ભુજ, તા. 17 : સમય સાથે હંમેશાં તાલ મિલાવતાં
અને રાષ્ટ્રવાદને વરેલાં અખબાર કચ્છમિત્રએ તેની 79મી વર્ષગાંઠની અનોખી ઉજવણી કરતાં જન્મદિવસના સંકલ્પરૂપે હરિત
ઊર્જાને અપનાવી, ગ્લોબલ વોર્મિંગનો પડકાર
ઝીલવામાં યોગદાન આપ્યું છે. આ અવસરે કચ્છના યુવા સાંસદ વિનોદ ચાવડાએ કચ્છમિત્રની પહેલને
પ્રેરક, ઉમદા લેખાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, અખબારે અન્ય સંસ્થાઓ, ઉદ્યોગોને પણ પ્રેરણા આપી છે. વ્યસ્તતાઓ
વચ્ચે કચ્છમિત્ર ભવનની મુલાકાતે આવીને સોલાર સિસ્ટમનો પ્રતીકાત્મક પ્રારંભ કરાવતાં
વિનોદભાઇએ કહ્યું હતું કે, કચ્છમિત્ર નવું કરવા માટે જાણીતું
છે. કૃષિ, ઉદ્યોગ, રોજગારીનાં ક્ષેત્રોમાં
નોંધપાત્ર પ્રદાન આપે છે. સૌર ઊર્જાનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને અપનાવવાની
પહેલમાંથી જનતા પણ પ્રેરણા લે તેવું આહ્વાન કરતાં સાંસદ શ્રી ચાવડાએ કહ્યું હતું કે,
વીજળીની બચત, ઉત્પાદન તેમજ આવક થાય છે. વ્યસ્તતા
વચ્ચે આવેલા સાંસદનું તંત્રી દીપક માંકડ, મેનેજર મુકેશ ધોળકિયા,
આસિ. મેનેજર હુસેન વેજલાણીએ સ્વાગત કર્યું હતું. કચ્છમિત્ર પરિવારના
સભ્યો જોડાયા હતા.