• બુધવાર, 24 જૂન, 2026

અમેરિકી નાગરિકતા મેળવવી બનશે મોંઘી

નવી દિલ્હી, તા.23 : અમેરિકામાં નાગરિકતા મેળવવી હવે ઘણી મોંઘી બની શકે છે. ટ્રમ્પ વહીવટી તંત્રે અરજી ફીમાં તોતિંગ વધારાનો પ્રસ્તાવ મૂક્યો છે. ફીમાં આશરે 75 ટકા વધારાની સાથે જ ઓછી વય ધરાવનારા અરજદારોને અગાઉ આપવામાં આવતી ફી માફી અને છૂટને પણ સંપૂર્ણ રીતે હટાવી લેવાની તૈયારી છે. અમેરિકાના ગૃહ સુરક્ષા વિભાગ (ડીએચએસ)ના આ પગલાંથી વિશેષ રીતે ભારતીય મૂળના ગ્રીન કાર્ડ ધારકોને અસર પહોંચશે. અમેરિકાના સિટીઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસીઝ (યુએસસીઆઈએસ) દ્વારા પ્રસ્તાવિત નિયમ મુજબ, ફોર્મ એન-400 (નાગરિકતા અરજી)ની ફી 760 ડોલરથી વધારીને 1330 ડોલર અને ઓનલાઈન અરજી માટે 710 ડોલરથી વધારીને 1280 ડોલર કરવામાં આવશે. એટલું જ નહીં, નાગરિકતા અસ્વીકૃતિની સમીક્ષા માટે દાખલ કરવામાં આવતાં ફોર્મ એન-336ની ફી પણ 830 ડોલરથી વધારીને 1475 કરવાનો પ્રસ્તાવ છે જે આશરે 78 ટકાનો વધારો સૂચવે છે. પ્રસ્તાવ અનુસાર એ આવેદકોની ફી માફીની સુવિધા પણ સમાપ્ત કરવામાં આવશે જેમની પારિવારિક આવક સંઘીય ગરીબી રેખાના 400 ટકા અથવા તેનાથી ઓછી છે. આ સાથે જ વર્તમાનમાં ઉપલબ્ધ ઓછી ફીના વિકલ્પ પણ હટાવી દેવામાં આવશે. જોકે અમેરિકાની સેનાના સભ્યોને આ છૂટ હજુ પણ મળતી રહેશે. પ્રસ્તાવમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે ડીએચએસ માને છે કે અન્ય ઈમિગ્રેશન સેવાઓની કિંમત પર નાગરિકતા અરજીઓ પર ઓછી ફી રાખવી જોઈએ નહીં. અમેરિકી સુરક્ષા વિભાગ દ્વારા પ્રસ્તાવિત નવા નિયમ હજુ લાગુ કરવામાં આવ્યા નથી. આ પ્રસ્તાવો પર સાઈઠ દિવસ સુધી લોકો પાસેથી સૂચનો મંગાવવામાં આવશે તે પછી અંતિમ નિયમ લાગુ કરવામાં આવશે.  

Panchang

dd