અંજાર, તા. 23 : પૂર્વ કચ્છમાં જુદા-જુદા વિસ્તારમાં
પોલીસે `નો ડ્રગ્સ' વિશેષ ઝુંબેશ તળે જુદાં-જુદાં ત્રણ સ્થળે દરોડા
પાડીને રૂા. 7.83 લાખની કિંમતનો માદક પદાર્થનો
જથ્થો ઝડપી પાડયો હતો. સામખિયાળી પોલીસે ટોલ પ્લાઝા પાસે આવેલા સર્વિસ રોડ ઉપર બે રાહદારી
પાસેથી હેરોઈનનો જથ્થો પકડી પાડયો હતો. પોલીસે
જણાવ્યું હતું કે, પંજાબના આરોપી દલીપસિંઘ રસલસિંઘ અને અક્ષય અશોકભાઈ શર્મા માદક પદાર્થનો જથ્થો લઈને આવતા હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે આ બંને ઈસમને
રોકીને પૂછપરછ સાથે તેની અંગઝડતી લીધી હતી. દરમ્યાન અથાણાના ડબ્બામાંથી 22.280 ગ્રામ હેરોઈન મળી આવ્યું હતું. જેની કિંમત રૂા. 4,45,600 આંકવામાં આવી હતી. આ કાર્યવાહીમાં
પોલીસે બે મોબાઈલ ફોન, રોકડ સહિત કુલ રૂા. 4,58,350નો મુદ્દામાલ હસ્તગત લઈને બંને
આરોપીની ધરપકડ કરી હતી. પકડાયેલા માદક પદાર્થનો જથ્થો આરોપીઓ અમૃતસરના વીકી નામના આરોપી પાસેથી વેચાણ અર્થે લાવ્યા હોવાનુ સપાટી ઉપર
આવ્યું હતું. આ ઉપરાંત આડેસર પોલીસે પણ નશાયુક્ત પદાર્થનાં વેચાણ સામે લાલ આંખ કરી તવાઈ બોલાવી હતી. પોલીસે રાપર તાલુકાનાં
બામણસરમાં આડેસર પોલીસ ચેકપોસ્ટ પાસે મારુતિ
સ્વિફ્ટ ગાડી નં. જીજે-12-એફઈ-6465માંથી મેફડ્રોન ડ્રગ્સ (એમ.ડી) 98.890 ગ્રામ કિં. રૂા.2,96,670નો જથ્થો પકડી પાડયો હતો. પોલીસે આરોપી હૈદરઅલી હયાતખાત રાજડ
મુસ્લિમ, મિતેષભાઈ ભરતભાઈ જંગમબાવાજી, અકબરઅલી મોહમદખાન રાજડ મુસ્લિમની બે
મોબાઈલ ફોન, ગાડી સહિત કુલ રૂા. 6,11,670ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી
હતી. પકડાયેલા ત્રણ આરોપીએ રાજસ્થાનનાં સાંચોર નજીક આવેલાં ખારા ગામમાંથી આરોપી ગોવિંદ
બિશ્નોઈનો સંપર્ક કરીને મેળવ્યો હતો. આ જથ્થો ભુજના આરોપી કીર્તિભાઈ બાવાજીને આપવાનો હોવાનું તપાસમાં બહાર
આવ્યું હોવાનું પોલીસે ઉમેર્યું હતું. અબલત્ત
આરોપી કીર્તિ અને ગોવિંદ પોલીસ પકડથી
દૂર રહ્યા હતા. અંજાર રેલવે સ્ટેશન નજીક આવેલાં
નવાનગરમાં રહેતા આરોપી અબ્દુલ ભચુ બાફણ પોતાનાં
ઘરમાં માદક પદાર્થનો જથ્થો રાખીને વેચાણ કરતો
હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે અહીં દરોડો
પાડયો હતો. અહીં છાનબીન દરમ્યાન 0.829 કિ.ગ્રા કિં.
રૂા. 41,450નો ગાંજો મળી આવ્યો હતો. આ કાર્યવાહીમાં
પોલીસે આરોપી અબ્દુલ બાફણની એક મોબાઈલ
ફોન સાથે કુલ રૂા. 42,450ના મુદ્દામાલ
સાથે ધરપકડ કરી હતી. આ ગુનામાં સામેલ આરોપી અલ્તાફ ભચુ બાફણ (રહે. ગંગાનાકા, અંજાર)ને પકડી પાડવા પોલીસે ચક્રોગતિમાન કરી
વધુ તપાસ આરંભી છે. ત્રણેય બનાવ અંગે પોલીસે વધુ છાનબીન આરંભી છે.