ગાંધીધામ, તા. 17 : તાલુકાના શિણાયની યોગીપુરમ
સોસાયટીમાં વિજયસિંહ ભુરૂભા રાણા (ઉ.વ. 45)એ ગળેફાંસો ખાઇ જીવ દીધો હતો તેમજ પડાણામાં વિરમારામ માનારામ
ચૌધરી (ઉ.વ. 48)એ ફાંસો ખાઇ છેલ્લું પગલું
ભરી લીધું હતું તથા ગાંધીધામમાં બાયાબેન કાનજી મહેશ્વરી (ઉ.વ. 45)એ ફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવી
લીધું હતું. શિણાયની યોગીપુરમ સોસાયટીમાં રહેનાર વિજયસિંહ ગઇકાલે સવારે પોતાના ઘરે
હતા દરમ્યાન, અગમ્ય કારણોસર છતના પંખામાં
ચુંદડી બાંધી ગળેફાંસો ખાઇ અંતિમ પગલું ભરી લીધું હતું. આ યુવાને કેવા કારણોસર આવું
પગલું ભર્યું હશે તેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. બીજીબાજુ પડાણામાં આસ્થા સોલ્ટની
શ્રમિક વસાહતમાં બનાવ બન્યો હતો. અહીં રહીને મજૂરીકામ કરનાર વિરમારામ નામના આધેડ પોતાના
રૂમ ઉપર હતા દરમ્યાન, પંખામાં દોરી બાંધી ગળેફાંસો ખાઇ પોતાનો
જીવ દીધો હતો. શ્રમિકના આપઘાતના બનાવ પછવાડેનું કારણ જાણવા આગળની તપાસ પોલીસે હાથ ધરી
છે. વધુ એક અપમૃત્યુનો બનાવ ગાંધીધામના રોટરીનગરમાં બન્યો હતો. અહીં મકાન નંબર 562માં રહેનાર બાયાબેન નામના મહિલા
ગઇકાલે સાંજે પોતાના ઘરે હતા દરમ્યાન અગમ્ય કારણોસર તેમણે પંખામાં રસ્સી બાંધી ગળેફાંસો
ખાઇ છેલ્લાશ્વાસ લીધા હતા. બનાવ પછવાડેનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.