નવી દિલ્હી, તા. 17 : સરકારે જારી
કરેલા વાર્ષિક સ્વચ્છતા સર્વેક્ષણના જારી કરેલા પરિણામમાં સુપર સ્વચ્છ લીગ શહેરોની શ્રેણીમાં મધ્યપ્રદેશના
ઈન્દોર શહેરે દેશભરમાં ડંકો વગાડયો છે, જ્યારે સુરત બીજા અને નવી મુંબઈ ત્રીજા ક્રમે આવ્યા છે, તો 10 લાખથી વધુ
વસતી ધરાવતા સ્વચ્છ સૌથી મોટા શહેરમાં અમદાવાદ પ્રથમ આવ્યું હતું, ત્યારબાદ ભોપાલ અને લખનઉનો સમાવેશ થાય છે. આ
સન્માન દ્વારા શહેરના નાગરિકોની જાગૃતતા અને પ્રશાસનની મહેનતના પરિણામે મળ્યું છે,
જ્યારે બીજું સ્થાન ભોપાલનું આવ્યું છે. આ સર્વેક્ષણમાં વિવિધ 4500 શહેરોમાં જુદા-જુદા માધ્યમોથી
14 કરોડથી વધુ લોકો જોડાયા હતા.
એક મીડિયા હેવાલ મુજબ, રાષ્ટ્રપતિ
દ્વારા નગર પ્રશાસન મંત્રી કૈલાસ વિજયવર્ગીય અને મહાપૌર પુષ્યમિત્ર ભાર્ગવને પ્રદાન
કરાતાં તેમણે આ સન્માન ઈન્દોરવાસીઓને સમર્પિત કરતાં કહ્યું હતું કે, આ પુરસ્કાર માત્ર પ્રશાસનને નહીં, પરંતુ દરેક એ નાગરિકને
સમર્પિત છે, જેમણે સ્વચ્છતા માટે સજાગતા દર્શાવી છે. ઉલ્લેખનીય
છે કે, મધ્યપ્રદેશ છેલ્લા કેટલાક વર્ષોમાં સફાઈ વ્યવસ્થા,
ડિજિટલ ટ્રેકિંગ, ડોર-ટુ-ડોર કચરા કલેક્શન,
કચરાની પ્રક્રિયાના યુનિટ અને જન સહભાગિતા જેવા ક્ષેત્રે ગંભીર પ્રયાસ
હાથ ધર્યા છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં સુરતે પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. સ્વચ્છતા
તરફ નવા શહેરોને પ્રોત્સાહન આપવા માટે 10 લાખથી વધુ વસતીવાળા સૌથી સ્વચ્છ મોટા શહેરની શ્રેણીમાં અમદાવાદે
પ્રથમ સ્થાન મેળવ્યું છે, ત્યારબાદ ભોપાલ,
લખનઉ, રાયપુર, જબલપુર,
ગ્રેટર હૈદરાબાદ, પિંપરી-ચિંચવડ, પુણે સહિત અન્ય શહેરોનો ક્રમ આવે છે. 10 લાખથી વધુ વસતી ધરાવતા ટોચના
40 શહેરોમાં, ચેન્નાઈ 38મા, લુધિયાણા 39મા અને મદુરાલ
40મા ક્રમે છે. નોંધનીય છે કે,
સ્વચ્છતા સર્વેક્ષણ ભારત સરકારની એક સફાઈ મામલે અગત્યની પહેલ છે,
જેની શરૂઆત 2016થી થઈ હતી. આ સર્વેક્ષણનો હેતુ શહેરોમાં વધતી ગંદકીને દૂર કરી
સફાઈ વ્યવસ્થામાં પ્રતિસ્પર્ધી બનાવવા અને નાગરિકોમાં જાગૃતતા ફેલાવવાનો છે. આ વર્ષે
ચાર શ્રેણીઓમાં 78 પુરસ્કારો
રજૂ કરવામાં આવ્યા હતા.