ભારતમાં કાયદાનું ઉલ્લંઘન સામાન્ય ઘટનાક્રમ બની ગયો છે. બાંધકામ
હોય કે પછી વાહન વ્યવહારના નિયમો હોય તેના પાલનની કે અમલની કોઈ દરકાર કરતું નથી, પણ આવા દુર્લક્ષને લીધે થતા અકસ્માતો ચિંતાજનક
રીતે વધી રહ્યા છે. તાજેતરના સમયમાં દેશમાં સંખ્યાબંધ સ્થળોએ આગ લાગવાના બનાવોમાં ઉછાળો
આવ્યો છે. સંખ્યાબંધ નિર્દોષ લોકોનો ભોગ લેનાર આવા બનાવોની શૃંખલામાં સોમવારે લખનઉના
કોચિંગ સેન્ટરમાં ગોઝારા અગ્નિકાંડનો ઉમેરો થયો છે. 1પથી વધુ વિદ્યાર્થીના અકાળ મોતનું કારણ
બનેલા આ કાંડે દેશમાં ઈમારતોની સલામતી અને બાંધકામને લગતા નિયમોના અમલની સામે વધુ એક
વખત ગંભીર પ્રશ્નાર્થ ખડો કર્યો છે. ભડકે બળતી ઇમારત, તેમાંથી જીવ બચાવવા કૂદી પડતા છાત્રો,
બહાર બેબાકળા વાલીઓ આ બધાં દૃશ્યો હૈયું હચમચાવી મૂકે એવાં છે. અફસોસ
એ વાતનો છે કે, નિયમોને નેવે મૂકનારાને આવા નવલોહિયા કે નિર્દોષ
માનવીઓનાં જીવનની કોઇ પડી હોતી નથી ? થોડા દિવસ અગાઉ રાજધાની
દિલ્હીની એક હોટેલમાં આગ લાગતાં 20થી વધુ જણનાં મોત થયાની ગમખ્વાર ઘટના બાદ એમ મનાતું હતું કે, આ બનાવ દેશ આખા માટે બોધપાઠ સમાન બની રહેશે.
દેશભરમાં વ્યાવસાયિક ઈમારતોમાં સલામતીનાં ધોરણોના પાલનની એપક્ષા હજી ફળીભૂત થઈ ન હોવાની
સાબીતી લખનઉના બનાવે કરાવી આપી છે. આ બનાવ બાદ ઉત્તરપ્રદેશ સરકારે આગ લાગવાનાં કારણોની
ઝીણવટભરી તપાસ કરાવવાની હૈયાધારણ આપી છે. અકસ્માતનાં કારણની તપાસ થાય છે, પણ કમનસીબે ઈમારતમાંથી કટોકટીના સમયે બહાર નીકળવા માટેના માર્ગ સહિતનાં સલામતીનાં
ધોરણોની ઊણપ ચકાસવાની ભાગ્યે જ કોઈ તસ્દી લેવાય છે. આગનું કારણ તો એસીમાં ધડાકો થયાનું
પ્રાથમિક રીતે જણાઈ રહ્યંy છે. ઈમારતોના
વાયરિંગથી માંડીને ઈલેક્ટ્રિક ઉપકરણોની ચકાસણીની કોઈ વ્યવસ્થા પર ધ્યાન આપવામાં થતા
આંખ આડા કાન તરફ પણ તપાસ થવી જોઈએ. આવા બનાવો સમયે એવી ચોંકાવનારી હકીકતો સામે આવતી
રહે છે કે, મસમોટી ઈમારતો માટે અગ્નિશમન
વિભાગ પાસેથી લેવાનાં થતાં નાવાંધા પ્રમાણપત્રો હોતાં જ નથી. વળી આવા બનાવોની તપાસના
અહેવાલ આવ્યા બાદ જવાબદારોની સામે કડક કાર્યવાહી કરવાની દરકાર થતી નથી. સમયની સાથે
બનાવ અને તપાસ અહેવાલ વિસરાઈ જાય છે. ક્યારેક ઈમારતના માલિકોની ધરપકડ થાય છે,
પણ જવાબદાર સરકારી અધિકારીઓ કે કર્મચારીઓનો વાળ પણ વાંકો થતો નથી. લખનઉના
બનાવને પગલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતે ઘટનાસ્થળે ધસી ગયા હતા. તેમણે ત્વરિત
તપાસના આદેશની સાથે ત્રણેક જણની સામે તત્કાળ શિક્ષાત્મક પગલાં પણ લીધાં છે. હવે જોવાનું
એ રહેશે કે, મુખ્યમંત્રી આ મામલામાં કેટલા ઊંડા ઊતરે છે અને જવાબદારોની
સામે કડક કાર્યવાહી કરે છે કે નહીં. વિરોધ પક્ષોએ અગ્નિકાંડનો મુદ્દો જોરશોરથી ઉઠાવી
લીધો છે. આવી સંવેદનશીલ દુર્ઘટના વખતે સરકારનો કાન આમળવાનો વિપક્ષનો ધર્મ છે,
પરંતુ તેના પર રાજકીય રોટલો શેકવાથી દૂર રહેવું જોઇએ. વધતા જતા આગના
બનાવોએ દેશમાં ઈમારતોમાં અગ્નિશમનની સલામતીના નિયમોના કડક પાલન અને તાકીદના અવરજવરના
માર્ગની અનિવાર્યતા છતી કરી છે. લખનઉ કે દિલ્હી જેવા બનાવો બનતા અટકે એ માનવતા માટે
જરૂરી બની ગયું છે.