• શુક્રવાર, 18 જુલાઈ, 2025

સફાઈ પાછળ મહિને એક કરોડથી વધુનો ખર્ચ છતાં ગાંધીધામ 99મા ક્રમે

ગાંધીધામ, તા. 17 : ગાંધીધામ-આદિપુર જોડિયા શહેરોને સ્વચ્છ રાખવામાં વહીવટી તંત્ર ઊણું ઊતર્યું છે. વર્ષોથી રૂપિયા ખર્ચાય છે, પરંતુ હેતુ સાર્થક થતો નથી. ગત વર્ષે દર મહિને સફાઈ પાછળ એક કરોડથી વધુ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે, છતાં સ્વચ્છતામાં રાષ્ટ્રીય કક્ષાએ 214મો અને રાજ્યમાં 99મો ક્રમ આવ્યો છે. ભારત સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઈન્દોરે દેશમાં સ્વચ્છતામાં નંબર એકનું સ્થાન જાળવી રાખ્યું છે, પરંતુ આ સ્વચ્છતા સર્વેક્ષણમાં 50 હજારથી લઈને 3 લાખની વસ્તીમાં ગાંધીધામનો દેશમાં 214મો અને રાજ્યમાં 99મો ક્રમ આવ્યો છે, જેમાં ડોર-ટુ-ડોર કચરા એકત્રીકરણ, સૂકો-ભીનો કચરો, વેસ્ટ પ્રોસાસિંગ એટલે કે કચરાનું ખાતર બનાવવાની પ્રક્રિયા સહિતની બાબતોને આવરી લેવામાં આવી છે. આ સ્વચ્છ સર્વેક્ષણમાં ગાંધીધામને એક પણ સ્ટાર મળ્યો નથી, પરંતુ મહાનગરપાલિકાના જવાબદારોના કહેવા મુજબ ગત સર્વેક્ષણ કરતાં સ્થિતિમાં સુધારો આવ્યો હોવાનો દાવો છે, પરંતુ જમીન ઉપર આ દાવો પોકળ સાબિત થઈ રહ્યો હોવાના આક્ષેપો છે. નગરપાલિકા વખતે સફાઈ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, તેમ છતાં સ્થિતિમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી. મહાનગરપાલિકાના સમયગાળામાં આવું ન થાય તે માટે 17 કરોડના ખર્ચે બે ઝોનમાં સફાઈની કામગીરીનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. હવે ખરેખર જમીન ઉપર કામગીરી થાય તો જ સ્વચ્છતાનો હેતુ સાર્થક થાય તેવું લોકો જણાવી રહ્યા છે.  

Panchang

dd