ગાંધીધામ, તા. 17 : ભચાઉ તાલુકાના નારાણસરી, ચાંદ્રોડી અને ખોડાસરની સીમમાં આવેલી ત્રણ પવનચક્કીમાં
ઘૂસી નિશાચરોએ રૂા. 1,42,000ના
સામાનની તફડંચી કરી હતી. ભચાઉના લખાપરમાં બે ચોકીદારને બંધક બનાવી પવનચક્કીમાંથી ચોરીના
પ્રકરણમાં દશ શખ્સની પોલીસે અટક કરી છે, ત્યારે લાકડિયા પોલીસ મથક હેઠળ આવતા ગામોની સીમમાં 15-20 દિવસ અગાઉ થયેલી ચોરીનો બનાવ
ગઈકાલે પોલીસના ચોપડે ચડયો હતો.નારાણસરીમાં ચોકીદારી કરતા ફરિયાદી પબુ રમેશ ભરવાડ ગત
તા. 25/6ના રાત્રે ચોકીદારી કરવા જતા એવીકોન કંપનીની પવનચક્કી નંબર
પાંચનાં તાળાં તૂટેલાં જણાયાં હતાં. અહીંથી જુદા-જુદા આકારના 450 મીટર વાયર કિંમત રૂા. 90,000ની નિશાચરોએ ચોરી કરી હતી.
તેમજ ખોડાસરની સીમમાં એમ.એસ.પી.એલ. કંપનીની પવનચક્કી નંબર-23માં તા. 19/6ના તસ્કરો ત્રાટક્યા હતા. અહીંથી
35 સ્ક્વેર એમ.એમ.ના ત્રણ કોરના
100 મીટર વાયર કિંમત રૂા. 20,000ના સામાનની તફડંચી કરવામાં
આવી હતી તથા ચાંદ્રોડી સીમમાં આ જ કંપનીની પવનચક્કી નંબર-બેમાંથી તા. 7/7ના રૂા. 32,000ના 160 મીટર વાયર તફડાવી જવાયા હતા.
આ ત્રણેય જગ્યાએથી કુલ રૂા. 1,42,000નો
હાથ મારવામાં આવ્યો હતો. ગામડાંઓની સીમમાં આવેલી પવનચક્કીઓમાંથી સામાનની ચોરીના બનાવો
વધતા જાય છે. સામે જોઈએ તેવી શોધનની કામગીરી થતી નથી. ફરિયાદો પણ મોડી નોંધાતી હોવાનું
સમજાય છે. લખાપર બાદ વધુ એકવાર પવનચક્કીઓમાંથી ચોરીના બનાવોથી ભારે ચકચાર પ્રસરી હતી.