ્યપ્રધાનનો શપથવિધિ રોકવામાં તેઓ કોઈ
કાળે સફળ થાય નહીં, પણ સંઘર્ષ, આંદોલન અને
હિંસાચાર ભડકાવીને ભારતની લોકશાહી અને ચૂંટણીની નિષ્પક્ષતાને બદનામ કરવાની એમની ચાલ
છે. આ ચાલબાજીમાં અન્ય નેતાઓ - રાહુલ ગાંધી પણ સક્રિય ભાગીદાર છે ! ચૂંટણી પ્રચારની
શરૂઆતમાં રાહુલ ગાંધીએ મમતાની ટીકા કરી હતી કે હિન્દુ - મુસ્લિમનું ધ્રુવીકરણ - વિભાજન
કરીને એમણે બંગાળ ભાજપના હાથમાં મૂકી દીધું છે ! હવે મમતાએ વોટ ચોરી -ચોરીની કાગારોળ
શરૂ કરી છે ત્યારે રાહુલ ગાંધી ચોરીના શોરમાં સૂર પૂરાવે છે ! આ રાજકારણ છે ! ચૂંટણીપંચ
સામે `એટમ બોમ્બ' ફૂસ થયા પછી ફિયાસ્કો થયો. હવે મમતા બેનરજીના
ખભા ઉપર બંદૂક ગોઠવીને ચૂંટણીપંચ તથા કેન્દ્ર સરકાર સામે કાનૂની જંગ નહીં તો દેશ -
વિદેશમાં ભારતની લોકશાહીમાં અવિશ્વાસ જગાવવાના પ્રયાસ થશે ! મમતા બેનરજી જાણે છે કે
હવે તેઓ નવી વિધાનસભામાં પ્રવેશી શકે એમ નથી. કોઈ પેટાચૂંટણીમાં જીતે તો પણ મુખ્યપ્રધાન
બનવાનો પ્રશ્ન જ નથી. ભૂતકાળમાં ઈન્દિરા ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં હાર્યા પછી વડાપ્રધાનની
ખુરસી પકડી રાખવા દેશભરમાં `ઈમર્જન્સી' જાહેર
કરી હતી. મમતા દીદીગીરી કરે છે ! તાત્કાલિક તો ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારમાં અવિશ્વાસ
જાહેર કરીને `ગેરવર્તણૂક'નાં નામે સંસદમાં ઈમ્પિચમેન્ટ - મહાભિયોગ ચલાવવા
માગે છે ! હજુ હાલમાં જે સંસદના કુલ 20 પક્ષ અને 30 વિપક્ષી સભ્યએ
ચૂંટણી કમિશનર સામે સંવિધાન મુજબ કાર્યવાહી કરવાની નોટિસ આપી હતી. આ નોટિસ લોકસભા અને
રાજ્યસભામાં એકી સાથે આપવામાં આવી હતી, ત્યારે બંને ગૃહમાં - સ્પીકર અને સભાપતિ - અધ્યક્ષે આક્ષેપોના જવાબ મુદ્દાસર
આપીને નામંજૂર કરી હતી. આ પછી મહિલા આરક્ષણના પ્રસ્તાવમાં વિપક્ષી એકતાનાં કારણે સરકારની
જરૂરી બહુમતી થઈ નહીં. વિપક્ષને ખુશી થઈ અને હવે ફરીથી સંસદમાં સરકારને પડકારવા અને
હરાવવા માગે છે ! પણ આ શક્ય છે ખરું ? એપ્રિલ મહિનામાં વિપક્ષોએ
જે નોટિસ આપી હતી, તેમાં મુખ્ય છ ફરિયાદ - મુદ્દા હતા,
જેમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારની નિમણૂકથી લઈને પક્ષપાતી વલણ,
ચૂંટણીમાં ગરબડની તપાસ કરવામાં અસહકાર, બિહારમાં
મતદારયાદીમાં ગરબડ તથા સુપ્રીમ કોર્ટના આદેશ નહીં માનીને અનાદર ર્ક્યાની ફરિયાદનો સમાવેશ
હતો. રાજ્યસભાના અધ્યક્ષ તથા લોકસભાના સ્પીકરે સત્તર પાનાંના મુદ્દાસર જવાબમાં તમામ
ફરિયાદ - આક્ષેપો બિનપાયાદાર - વજૂદ વગરના જણાવ્યા હતા. જ્ઞાનેશકુમાર અગાઉ સરકારના
શાસનતંત્રમાં હતા, તેથી નિષ્પક્ષ નહીં હોવાની ફરિયાદ હાસ્યાસ્પદ
હતી. 1950થી અત્યાર સુધીમાં નિમાયેલા
તમામ ચૂંટણી કમિશનરો શાસનમાં સેવા આપી ચૂક્યા પછી પસંદગી થઈ હતી, પણ તેમના અનુભવનો ઉપયોગ પક્ષપાતમાં થયો નથી.
આવી જ રીતે મતદારયાદીની ચકાસણી તથા કેન્દ્ર અથવા રાજ્ય સરકારોના અધિકારીઓની નિમણૂક
ચૂંટણી માટે થાય તે પણ કાયદેસર છે એમ જણાવાયું હતું. આ પછી હવે મમતાનો પરાજય વિપક્ષ
માટે હાથવગું હથિયાર બનાવવાના પ્રયાસ શરૂ થયા છે. આ મુદ્દા ઉપર વિપક્ષી એકતા સાધી શકાશે
એમ મનાય છે, પણ હવે કેન્દ્ર સરકાર સાવધાન છે અને વારંવાર મહાભિયોગની
નોટિસ - ધમકી આપવાનો અર્થ નથી, કારણ કે આવી હિલચાલ પાછળ રાજકારણ
હોવાનું સૌ જાણે છે. રાજ્યસભાના અધ્યક્ષે પણ ટકોર કરી કે આવી નોટિસ અને ઠરાવ માત્ર
રાજકીય ચર્ચા માટે હોય છે, સંવિધાનની જોગવાઈના યોગ્ય ઉપયોગ માટે
નહીં... ચૂંટણી કમિશનરને હોદ્દા ઉપરથી દૂર કરવાનું આસાન નથી. સંવિધાનમાં સુપ્રીમ કોર્ટ
તથા હાઈ કોર્ટના ન્યાયમૂર્તિઓને દૂર કરવાની - રુખસદ આપવાની જે જોગવાઈ છે, તે ચૂંટણીપંચને પણ લાગુ પડે છે. રાષ્ટ્રપતિજી ચૂંટણીપંચના કમિશનરને ચૂંટણી
આયોજન અને પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી સર્વ સત્તા આપે છે. એમનાં કામમાં દખલ કરવાની
સત્તા કોઈને હોતી નથી. સુપ્રીમ કોર્ટ પણ પંચની સત્તા બહાલ રાખે છે. સંવિધાનની કલમ 324 ચૂંટણીપંચને મતદારોની યાદી
તૈયાર કરવાથી લઈને સંસદ તથા રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીની સત્તા આપે છે. આ કલમ ઘણી
`વ્યાપક'
છે. કોઈ ચૂંટણી મુલતવી રાખવી, રદ કરવી,
નવેસરથી નક્કી કરવી - તેને લગતી તમામ સત્તા પંચને છે. આમ છતાં કુદરતી
ન્યાયનો ભંગ હોય, દેખીતો પક્ષપાત હોય, સંવિધાનની
જોગવાઈનો ભંગ હોય, કાયદાની જોગવાઈનો ગેરઉપયોગ હોય કે સત્તાનો
દુરુપયોગ હોય તો અદાલત ફરિયાદ સ્વીકારી શકે. પણ સરતચૂક અથવા ભૂલથી અસંતોષકારક કાર્યવાહી
થઈ હોય અને આ વિષયમાં બે ભિન્ન અભિપ્રાય શક્ય હોય તો ન્યાયતંત્ર દરમિયાનગીરી કરે નહીં.
ઉતાવળથી, સખતાઈથી લેવાયેલા આપખુદ નિર્ણય, ખોટા નિર્ણય હોય તો તે ખેદજનક જણાય, પણ `ગેરવર્તણૂક'ની વ્યાખ્યામાં આવે નહીં, ઈમ્પિચમેન્ટ થાય નહીં. સંવિધાન વિષયક બાબતોના પ્રખર નિષ્ણાત સોલી સોરાબજીના
શબ્દોમાં, `ઈમ્પિચમેન્ટના
મામલામાં સંસદ ન્યાયતંત્ર જેવી ફરજ બજાવે છે, બજાવવી જોઈએ. ભૂતકાળમાં જસ્ટિસ રામસ્વામી કેસમાં ઈમ્પિચમેન્ટ વખતે કોંગ્રેસી
સંસદસભ્યોને વોટિંગમાં `ગેરહાજર' રહેવાનો આદેશ ઈમ્પિચમેન્ટની મજાક ઉડાવવા સમાન
હતો.' સોલી સોરાબજીએ વધુમાં કહ્યું કે સંસદ સમક્ષ મહત્ત્વનો મુદ્દો
એ હતો કે `ગેરવર્તણૂક' સાબિત કેવી રીતે થઈ ગણાય ? હકીકતમાં જ્યારે પણ ઉત્તર - દક્ષિણનો વિવાદ જાગ્યો - જગાવાયો હતો ! ત્યારે
ન્યાયાધીશોની જે તપાસ કમિટીની પણ અયોગ્ય ટીકા થઈ હતી. સંવિધાનને આખરી સ્વરૂપ આપવા મળેલી
સંવિધાનસભાની બેઠક (24 મે, 1949)માં ન્યાયાધીશોને
દૂર કરવા અંગેની જોગવાઈઓની ચર્ચા થઈ, ત્યારે જણાવાયું હતું કે સંસદની ભલામણથી કોઈ ન્યાયાધીશને દૂર કરવામાં આવે તે
સિદ્ધાંતમાં જ ગલત - ખોટું છે અને જો આપણે સંસદનાં બંને ગૃહ ઉપર છોડીએ તો કોઈ ન્યાયાધીશ
અપરાધી હોય તો પણ તેને દૂર કરવાનું મુશ્કેલ બનશે. ઉપરોક્ત વિધાન - ન્યાયાધીશો સાથે
ચૂંટણીપંચને પણ લાગુ પડી શકે છે. આઝાદી પછી પ્રથમ વખત ચીફ ઈલેકશન કમિશનર ટી. એન. (તિરુનેલાયી
નારાયણ ઐયર) શેષન ઉપર ઈમ્પિચમેન્ટ - મહાભિયોગ ચલાવવાની માગણી અને હિલચાલ થઈ હતી. સખત
હાથે નિયમ અને શિસ્તનું પાલન કરાવવાના રૂઢ આગ્રહી શેષન સામે લગભગ તમામ રાજકીય પક્ષો,
અમલદારીશાહી અને મીડિયા - પત્રકારો પણ એમના વિરોધી બની ગયા હતા. વિશેષ
કરીને જનતા દળ અને ડાબેરી પક્ષો મહાભિયોગ માટે લોકસભાના સ્પીકર ઉપર દબાણ કરતા હતા.
પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન જ્યોતિ બાસુએ તો ત્યાં સુધી કહ્યું કે શેષને માનસિક સમતુલા
ગુમાવી છે ! પૂર્વ વડાપ્રધાન ચન્દ્રશેખરે તો લોકસભામાં કહ્યું કે શેષનને મુખ્ય ચૂંટણી
કમિશનર પદે નીમવા પહેલાં મેં જે તપાસ કરીને ધારણા રાખી હતી, તે
તદ્દન ખોટી નીવડી છે. હવે ઈમ્પિચમેન્ટ કરો. પી. વી. નરસિંહરાવે વડાપ્રધાનપદની જવાબદારી
સ્વીકારી, તેના થોડા દિવસ પહેલાં જ શેષને પંજાબની ચૂંટણી રદ કરી
તે એમનો એક વધુ વિવાદાસ્પદ નિર્ણય હતો! શેષન તો જાણે સંવિધાનથી પણ ઉપર હોય એવી સત્તા
ભોગવે છે. રાજ્યોમાં ઈલેક્શન ઓફિસરોની નિમણૂક માટે પશ્ચિમ બંગાળ સાથે
ગંભીર મતભેદ ઊભા થયા હતા. કમિશનરનો ચુકાદો આખરી હોવાનો એમનો આગ્રહ રાજ્યોને સ્વીકાર્ય
ન હતો. લોકસભા અને રાજ્યસભામાં ખાલી પડેલી જગા ભરવાની એમને ઉતાવળ ન હતી. પરિણામે એમની
સામે વિરોધ વધતો ગયો ! જો કે, ચૂંટણી
માટે મતદારોના ઓળખપત્રો એમણે શરૂ કરાવ્યા ત્યારે પણ વિરોધ થયો. અલબત્ત, એમના પ્રયાસ ચૂંટણી સુધારા માટે જ હતા. આ વિવાદ વચ્ચે મધુ લિમયેના શબ્દો યાદ
આવે છે : ઈમ્પિચમેન્ટ પ્રચાર કરવાનું એક શસ્ત્ર છે ! શેષનના વિરોધીઓ પણ પ્રચાર - ટીકા
કરતા હતા જેવી કે અફવા હતી કે એમને એમ્બેસેડર બનાવાશે ત્યારે એમણે જવાબ આપ્યો - નિમણૂકની
વાત છોડો, અત્યારે તો મારી `એમ્બેસેડર' - કારની નજીક હું પહોંચ્યો છું ! એમને ગવર્નર
બનાવવાની પણ અફવા હતી ! ઈમ્પિચમેન્ટની હિલચાલ વિશે એમણે કહ્યું : જરૂર આગળ વધો,
પણ હું અત્યારે રાજીનામું આપીને આ લોકોને નિરાશ શા માટે કરું
?!