• શુક્રવાર, 18 જુલાઈ, 2025

ભારત, રૂસ, ચીનની ત્રિશક્તિનો સળવળાટ

નવી દિલ્હી, તા. 17 : દુનિયાભરના દેશો ઉપર અમેરિકા દ્વારા એકતરફી દબાણ ઊભું કરવામાં આવી રહ્યું છે અને હવે યુરોપ પણ તેમાં સામેલ થઈ રહ્યું છે. બ્રિક્સ દેશો ઉપર ખાસ કરીને ચીન અને ભારતને અમેરિકા અને યુરોપ દ્વારા અપાયેલી ટેરિફની ધમકી બાદ હવે ચીને કોરાણે મુકાયેલા રશિયા-ભારત-ચીન (આરઆઈસી) ત્રિપક્ષિય સહયોગને ફરીથી શરૂ કરવાની વકીલાત કરી છે.  રશિયા તરફથી કરાયેલી આરઆઈસીની પહેલનું ચીન દ્વારા સમર્થન કરવામાં આવ્યું છે. ચીને કહ્યું છે કે, રશિયા, ભારત અને ચીનનો ત્રિપક્ષીય સહયોગ ત્રણેય દેશના હિતમાં છે અને સાથે ક્ષેત્ર અને વિશ્વની સુરક્ષા અને સ્થિરતા માટે પણ ખુબ જ મહત્ત્વનો છે. રશિયન સમાચાર પોર્ટલ ઈઝવેસ્ટિયાએ ગુરુવારે  રશિયાના નાયબ વિદેશ મંત્રી આંદ્રેઈ રુડેંકોના હવાલાથી કહ્યું હતું કે, રશિયા આરઆઈસી ફોર્મેટની બહાલીની આશા કરે છે અને આ મુદ્દે બીજિંગ અને નવી દિલ્હી સાથે વાતચીત કરી રહ્યું છે. રુડેંકોના કહેવા પ્રમાણે આ મુદ્દો બંને સાથે રશિયાની વાતચીતનો હિસ્સો છે. રશિયા ફોર્મેટને સફળ બનાવવામાં રૂચી રાખે છે કારણ કે, બ્રિક્સના સંસ્થાપકો ઉપરાંત આ દેશ મહત્ત્વના ભાગીદાર પણ છે. રશિયાના ઉપ વિદેશ મંત્રીએ કહ્યું હતું કે, તેમનાં મંતવ્ય પ્રમાણે ફોર્મેટની કમી યોગ્ય નથી. તેઓ આશા રાખે છે કે, દેશ આરઆઈસી હેઠળ ફરીથી કામ શરૂ કરવા સહમત બનશે. મીડિયા સાથેની વાતચીતમાં રુડેંકોનાં નિવેદન ઉપર પ્રતિક્રિયા આપતા ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને કહ્યું હતું કે, ચીન-રશિયા-ભારત સહયોગ ત્રણેય દેશના સંબંધિત હિતને પુરા કરવા ઉપરાંત ક્ષેત્ર અને વિશ્વમાં શાંતિ, સુરક્ષા, સ્થિરતા અને પ્રગતિને જાળવી રાખવામાં મદદ કરે છે. ચીન ત્રિપક્ષિય સહયોગને આગળ વધારવા માટે રશિયા અને ભારત સાથે વાતચીત ચાલુ રાખવા તૈયાર છે. આરઆઈસીને બહાલ કરવામાં રશિયા અને ચીનની રૂચી વિદેશ મંત્રી એસ જયશંકરની એસસીઓ વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે ચીનની યાત્રા બાદ વધી છે. આ દરમિયાન જયશંકરે વિદેશ મંત્રી વાંગ યી અને રશિયાના સમકક્ષ સર્ગેઈ લાવરોવ સહિત ટોપ ચીની અધિકારીઓ સાથે વાતચીત કરી હતી.  

Panchang

dd