ભુજ, તા. 23 : નગરપાલિકાના હોદ્દેદારોનું
સન્માન તથા ભુજ શહેરના વિકાસલક્ષી અને જાહેરહિતના વિવિધ પ્રશ્નો અંગે ભુજ ચેમ્બર ઓફ
કોમર્સ દ્વારા મહત્ત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ફેડરેશન દ્વારા k.d.c.c બેન્કના કોન્ફરન્સ હોલ ખાતે નગરપાલિકાના પ્રમુખ શીતલભાઈ શાહ, ઉપપ્રમુખ બિંદિયાબેન ઠક્કર, કારોબારી ચેરમેન કમલભાઈ ગઢવી, દંડક રૂપલબેન ચાવડા તથા
અન્ય હોદ્દેદારોનું વિશેષ સન્માન તથા ભુજ શહેરના વિકાસલક્ષી અને જાહેરહિતના વિવિધ પ્રશ્નો
અંગે ચર્ચા કરાઈ હતી. આ પ્રસંગે ભુજ ચેમ્બર
ઓફ કોમર્સ પ્રમુખ અનિલભાઈ ગોરના હસ્તે પ્રમુખ શીતલભાઈ શાહનું કચ્છી પાઘ અને સ્મૃતિચિહ્ન
દ્વારા સન્માન કરાયું હતું તેમજ ભુજ ચેમ્બરના આગેવાનો અને વિવિધ એસોસિયેશનના પ્રતિનિધિઓ
દ્વારા નગરપાલિકાના હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું. શરૂઆતે પ્રાસંગિક ઉદ્બોધનમાં
અનિલ ગોરે જણાવ્યું હતું કે, ભુજ શહેરમાં સુચારુ વ્યવસ્થા માટે
શહેરને મહાનગરપાલિકા તરીકે વિકસાવવાની તાતી જરૂરિયાત છે, કારણ
કે, 56 કિ.મી.થી વધુ ત્રિજ્યાના ભુજને
વિકાસશીલ કરવામાં નગરપાલિકાને અનેક મર્યાદાઓ અડચણ રૂપ બને છે. તેમણે શહેરના વિકાસ માટે
શહેરના મુખ્ય સર્કલોનું સૌંદર્યકરણ, ભુજ ચેમ્બર દ્વારા જ્યુબિલી સર્કલની જાળવણી અને વિકાસની જવાબદારી સ્વીકારવાની
તૈયારી, રાજેન્દ્ર પાર્ક સહિત ભુજના બાગ-બગીચાઓ અને રિલોકેશન
સાઇટો પર આવેલા બગીચાઓના વિકાસ અને જાળવણી, પ્લાસ્ટિક કચરાનો
વૈજ્ઞાનિક નિકાલ, નવી ડસ્ટબિનની વ્યવસ્થા, વેપારીઓ અને નાગરિકોમાં જાગૃતિ અભિયાન, ડોર-ટુ-ડોર વ્યવસ્થા
શરૂ કરવા, વિવિધ રિલોકેશન વિસ્તારોમાં નવી શાકભાજી માર્કેટો વિકસાવવી,
સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને ટાઉનહોલના નિયમિત મેઈન્ટેનન્સ,
ભવિષ્યમાં રાજ્ય કક્ષાની અને રાષ્ટ્રીય કક્ષાની ક્રિકેટ સ્પર્ધાઓ,
રણજિત કાઉન્ટી અને વન-ડે જેવી મેચો રમી શકાય માટે આધુનિક ક્રિકેટ સ્ટેડિયમ
અને રમતગમત સંકુલ, પ્રવાસન વિકાસ માટે ભુજ નગરપાલિકા અને પ્રવાસન
વિભાગના સંયુક્ત ઉપક્રમે Tourist Facilitation Centre સ્થાપવા, ઉપરાંત `ભુજદર્શન' બસ સેવા શરૂ કરી પ્રાગમહેલ, આઈનામહેલ, કચ્છ મ્યુઝિયમ, સ્મૃતિવન,
હમીરસર તળાવ અને અન્ય ઐતિહાસિક સ્થળોને જોડતી પ્રવાસન પરિપથ વ્યવસ્થા
ઊભી કરવા સહિતનાં સૂચનો કર્યાં હતાં. નગરપાલિકાના પ્રમુખે તમામ સૂચનો અંગે ઘટતું કરવાની
ખાતરી આપી હતી. આ કાર્યક્રમમાં ભુજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશનના હોદ્દેદારો,
વિવિધ વેપારી એસોસિયેશનોના પ્રતિનિધિઓ, ઉદ્યોગકારો,
આગેવાનો રાજભાઈ માણેક, ડો. રૂણાણી, જિજ્ઞેશભાઈ શાહ, જમનાદાસભાઈ ઠક્કર, અરાવિંદભાઈ અજાણી, ભાવેશભાઈ ઠક્કર, રમેશભાઈ પિંડોરિયા, રાજુભાઈ શાહ હરિભાઈ ગોર, બાલકૃષ્ણ ગોર, અખિલભાઈ મેમણ, જયંતીભાઈ
અનમ, કિરણભાઈ પારેખ, બાલકૃષ્ણ ઠક્કર ઉપસ્થિત
રહ્યા હતા. વ્યવસ્થા જગદીશભાઈ ઠક્કરે સંભાળી હતી.