નવી દિલ્હી, તા. 17 : અમેરિકાના
મીડિયાએ ચોંકાવનારો દાવો કરતાં જણાવ્યું હતું કે,
અમદાવાદમાં દુર્ઘટનાગ્રસ્ત બનેલા એર ઇન્ડિયાના વિમાનના કેપ્ટને વિમાનના
ઇંધણને એન્જિનમાં જતું બંધ કરી દીધું હતું. જો કે, ભારતના નાગરિક
ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ અમેરિકી અહેવાલને માત્ર પ્રારંભિક તારણો પર આધારિત લેખાવ્યો
હતો. તેમણે કહ્યું હતું કે, અત્યારે અંતિમ નિષ્કર્ષ પર પહોંચવું યોગ્ય નથી. સાથોસાથ અમેરિકાના અહેવાલ સામે
ભારતીય પાઇલટ સંગઠનમાં પણ ભારે નારાજગી ફેલાઇ હતી. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ અનુસાર
બોઇંગ 787 ડ્રીમલાઇનર ઉડાવી રહેલા ફર્સ્ટ
ઓફિસરે વધુ અનુભવી કેપ્ટનને પૂછ્યું હતું કે, તેમણે રન-વેથી ઉડાન ભર્યા પછી તરત સ્વિચને કટ ઓફ સ્થિતિમાં કેમ કરી નાખી. અહેવાલ
નોંધે છે કે, ફર્સ્ટ ઓફિસરે ગભરાટની લાગણી વ્યક્ત કરી હતી,
જ્યારે કેપ્ટન શાંત બેઠા હતા. વોલ સ્ટ્રીટ જર્નલે મામલાના જાણકારો,
અમેરિકી પાઇલટો અને તપાસ પર નજર રાખતા સુરક્ષા તજજ્ઞોને ટાંકીને આવો
દાવો કર્યો હતો. પ્રારંભિક અહેવાલમાં અપાયેલાં વિવરણો પરથી જણાય છે કે, અમદાવાદ દુર્ઘટનામાં વિમાનના કેપ્ટને જ એન્જિનને ઇંધણ રોકતાં ફ્યુઅલ સ્વિચ
બંધ કરી નાખી હતી. દરમ્યાન, ફેડરેશન ઓફ ઇન્ડિયન પાઇલટ્સ (એફઆઇપી)ના
અધ્યક્ષ સી.એસ. રંધાવાએ અમેરિકી મીડિયા વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલને નિરાધાર લેખાવી
ટીકા કરતાં કાર્યવાહી કરવાની પણ માંગ કરી હતી. રંધાવાએ ભારપૂર્વક કહ્યું હતું કે,
ફેડરેશન ઓફ ઇન્ડિયન પાઇલટ્સના અહેવાલોમાં પાઇલટો દ્વારા એન્જિનોમાં ઇંધણનો
પ્રવાહ પહોંચાડતી સ્વિચ બંધ કરી હોવાનો કોઇ જ ઉલ્લેખ નથી. લોકોએ અંતિમ અહેવાલ આવવા
પહેલાં કોઇ નિષ્કર્ષ પર પહોંચી જવું ન જોઇએ. પાઇલટ સંગઠનની વાતમાં સૂર પૂરાવતાં ઉડ્ડયન
જગતના ભારતીય તજજ્ઞોએ પણ જણાવ્યું હતું કે, અમેરિકાનો આ અહેવાલ
અંતિમ નથી. ઉતાવળમાં કોઇ અંતિમ નિષ્કર્ષનો કોઇ જ મતબલ નથી.