ભુજ, તા. 17 : જિલ્લાના નગરપાલિકા વિસ્તારોમાં
રખડતા ઢોરોના ત્રાસથી લોકોને બચાવવા અઠવાડિયાંમાં એક વખત ઝુંબેશ કરવા તેમજ મુંદરા તાલુકાના
લુણી ગામે બે વર્ષથી પેન્ડિંગ શાળાની મંજૂર થયેલી જમીનનો હુકમ કરવા કચ્છ જિલ્લા કોંગ્રેસ
પ્રમુખ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી માંગ કરાઈ છે. જિલ્લા પ્રમુખ વી. કે. હુંબલ, કિશોરદાન ગઢવી, ગનીભાઈ
કુંભાર, અંજલિ ગોર સહિતના પક્ષના આગેવાનોએ આજે જિલ્લા કલેક્ટરને
મળી કચ્છના નગરપાલિકા વિસ્તારોમાં રખડતા ઢોરોનો ત્રાસ વધી ગયો છે અને લોકોને અડફેટે
લઈ રહ્યા છે, જેનાથી જાનહાનિ પણ થઈ રહી છે, ત્યારે નગરપાલિકાઓ ઝુંબેશના ભાગરૂપે સપ્તાહમાં એક વખત ઢોર પકડી ગૌશાળા અથવા
ઢોર ડબ્બામાં પૂરવાની કામગીરી હાથ ધરે તેવી માંગ કરી હતી. બીજી તરફ મુંદરા તાલુકાના
લુણી ગામે બે વર્ષ પહેલાં મંજૂર થયેલી માધ્યમિક શાળા માટેની જમીનનો હુકમ કલેક્ટર કક્ષાએ
મંજૂર કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી.