• બુધવાર, 16 જુલાઈ, 2025

જંકફૂડથી થતાં નુકસાનને ગંભીરતાથી લેવાની જરૂર

છેલ્લા એક દાયકામાં સ્વચ્છતા કેન્દ્ર સરકાર માટે અગ્રતા રહી. હવે સ્વસ્થતા માટે વધારે ગંભીરતાથી વિચાર થઈ રહ્યો છે. આયુષ્માન ભારત જેવી મહત્ત્વની યોજનાનો અમલ થયો, મિલેટ્સ એટલે કે, જાડા ધાનનું મહત્ત્વ વિશ્વને ભારતે સમજાવ્યું, જેમાં વડાપ્રધાને અંગત રસ લીધો. હવે મેદસ્વિતાની સમસ્યાના નિરાકરણ માટે સરકાર દેશની જનતાને જગાડીને આગળ વધી રહી છે. આ જાગૃતિ ઝુંબેશ તો થોડા સમય પૂર્વે શરૂ થઈ ગઈ છે. મોરચો જંકફૂડ તરફ વળ્યો છે. તળેલા કે ગળ્યા ખાદ્ય પદાર્થ ધૂમ્રપાન કે અન્ય વ્યસન જેટલા જોખમી છે, તેવું જનતાને જણાવવામાં આવશે એવા અહેવાલને કેન્દ્ર સરકારે નકાર્યો છે અને કહ્યું છે કે, આવી ચેતવણી લખવાનું ફરજિયાત કરવાનો હાલે કોઇ વિચાર નથી, પરંતુ આ પ્રકારના તળેલા ખાદ્ય પદાર્થો આરોગ્ય માટે નુકસાનકારક હોવાનું કબૂલ્યું હતું. તાજેતરના અહેવાલ એવું કહે છે કે, મેદસ્વિતાના પ્રમાણમાં થઈ રહેલી વૃદ્ધિને નિયંત્રિત કરવા માટે કેન્દ્ર સરકાર વિવિધ પગલાં લઈ રહી છે. અલબત્ત, સિગરેટના પેકેટ કે તમાકુની પડીકી ઉપર જેમ ચેતવણી લખેલી હોય છે, તેમ હવે સમોસા, જલેબી જેવી નાસ્તાની વસ્તુ વેચનાર પણ ગ્રાહકને તમે આ ખોરાકની સાથે ચરબી અને શર્કરા પણ લઈ રહ્યા છો, એવું ચેતવે એવી અબઘડીએ સંભાવના નથી. અહીં એ નોંધનીય છે કે, એઈમ્સ (ઓલ ઈન્ડિયા ઈસ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સ) સહિતના સ્વાસ્થ્ય સંસ્થાન આ ઝુંબેશમાં છે. શાળાઓમાં સુગરબોર્ડ લગાવવાનું શરૂ થયું છે. શક્ય છે ભવિષ્યમાં હોટેલ-રેસ્ટોરન્ટમાં પણ ખતરાના આવા પાટિયાં ઝૂલાવે તો જનહિત માટે આ પગલું જરાય ખોટું નથી. સરકારનો ઉદ્દેશ લોકોને આવા ખોરાકથી થતાં નુકસાન માટે જાગૃત કરવાનો છે. હૃદયરોગ અને તેનાથી થતાં મૃત્યુ માટે જે કારણો છે તે પૈકી એક કારણ આવો ખોરાક છે. સ્થૂળતા, ડાયાબિટીસ, કોલેસ્ટેરોલ, બ્લડપ્રેશર જેવી બીમારી આહારની આદતોને લીધે થાય છે. 2020થી 2023 દરમિયાન હૃદયરોગના કિસ્સા બન્યા તેમાં 50 ટકાથી કેસમાં દર્દીની વય 40 વર્ષથી નીચે હતી. સમોસા, પકોડા કે જલેબી સહિતના ખાદ્ય પદાર્થમાં ટ્રાન્સફેટ હોય, સુગર હોય. બોલચાલની ભાષા જેને `દાઝિયું તેલ' કહે છે તે એક અને એક જ તેલમાં વારંવાર તળાતી વસ્તુમાં તળાતા પદાર્થ વધારે જોખમી છે. સરકારે ભાવિ પેઢીને બીમારીમાં ધકેલાતી રોકવા માટે ભવિષ્યમાં આવું પગલું લેવું જ રહ્યું. સ્થાનિક રેસ્ટોરન્ટ્સ, હોટેલ માટે આ ફરજિયાત બનાવવાનું અઘરું નથી. પાનની દુકાને જેમ તમાકુ માટેના બોર્ડ છે, તેમ હોટેલમાં આવા બોર્ડ લગાવી શકાય, પરંતુ આવી વસ્તુઓ તો રેલવે સ્ટેશન ઉપર, ટ્રેન કે બસમાં શાળાઓ પાસે ફેરિયાઓ પણ વેચે છે, ત્યાં મોટો ગ્રાહક વર્ગ છે. નાના વેપારીઓને આ ઝુંબેશમાં જોડવાના રહેશે. જંકફૂડમાં ફક્ત તળેલી જ વસ્તુઓ નથી, આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપ્ત પીત્ઝા, બર્ગર જેવી વસ્તુઓની શૃંખલા ધરાવતી હોટેલ્સ હવે તો નાના નગરોમાં પણ છે. મેંદાની આ વાનગીઓ પણ સ્વાસ્થ્ય માટે જોખમી છે. ત્યાં આવા બોર્ડ લાગશે કે નહીં તેની સ્પષ્ટતા નથી. સરકારના સ્વાસ્થ્ય મંત્રાલય કે સ્વાસ્થ્ય સંસ્થાનોનો અભિગમ અને ઈરાદો બંને સારા છે. અહીં સ્વજાગૃતિ, સ્વયંશિસ્ત અગત્યની છે. તળેલું કે ગળ્યું વધારે પ્રમાણમાં ખાવાથી આરોગ્યને નુકસાન થાય છે તે લોકોને ખ્યાલ છે જ છતાં આવા પદાર્થનું વેચાણ થાય છે. ફળાહાર ગણાતી થાળીમાં પણ ફળ નહીં, પેટીસ-ચેવડો હોય છે. ખોરાકની જાગૃતિ માટેના બોર્ડ લાગે, સમાજના-જન સામાન્યના હિતમાં વેપારીને આ જાગૃતિ ઝુંબેશમાં જોડવામાં આવે તે જરૂરી છે, પરંતુ બોર્ડ ન હોય તો પણ આપણને આપણા સ્વાસ્થ્ય માટે અન્ય કોઈ જગાડે તેવી અપેક્ષા શા માટે રાખવી ? જંકફૂડ માટે તો જાગ્યા ત્યારથી સવાર...

Panchang

dd