ભુજ, તા. 23 : હાલ ચાલી રહેલી દબાણ હટાવ ઝુંબેશમાં
ધાર્મિક સ્થાનોના દબાણ હટતાં સોશિયલ મીડિયા પરથી ટીકા-ટિપ્પણીને લઇને કલેક્ટરને મારવાની
અને ધાર્મિક સ્થાનને તોડનારાને મારી નાખવાની વાંધાજનક પોસ્ટ થતાં આ પોસ્ટ વાયરલ થતાં
પોલીસે તેની ગંભીરતા સમજી પગેરું દબાવતાં ગઢશીશાના નિજામ સુલેમાન રાયમા સુધી પહોંચતાં
અને તેણે પોસ્ટ કર્યાનું ખૂલતાં તેની વિરુદ્ધ ગુનો દાખલ કરી રાઉન્ડ-અપ કરી લેવાયો છે.
બે દિવસ પહેલાં કલેક્ટરને ધમકી આપતો મેસેજ વાયરલ થતાં ગઇકાલે પોલીસ સુધી પહોંચતાં એલસીબીની
સાયબર સેલે તેના ડિજિટલ ફૂટપ્રિન્ટના આધારે પગેરું દબાવવાનું શરૂ કરી દીધું હતું. માંડવી
તાલુકાના એક ધાર્મિક સ્થાનને તોડવા બાબતનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ થતાં તે વીડિયોની
પોસ્ટમાં `ભાઇ બધા ભેગા થઇને મારો કલેક્ટરને અને ધાર્મિક
સ્થાનને તોડવાવાળાને મારી નાખો' તેવી
વાંધાજનક પોસ્ટ આઇ.ડી. ધારક એવા ગઢશીશાના નિજામ સુલેમાન રાયમાએ કરી હતી. કોમી વૈમનસ્ય
ફેલાય અને આવી વાંધાજનક પોસ્ટની ગંભીરતાને લઇ મૂળ સુધી સાયબર સેલ પહોંચતાં માંડવી તરફની
એલસીબીની ટીમના દેવજીભાઇ, મૂળજીભાઇ, મૂળરાજભાઇ
વિગેરેએ ગઢશીશામાંથી આરોપી નિજામને શોધી કાઢી તેની પૂછપરછ કરતાં તેણે પોસ્ટ કરી હોવાની
કબૂલાત આપી હતી. આવા આરોપીઓને બળ ન મળે અને કોમી વૈમનસ્ય ન ફેલાય આથી આવી માનસિકતા
ધરાવતી વ્યક્તિ વિરુદ્ધ સરકાર તરફે પોલીસે ફરિયાદી બનીને ભુજના એ-ડિવિઝન પોલીસ મથકે
આરોપી નિજામ વિરુદ્ધ વિવિધ કલમો તળે ગુનો દાખલ કરાવ્યો છે. આરોપીને રાઉન્ડ-અપ કરી લીધાની
વિગતોમળી છે.