ભુજ, તા. 17 : અજરખપુર સ્થિત સૃજન એલ.એલ.ડી.સી.
ક્રાફ્ટ મ્યુઝિયમ દ્વારા `હસ્તકળા પરિચય' કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને કચ્છની પ્રાદેશિક
હસ્તકળા શીખવવામાં આવી હતી. આધુનિક યુગમાં ભાવિ પેઢીનું સર્વાંગી ઘડતર થાય,
હસ્તકળાનાં માધ્યમથી વિદ્યાર્થીઓમાં રહેલી ખૂબીઓ બહાર આવે, આંતરિક મૂલ્યોનો વિકાસ થાય તથા આત્મવિશ્વાસ કેળવાય તે હેતુથી યોજાયેલા કાર્યક્રમમાં
શાળા તથા કોલેજના વિદ્યાર્થીઓને અજરખ બ્લોક પ્રિન્ટ, બાંધણી,
ભરતકામ, લીંપણકામ, પોટરી
સહિતની હસ્તકળાઓ શીખવવામાં આવી હતી. વિવિધ કલા વિશે ફિલ્મના નિર્દેશનની સાથે મ્યુઝિયમની
તમામ ગેલેરી બતાવાઇ હતી. વિદ્યાર્થીઓ જાતે નમૂનાઓ તૈયાર કરી પસંદિત હસ્તકળા શીખે તેવી
તક અપાઇ હતી. આંતરરાષ્ટ્રીય કક્ષાના ક્રાફ્ટ મ્યુઝિયમ સૃજન લિવિંગ તથા લર્નિંગ ડિઝાઇન
સેન્ટર દ્વારા કચ્છી હસ્તકળાના વારસાનું સંરક્ષણ, સંવર્ધન તથા
વિકાસના હેતુથી થતી સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં કચ્છની વિવિધ શાળાઓ તથા કોલેજોના વિદ્યાર્થીઓ
મોટી સંખ્યામાં જોડાયા હતા. હજુ વધુ ને વધુ શાળાઓ હસ્તકળા પરિચય કાર્યક્રમમાં જોડાઇ
હસ્તકળાથી પરિચિત થાય તે માટે ભાગ લેવા મો. નં. 88662 35552 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું
હતું.