• શુક્રવાર, 18 જુલાઈ, 2025

પરિવારની જ સગીરા સાથે દુષ્કર્મના પ્રયાસના કેસમાં આરોપીને 10 વર્ષની સખત કેદ

ભુજ, તા. 17 : પરિવારની જ દીકરી સમાન 12 વર્ષીય બાળકી સાથે એકાદ વર્ષ પૂર્વે દુષ્કર્મના પ્રયાસના ધૃણાસ્પદ બનાવમાં 35 વર્ષીય આરોપી શેરખાન મામદ નોતિયાર (રહે. ભુજ)ને તકસીરવાન ઠેરવી 10 વર્ષની સખત કેદ તથા 28 હજારના દંડની સજાનો ધાક બેસાડતો ચુકાદો અદાલતે આપ્યો છે. ગત તા. 5/8/24ના થયેલા આ હીન કૃત્યની વિગત એવી છે કે, પરિવારની જ 12 વર્ષીય સગીરાને માથામાં દુ:ખાવો થતો હોઇ આરોપી શેરખાને માથાની ગોળીના બદલે અન્ય કોઇ બેહોશીની ગોળી બદકામ કરવાના ઇરાદે ખવડાવ્યા બાદ તેને પોતાના છકડામાં બેસાડી મમ્મીનાં ઘરે મૂકી જવાનું કહી સાથે લઇ જઇ આ અર્ધબેભાન હાલતમાં બાળાને રસ્તામાં બાવળની ઝાડીમાં લઇ જઇ શરીર સંબંધ બાંધવાની કોશિશ કરવા જતા બાળાએ આરોપીને પગેથી લાત મારતા તે પડી ગયો હતો અને ગભરાઇ જતાં બાળાને તેનાં મકાન પાસે મૂકી ગયો હતો. આ બનાવ અંગે સગીરાના વાલીએ એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં તપાસના અંતે અદાલત સમક્ષ ચાર્જશીટ કરવામાં આવી હતી. આ કેસ સ્પે. કોર્ટમાં ચાલી જતાં 10 દસ્તાવેજી પુરાવા, છ સાક્ષી તપાસી આરોપી શેરખાનને જુદી જુદી કલમોમાં જજ જે. એ ઠક્કરે તકસીરવાન ઠેરવીને કુલ મળીને 10 વર્ષની સખત કેદ તથા 28 હજારનો દંડ ફટકાર્યો છે. દંડ ન ભરે, તો વધુ જુદી જુદી કેદનો હુકમ કર્યો છે. આ ઉપરાંત ભોગ બનનારને રૂા. 5,25,000નું વળતર ચૂકવવા માટે ડી.એલ.એસ.એ.ને ભલામણ કરવા તેમજ ભોગ બનનારને જીવન તથા શિક્ષણ સારી રીતે પુન: સ્થાપિત થાય તે માટેની કાળજી સી.ડબલ્યુ.સી. તથા ડી.સી.પી.યુ. લે તેવો હુકમ કર્યો છે. સરકાર તરફે મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ. બી. જાડેજાએ હાજર રહી સાક્ષી તપાસી અને દલીલો કરી હતી. 

Panchang

dd