ભુજ, તા. 23 : સગીરા સાથે પ્રેમસંબંધ બાંધવા
દબાણ કરી, બળજબરીથી દુષ્કર્મ ગુજારી અને લગ્નની લાલચ આપી
અપહરણના કેસમાં 23 વર્ષીય આરોપી
મોહસીન અદ્રેમાન હિંગોર (રહે. સેડાતા, તા. ભુજ)ને ભુજની સ્પે. પોક્સો અદાલતે 20 વર્ષની સખત કેદ અને 58 હજારનો દંફ ફટકારતો ધાક બેસાડતો
ચુકાદો આપ્યો છે. આ કેસની વિગતો મુજબ પિતાની શાકભાજીની લારી પર જતી સગીરા પાસે આરોપી
મોહસીન અવાર-નવાર જઈ તેના નંબર મેળવી તેની સાથે વાતચીત કરી ફોસલાવી પ્રેમસંબંધ બાંધવા
દબાણ કરી એકલામાં બોલાવી બળજબરીથી શરીરસંબંધ બાંધી અને વાત કોઈને કરીશ તો જાનથી મારી
નાખવાની ધમકી આપી હતી. આ બાદ તા. 31/8/25ના સગીરાને લગ્નની લાલચ આપી ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી
અપહરણ કરી ભુજ, ભુજથી અંજાર અને ગાંધીધામ
લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ વાલીએ માનકૂવા પોલીસ મથકે નોંધાવી હતી. પોલીસે સગીરા
સાથે દુષ્કર્મ અને અપહરણ સહિતની વિવિધ કલમો તળે ગુનો દાખલ કરી તપાસના અંતે પુરાવા મળતાં
અદાલતમાં તપાસ અધિકારી ડી.એમ. ઝાલા (માધાપર પીઆઈ)એ ચાર્જશીટ દાખલ કરી હતી. આ કેસ ભુજની
સ્પે. પોક્સો અદાલતમાં સ્પે. જજ જે. એ. ઠક્કર સમક્ષ ચાલી જતાં ફરિયાદ તરફે 23 દસ્તાવેજી પુરાવા અને 12 સાક્ષી તપાસી આરોપી મોહસીન
હિંગોરાને જુદી-જુદી કલમોના ગુનામાં તકસીરવાન ઠેરવી 20 વર્ષની સખત કેદ તથા કુલ મળીને
રૂા. 58 હજારનો દંડ ફટકાર્યો હતો. આ
દંડ ભોગ બનનારને ચૂકવવા તથા ચાર લાખનું વળતર ભોગ બનનારને ચૂકવવા ડી.એલ.એસ.ને ભલામણ
કરવાનો હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદ પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ. બી. જાડેજાએ
હાજર રહી સાક્ષી તપાસી અને દલીલો કરી હતી. ભોગ બનનારના કાયદા સહાયક તરીકે એડવોકેટ માલશ્રીબેન
ગઢવીએ સેવા આપી હતી.