ગાંધીધામ, તા. 17 : અંજારની એક સોસાયટીમાં ઘૂસી
સરસામાનની ચોરી કરી ચોકીદાર ઉપર છરી વડે હુમલો, હત્યાના પ્રકરણમાં બે શખ્સને આઠ વર્ષની સાદી કેદનો ધાક બેસાડતો ચુકાદો આપવામાં
આવ્યો હતો. અંજાર તાલુકા પંચાયત કચેરી નજીક ગોલ્ડન સેન્ડ સોસાયટીમાં ગત 13/8/2019ના બનાવ બન્યો હતો. અહીં ચોકીદારી
કરતા ખોડા લાખા રબારી હાજર હતા દરમ્યાન, આરોપી રમેશ દામજી ઉર્ફે દેવજી મહેશ્વરી અને નાનજી ઉર્ફે નાનતો ઉર્ફે નાનકો
બાબુ કોળી નામના શખ્સો અંદર ઘૂસ્યા હતા. આ શખ્સોએ સરસામાનની ચોરી કરી હતી. દરમ્યાન,
ચોકીદારે આ શખ્સોને પડકારતાં આ શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો,
જેમાં ચોકીદારનું મોત થયું હતું. બનાવ અંગે ગત તા. 14/8/2019ના પુષ્કર બાબુભાઇ પટેલે પોલીસ
મથકે ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે
પોલીસે બંને શખ્સને પકડી પાડયા હતા અને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. અંજારની અધિક
ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં કેસ ચાલી ગયો હતો જ્યાં ફરિયાદ પક્ષે 27 સાહેદ અને 30 પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા.
આ પ્રકરણમાં બંને પક્ષની દલીલો સાંભળી, આધાર-પુરાવા, સાહેદો ચકાસી ન્યાયાધીશ કે. કે. શુક્લએ
બંનેને તક્સીરવાન ઠેરવ્યા હતા. આ સમગ્ર કેસ અંડર ટ્રાયલ ચાલ્યો હતો. આરોપીઓને જુદી
જુદી કલમો તળે આઠ વર્ષની સાદી કેદની સજા અને જુદી જુદી કલમો તળે કુલ રૂા. 52,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો
અને દંડની રકમ ન ભરે, તો વધુ કેદનો
આદેશ કરાયો હતો. આ કેસમાં ફરિયાદી પક્ષે સરકારી વકીલ એ.જી.પી. આશિષ પી. પંડયા તથા મૂળ
ફરિયાદી પક્ષના ધારાશાત્રી હેતલકુમાર જે. સોનપાર, ચેતન કે. ગઢવી
હાજર રહી તર્કબદ્ધ રીતે દલીલો કરી હતી.