• બુધવાર, 24 જૂન, 2026

મુંદરાના મહાનગર જેવા ઠાઠ; એરપોર્ટ નવું સીમાચિહ્ન

તંત્રી સ્થાનેથી..એક સમયે કચ્છનું પેરિસ લેખાતાં મુંદરાની પોણા ત્રણ દાયકા પહેલાં શરૂ થયેલી પરિવર્તન યાત્રામાં મંગળવારથી વધુ એક સીમાચિહ્ન અંકિત થવા જઈ રહ્યું છે. આધુનિક સુવિધા સાથેનાં નવનિર્મિત એરપોર્ટ ટર્મિનલનું ઉદ્ઘાટન અને સ્ટાર એરની એક સાથે આઠ હવાઈ સેવાનું મંગલાચરણ કચ્છના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે તવારીખી ઘટના બની રહેશે. મહત્ત્વની બાબત એ છે કે, 1900 મીટરના લાંબા રન-વે સાથેનું એરપોર્ટ ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય સેવાના વિસ્તાર માટે ઉજળી સંભાવના ધરાવે છે.

કચ્છમાં અત્યારે ભુજ અને કંડલા (અંજાર) એમ બે નાગરિક એરપોર્ટ છે. હવાઈ પટ્ટીની મર્યાદા સહિતના કારણોસર કંડલા એરપોર્ટ પર હવે એકપણ વિમાનના આવાગમન વિના સૂનકાર છે. ભુજથી મુંબઈ અને દિલ્હીનો હવાઈ સંપર્ક છે. મુંદરાનો ઉમેરો ઉદ્યોગજગત અને પર્યટકોના દૃષ્ટિકોણથી ગેમચેન્જર બનશે એમ કહી શકાય.

કચ્છ આજે વેપાર-ઉદ્યોગથી ધમધમતો પ્રદેશ બની ગયો છે એનું શ્રેય 2001ના ધરતીકંપને જાય છે, પણ મુંદરાના વિકાસનો માણેકસ્થંભ તો 28 વર્ષ પહેલાં જ રોપાયો હતો. 22મી સપ્ટેમ્બર, 1998ના રોજ બે બર્થ સાથે મુંદરા ખાનગી બંદર કાર્યાન્વિત થયું. એ વખતે આ લખનાર સાથેની વાતચીતમાં ગૌતમ અદાણીએ અદાણી પોર્ટ સાથે કચ્છના વિકાસનું રેખાચિત્ર આપ્યું હતું.

વર્ષોથી અન્યાય સહેતા આવેલાં કચ્છને મનમાં સંશય હતો કે, ખરેખર આવો વિકાસ થશે ખરો ? ત્યારનો સમય જુદો હતો, કંઠીપટ તરીકે જાણીતું મુંદરા ખેતી-બાગાયતમાં આગળ - આબોહવાએ આદર્શ, પરંતુ આર્થિક વિકાસની વાતોમાં લોકોને જૂના અનુભવ થકી ભરોસો ન બેસતો, પણ અદાણીનાં માધ્યમથી કલ્પનાતીત વિકાસ થયો છે એ કબૂલવું રહ્યું. જેટીથી શરૂ થયેલી સફર આજે 26 બર્થ સાથેના મહાબંદરમાં પરિવર્તિત થઈ છે. લગભગ 17 કરોડ ટન માલસામાનની હેરફેર સાથે અદાણી પોર્ટ પશ્ચિમ ભારતના સમુદ્રી પરિવહનનું મુખ્ય મથક બની રહ્યું છે. આ બધું આયોજનબદ્ધ રીતે થયું છે. બંદરના વધતા ટ્રાફિક અને સમયની જરૂરત પ્રમાણે સમયાંતરે ઈન્ફ્રાસ્ટ્રકચર ઉમેરાતું રહ્યું છે.

23 જાન્યુઆરી, 2000ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના હસ્તે મુંદરા બંદરનું ઉદ્ઘાટન થયું હતું. 2003માં મુંદરા-આદિપુર રેલવે લાઈન, આંતરરાષ્ટ્રીય કન્ટેનર ટર્મિનલ તથા મુંદરા-દિલ્હી એચપીસીએલની પેટ્રો પાઈપલાઈન રાષ્ટ્રને અર્પણ થઈ હતી. વિકાસની ત્રેવડી ભેટ આપવા તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને દેશના રેલવે મંત્રી નીતીશકુમાર કચ્છ આવ્યા હતા.

એક રસપ્રદ આડવાત કરીએ તો મુંદરા ખાતેના એ કાર્યક્રમની પત્રકાર પરિષદમાં નીતીશકુમારને મોદી વિશે પૂછવામાં આવ્યું તો તેમણે ભવિષ્યવેતા જેવો જવાબ આપ્યો હતો કે, યે દિલ્હી મટીરિયલ હૈ... ટૂંકમાં મોદી કેન્દ્રમાં મોટો રોલ ભજવશે, જે વાત આજે સાકાર થઈ છે. 2005માં દેશનું સૌથી મોટું સિંગલ મૂરિંગ પોઈન્ટ ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટ એસઈઝેડ, સોલાર પ્લાન્ટ, એક પછી એક મહાકાય એકમો મુંદરાના વિકાસની સાક્ષી પૂરે છે.

આર્થિક નિષ્ણાતો કહે છે કે, મુંદરાના અને સાથે કચ્છના વિકાસની હજુ તો શરૂઆત છે. ખાવડા રણમાં આરી પાર્ક હરિત ઊર્જા ક્ષેત્રે મહાકાય કદમ છે. રિલાયન્સ પણ આ ક્ષેત્રે જંગી મૂડીરોકાણ સાથે કચ્છમાં આવ્યું છે. બીજા અનેક એકમોએ કચ્છમાં અબજોનું મૂડીરોકાણ કર્યું છે. બીજા અનેક એકમોઓ કચ્છમાં અબજોનું મૂડી રોકાણ કર્યું છે. બે વર્ષ પહેલાં મુંદરાના મુખ્ય બંદરની ક્ષમતા 45 હજાર કરોડના ખર્ચે 514 મિલિયન ટન સુધી વિસ્તારવાનો નિર્ણય લેવાયો છે.

ટૂંકમાં મુંદરાએ વિકાસની જબરી ગતિ પકડી છે. જમીનોના ભાવ સોનાંની લગડી જેવા બોલાઈ રહ્યા છે. આસપાસના ગામો વચ્ચેનું અંતર મકાનો-બાંધકામોને લીધે પુરાઈ ગયું છે. ભવિષ્યના મહાનગરની સંભાવના મુંદરામાં આકાર લઈ રહી છે. નવાં એરપોર્ટના પ્રારંભ સાથે બંદર નગરીનો રૂઆબ વધશે. મુંબઈ, દિલ્હી કે દક્ષિણ ભારત જવા માટે મુંદરાથી અવરજવર વધુ વિકાસ -આર્થિક ગતિવિધિ ખેંચી લાવશે.

મુંદરાના વિકાસની હજુ તો પોહ ફાટી છે. સૂર્ય ઊગ્યો છે. આવનારાં વર્ષોમાં એ મધ્યાહ્ને પહોંચશે. વિકાસની આ તેજ ગતિમાં પર્યાવરણ જતનનો મુદ્દો વિસરાય નહીં. સ્થાનિક નિવાસીઓને પહેલા લાભ મળે એ જોવું જરૂરી છે. અહીં એ નોંધનીય છે કે, પર્યાવરણ-જળસંરક્ષણ માટે સરકારી અને ખાનગી મોરચે પ્રયાસો શરૂ થયા છે. ગ્લોબલ કચ્છ દ્વારા ડીપીએના સહયોગથી ભૂખી નદીના નવસર્જનનો મહત્ત્વાકાંક્ષી પ્રકલ્પ હાથ ધરાયો છે, જે પર્યાવરણ જતન માટે મહત્ત્વપૂર્ણ બનશે. મુંદરાને ગ્રીન-લીલુંછમ બનાવવા માટે જનતાએ પણ સભાનપણે જવાબદારી નીભાવવી પડશે.

દરમ્યાન અદાણી પોર્ટસ અને એસઈઝેડ 500 મિલિયન ટનની સિદ્ધિ નિમિત્તે ગૌતમ અદાણીએ મુંદરામાં પગરણ અને વિકાસયાત્રા વર્ણવતાં લખ્યું હતું... મુંદરા કે સાગર કી લહરોં સે સીખા... કિનારો પર ઠહરના કયા, નિકલ પડે ઉસ રાહ પર... જહાં લક્ષ્ય હૈ આસમા...

 

રાહદારીઓ માટે ફૂટપાથને અધિકાર ઠેરવતી સુપ્રીમ કોર્ટ

ભારત જેવા ગીચ વસ્તી ધરાવતા દેશમાં સંખ્યાબંધ સમસ્યાઓ સામે આવતી રહે છે. માર્ગો પર વાહનો અને રાહદારીઓની વધી જતી ભીડને લીધે ઊભા થયેલા પડકારોમાં હવે સર્વોચ્ચ અદાલતે દરમ્યાનગીરી કરી છે. માર્ગો પર પગપાળા આવનજાવન કરતા રાહદારીઓની માટે ફૂટપાથની સુવિધાના અભાવમાં અદાલતે આવકારદાયક વલણ લીધું છે કે, ફૂટપાથ પર પગપાળા જનારાનો પ્રથમ અધિકાર છે. સાથોસાથ સર્વોચ્ચ અદાલતે આ અધિકારને મૌલિક અધિકાર ગણાવીને જણાવ્યું છે કે, માર્ગો પર વાહનોની અવરજવર કરતાં પણ વધુ મહત્ત્વની બાબત ફૂટપાથ પર અંતરાય વગરની અવરજવર છે. પગપાળા જતા-અવાતા લોકોની માટે ચિંતા વ્યક્ત કરવાની સાથોસાથ અદાલતે આ સમસ્યાના સંદર્ભમાં સરકારોને યાદ અપાવ્યું છે કે, આ અધિકાર એવો છે, જેનો અમલ થઈ શકે તેમ છે. ખરેખર દેશના મોટાભાગના વિસ્તારોની હાલત એવી છે કે, માર્ગો પરની ફૂટપાથો પર ગેરકાયદે કબજો થયેલો છે. પગપાળા અવરજવર માટેની આ ફૂટપાથો અમુક કિસ્સામાં દબાણને લીધે અદૃશ્ય બની ગઈ છે. સરવાળે રાહદારીઓની હાલત કફોડી બની છે અને તેમની સલામતી સામે જોખમ ઊભું થયું છે. વાસ્તવિક્તા એ છે કે, આપણા દેશમાં ફૂટપાથ માટેનાં કોઈ નિયત ધોરણો નથી. સાથોસાથ તેની જાળવણી અને દબાણમુક્ત રાખવાની કોઈ કડક વ્યવસ્થા નથી. ફૂટપાથો પર વાહનો પાર્ક થાય છે અથવા લારીધારકોનો કબજો હોય છે. પરિણામે રાહદારીઓને માર્ગો પર ચાલવાની ફરજ પડે છે, જેને લીધે માર્ગ અકસ્માતોનું જોખમ વધી જાય છે. આવા અકસ્માતોમાં દર વર્ષે હજારો લોકોના જીવ જાય છે. સર્વોચ્ચ અદાલતે મોટર અકસ્માતનાં વળતરના એક કેસમાં ફૂટપાથને લગતો ચુકાદો આપ્યો છે. આ કેસમાં પાંચ વર્ષના એક બાળકનું માર્ગ અકસ્માતમાં મોત એટલા માટે થયું હતું કે, તે જે માર્ગ પર પગપાળા જઈ રહ્યું હતું ત્યાં ચાલવા માટે કોઈ ફૂટપાથ ઉપલબ્ધ ન હતી. બાળનાં મોતનાં વળતરને લગતા આ કેસમાં અદાલતે રાહદારીઓના આ અધિકારની ગંભીર નોંધ લેતાં દેશ આખામાં માર્ગ સલામતીના નવા પરિમાણની ચર્ચા છેડાઈ છે. વક્રતા એ છે કે, મજબૂત લોકશાહી અને વહીવટ તંત્ર ધરાવતા દેશમાં નાની-નાની બાબતોમાં ન્યાયતંત્રમાં દરમ્યાનગીરી કરવી પડે છે. માર્ગો પર ફૂટપાથનો મુદ્દો આમ તો સામાન્ય હકીકત છે, પણ તેના તરફ દુર્લક્ષ સેવાતાં સર્જાતા જોખમી અકસ્માતો આ મુદ્દાને ખાસ બનાવે છે. અદાલતે આ મુદ્દાની જે રીતે નોંધ લઈને ફૂટપાથોને માર્ગ પર પગપાળા જનારાનો અધિકાર ગણાવીને કોઈ નક્કર પરિણામની આશા જગાવી છે. આવનારા દિવસોમાં સરકારી તંત્રો અને ખાસ કરીને પોલીસ દ્વારા દેશભરમાં ફૂટપાથોને દબાણમુક્ત કરીને રાહદારીઓ માટે સલામત વ્યવસ્થા ઊભી કરવાનાં અસરકારક પગલાં લેવાશે એવી અપેક્ષા રાખવી રહી.

Panchang

dd