ભારતીય ન્યાયતંત્રની સામે એક પછી એક ગંભીર પડકાર ખડા થઈ રહ્યા
છે. સર્વોચ્ચ અદાલતે દિલ્હી વડી અદાલતના એક ન્યાયાધીશનાં ઘરેથી અડધી બળેલી ચલણી નોટોનાં
પ્રકરણમાં હજી તપાસ શરૂ કરાવી છે, ત્યાં
અલાહાબાદ વડી અદાલતના એક જજ દ્વારા દુષ્કર્મના કેસમાં કરેલાં વિધાનોથી ચકચાર જાગી છે.
સર્વોચ્ચ અદાલતે આ મામલામાં પણ તત્કાળ કાર્યવાહી કરીને દુષ્કર્મના કેસમાં કરાયેલાં
વિધાનોને અમાનવીય ગણાવીને તેની સામે મનાઈ ફરમાવી છે. દુષ્કર્મના કેસમાં અલાહાબાદ વડી
અદાલતના જજે કરેલાં વિધાનોની સર્વોચ્ચ અદાલતે તાત્કાલિક નોંધ લઈને વિવાદ વધે તે પહેલાં
પોતાનો મત જાહેર કરી દીધો છે. સર્વોચ્ચ અદાલતે બળાત્કારના કેસમાં વ્યક્ત કરાયેલાં આ
વલણને અમાનવીય અને અસંવેદનશીલ ગણાવ્યું છે. વડી અદાલતના આવા દૃષ્ટિકોણની સામે સખત વાંધો
વ્યક્ત કરીને સુપ્રીમ કોર્ટે તેની સામે સ્ટે આપી દીધો છે. વડી અદાલતના ન્યાયાધીશે કરેલાં
વિધાનો કાયદા અને તેનાં અર્થઘટનથી વિરોધાભાસી છે અને તેની પાછળ ભ્રષ્ટાચારની આશંકા
અસ્થાને જણાતી નથી. ન્યાયાધીશે અડપલાં જેવાં
કૃત્યો બળાત્કાર જેવા ગંભીર ગુનામાં આવતાં ન આવતાં હોવાનો મત વ્યક્ત કરીને ભારે ચકચાર
જગાવી હતી. હવે સર્વોચ્ચ અદાલતે કોઈપણ સમય વેડફ્યા વગર આ વિધાનની કાયદાકીય અસરો પર
સ્ટે આપી દીધો છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ બીઆર ગવઈ અને ન્યાયમૂર્તિ ઓગસ્ટિન
જ્યોર્જ મસીહની બેંચે આખાં પ્રકરણને ભારે ગંભીર ગણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, બળાત્કાર
અને છેડતીના કિસ્સાઓમાં રાજકીય અને સામાજિક ક્ષેત્રના આગેવાનો તરફથી ઘણી વખત વાંધાજનક
વિધાનો થતાં રહે છે. આવા ગંભીર બનાવોમાં ન્યાયતંત્ર કાયદાની મર્યાદાને જાળવે એવી અપેક્ષા
દેશવાસીઓને સ્વાભાવિક રીતે રહી છે. એક તરફ
દેશમાં મહિલાઓ સામે યૌન અત્યાચારના બનાવો ચિંતાજનક રીતે વધી ગયા છે, ત્યારે ન્યાયતંત્ર પાસે આવી માનવતા વગરનાં વિધાનોની અપેક્ષા રાખી શકાય તેમ
નથી. ખરેખર તો આવા કેસમાં અદાલતોએ વધુ કડક અને ઝડપી સજાનું વલણ લઈને ગુનાહિત તત્ત્વોની
સામે અંકુશ લાદવો જોઈએ. અલાહાબાદ વડી અદાલતનાં પ્રકરણ બાદ સર્વોચ્ચ અદાલતે ન્યાયતંત્રમાં
લોકોનો વિશ્વાસ જળવાયેલો રહે એવી સ્પષ્ટ સૂચનાઓ આપવી જોઈએ. હાલનાં પ્રકરણમાં ન્યાયાધીશનાં
વિધાનોની સામે સ્ટે આપવાનો સીધો અર્થ એ થાય છે કે, આ મતનો અન્ય
કોઈ કેસમાં ઉપયોગ રોકવામાં આવ્યો છે. હવે તો
સુપ્રીમ કોર્ટે આ મામલામાં કેન્દ્ર સરકાર ઉપરાંત ઉત્તર પ્રદેશ સરકાર અને સંબંધિત અન્યોને
નોટિસ પાઠવીને પોતાની ગંભીરતા છતી કરી છે. ખરેખર તો ન્યાયપાલિકાએ પોતાની મર્યાદાઓને
સમજીને આવો મત વ્યક્ત કરવાથી અળગા રહેવાની સ્વયં કાયદાકીય શિસ્ત કેળવવાની, જાગૃત થવાની પ્રતીતિ આ પ્ર્રકરણે છતી કરી છે.