ગાંધીધામ, તા. 23 : 2001ના ઔદ્યોગિકીકરણ પછી કચ્છ ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાત નહીં દેશનું મહત્ત્વનું પ્રવેશદ્વાર બન્યું
છે. એશિયાનું સૌપ્રથમ મુક્ત વ્યાપાર ક્ષેત્ર ગાંધીધામમાં સ્થપાયું. તેના થકી ગાંધીધામ
સંકુલમાં નિકાસ આધારિત ઉદ્યોગોનો ધમધમાટ શરૂઆતથી
જ રહ્યો છે,
ત્યારે એશિયાના સૌ પ્રથમ સેઝના બે તબક્કામાં વિસ્તરણ કરાયું છે,
હવે ત્રીજા તબક્કા માટેની ગતિવિધિઓ આરંભાઈ હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા મુંદરા
તાલુકાના વડાલા ખાતે ખાનગી એસ.ઈ.ઝેડ.ને મંજૂરી આપવામાં આવી છે. આ સાથે કચ્છમાં સરકારી
અને ખાનગી સહિત ત્રણ એસ.ઈ.ઝેડ. થતા કચ્છમાં
નિકાસને વધુ પ્રોત્સાહન મળવાની સાથે રોજગારીનું
પ્રમાણ પણ વધશે. - 87 એકર જમીનમાં ત્રીજા તબક્કાનું વિસ્તરણ : આ અંગે મળતી વિગતો મુજબ 1965માં સ્થપાયેલા દેશના પ્રથમ
મુક્ત વ્યાપાર ક્ષેત્રનું 700 એકર જેટલા
વિશાળ ફલકમાં આરંભ કરાયો હતો. ભારતની ભૂમિ ઉપર વિદેશની ભૂમી એવા આ મુકત વ્યાપાર ક્ષેત્રમાં મહત્તમ એક્સપોર્ટ આધારિત
એકમો કાર્યરત થયા હતા. ઘણા વર્ષો પૂર્વે 100 એકરમાં બીજા તબક્કાનું વિસ્તરણ
કરવામાં આવ્યું હતું. તેમાં ઓઈલ રિફાનરી, વેરહાઉસ સહિતના એકમો કાર્યરત છે. કાસેઝના ત્રીજા તબક્કાના વિસ્તરણ માટે ઝોન પ્રશાસન
દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી. કેન્દ્ર
સરકાર દ્વારા વિસ્તરણને મંજૂરી આપી દેવામાં
આવી છે અને દીનદયાલ પોર્ટ દ્વારા સેઝના ત્રીજા
તબક્કાના વિસ્તરણ માટે 87 એકર જમીન
આપવામાં આવશે અને આ માટેની વહીવટી પ્રક્રિયાઓ પુરી કરાઈ છે. નજીકના ભવિષ્યમાં જ ગતિવિધિ
આરંભાશે. - 50 જેટલા નવા એકમ આવવાની સંભાવના : સુત્રોના
જણાવ્યા પ્રમાણે 87 એકરમાં એક
એકર અથવા તો બે એકરના પ્લોટ ફાળવવામાં આવે તેવી શક્યતા છે. આ સાથે મહત્તમ
એક અંદાજ મુજબ 50 જેટલા નવા
એકમો ઓછામાં ઓછા આવશે, જેથી
આર્થિક પાટનગરમાં નિકાસમાં વધારો થવાની સાથે દેશના વિદેશી હુંડિયામણમાં પણ વધારો
થશે. - વડાલા ખાતે 230 કરોડના ખર્ચે અર્હમ સેઝનું
નિર્માણ કરાશે : આ ઉપરાંત
કેન્દ્ર સરકાર દ્વારા મુંદરા તાલુકાના વડાલા
ખાતે મલ્ટિ સેક્ટર અર્હમ સેઝને પ્રિન્સિપલ
મંજૂરી આપવામાં આવી છે. આ મંજૂરી સાથે કચ્છમાં
મૂડીરોકાણનાં મહત્ત્વના દ્વાર ખુલ્યા છે. અર્હમ સેઝના ડાયરેક્ટર મહેશ પૂજે જણાવ્યું હતું કે, 94.19 હેકટર વિસ્તારમાં મલ્ટિ સેક્ટર સેઝ વિસ્તારવામાં આવશે. આ પ્રકલ્પમાં
230 કરોડનું રોકાણ કરવામાં આવશે અને આગામી
પાંચ વર્ષમાં અંદાજિત 10 હજાર કરોડની
નિકાસ થશે તેમજ પાંચ વર્ષમાં 9000 જેટલી રોજગારી
આ પ્રકલ્પ થકી સર્જાશે તેવું તેમણે જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે,
આ જ ગ્રુપ દ્વારા કચ્છના પ્રથમ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક પોર્ટ બીઝની શરૂઆત
કરવામાં આવી હતી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે
લોકાર્પણ કરાયું હતું. - ત્રણ બંદર હવે સેઝ પણ ત્રણ
થશે : પ્રવર્તમાન સમયમાં કચ્છમાં કંડલા
, મુંદરા અને તુણા સહિત ત્રણ
મહાબંદર કાર્યરત છે, હવે એશિયાના પ્રથમ સેઝની અને
અદાણી પોર્ટ સેઝ કાર્યરત છે, ત્યારે આગામી સમયમાં ત્રણ પોર્ટની સાથે ત્રણ સેઝ ધમધમતા થશે. તેનાથી કચ્છના ઔદ્યોગિક વિકાસને નવી ગતિ મળશે. - કંડલાના પ્રથમ
તબક્કાના સેઝમાં 40 ટકા જેટલા એકમો બંધ હાલતમાં : ગાંધીધામ, તા. 23 : કંડલા સેઝના પ્રથમ તબક્કામાં
700 એકર વિસ્તારમાં ફેલાયેલા ઝોનમાં
ઘણા એકમો એક્સપોર્ટ ઓરીએન્ટેડ એકમો , કપડાં, પ્લાસ્ટિક રિસાઈકલિંગ સહિતના એકમો કાર્યરત હતા.
700 એકરમા જગ્યા ભરાઈ ગયા બાદ 100 એકરમાં વિસ્તરણ કરાયું, તેમાં મહત્તમ વેરહાઉસના એકમો આવ્યા છે,
પરંતુ જૂના સેઝના હાલ 40 ટકા જેટલા એકમો બંધ હાલતમાં પડયા છે. જો કોઈ અન્ય ઉદ્યોગકારને
બાજુનું બંધ એકમ વિસ્તરણ માટે લેવું હોય, તો મળતું નથી, જેથી અન્ય સ્થળે
વિસ્તરણ માટે જવું પડે છે. - ઉત્પાદન કરતા એકમોને પ્રાધાન્ય અપાય, તો રોજગારી વધે : ગાંધીધામ, તા. 23 : હાલ કંડલા સેઝમાં ઉત્પાદન આધારિત એકમોની સંખ્યા સાવ જ ઓછી છે.
મહત્ત્વ વેરહાઉસ અને ટ્રેડિંગના જ એકમો છે, ત્યારે નવા ત્રીજા તબક્કાના સેઝમાં
ઉત્પાદન આધારિત એકમોને પ્રોત્સાહન આપવામાં આવે, તો રોજગારીની સંખ્યા વધે, જેથી તે પ્રકારના એકમોને પ્રાધાન્ય આપવામાં આવે તેવી
માંગ જાણકારો કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર
દ્વારા રોજગાર વધારવા અને નિકાસ વધારવા માટે
જ સેઝને મંજૂરી આપવામાં આવે છે.