ફિલાડેલ્ફિયા, તા. 23 : ફિફા વર્લ્ડ
કપનો 12મો દિવસ રોમાંચક બની રહ્યો હતો. મહાન લિયોનેલ
મેસ્સીના બે વિક્રમી ગોલથી ઓસ્ટ્રિયા સામે જીત મેળવી ચેમ્પિયન ટીમ આર્જેન્ટિનાનો રાઉન્ડ-32માં પ્રવેશ થયો હતો. ફ્રાંસના સ્ટાર ખેલાડી
કિલિયન એમ્બાપેએ પણ બે ગોલ કર્યા હતા. આથી ઇરાકને 3-0થી હાર આપી ફ્રાંસ પણ નોકઆઉટ રાઉન્ડમાં પહોંચી છે જ્યારે 1998 બાદ પહેલીવાર વર્લ્ડ કપ રમી
રહેલી નોર્વે ટીમે સતત બે જીત સાથે નોકઆઉટમાં પ્રવેશ કર્યો હતો. દિવસની આખરી મેચ અલ્જિરિયા
અને જોર્ડન વચ્ચે રમાઈ હતી. જેમાં અલ્જિરિયાનો 2-1 ગોલથી વિજય થયો હતો. પોતાની 100મી ઇન્ટરનેશનલ
મેચ રમી રહેલા એમ્બાપેએ બે ગોલ કરીને ઇરાક વિરુદ્ધ ફ્રાંસને 3-0થી જીત અપાવી હતી. આ મેચમાં
વરસાદ અને આંધીને લીધે હાફ ટાઇમ પછી બે કલાક સુધી રમત અટકી ગઈ હતી. ફ્રાંસ તરફથી ત્રીજો
ગોલ ડેમ્બેલે કર્યો હતો. ગ્રુપ આઇની નોર્વે અને સેનેગલ વચ્ચેની મેચમાં કાંટે કી ટક્કર
થઈ હતી. રસાકસી બાદ નોર્વેએ 3-2થી રોમાંચક
જીત મેળવી રાઉન્ડ-32માં જગ્યા
બનાવી હતી. નોર્વે તરફથી અર્લિંગ હોલેંડે બે ગોલ કર્યા હતા. તેણે 48 અને પ8મી મિનિટે ગોલ કર્યા હતા. 43મી મિનિટે માર્કસ પેડરસને ગોલ કર્યો હતો.
સેનેગલ તરફથી પ3મી મિનિટે અને 93મી મિનિટે ગોલ થયા હતા. ગ્રુપ જીની મેચમાં
જોર્ડન સામે અલ્જિરિયાની 2-1થી રોચક જીત
થઈ હતી. આથી તેના 2 મેચમાં 3 પોઇન્ટ થયા છે અને નોકઆઉટ રાઉન્ડની આશા
જીવંત રહી છે. ઓસ્ટ્રિયા પણ 3 અંક સાથે
રેસમાં છે. આ ગ્રુપમાં આર્જેન્ટિના (6) નોકઆઉટ રાઉન્ડમાં ક્વોલીફાય થઈ ચૂકી છે.