• ગુરુવાર, 25 જૂન, 2026

કચ્છભરની પોસ્ટ ઓફિસમાં પાસબુકની અછત

ભુજ, તા. 23 : એક તરફ પોસ્ટ વિભાગમાં ઉપરી સત્તાવાળાઓ દ્વારા વધુ ને વધુ ખાતાં ખોલવા અને વીમાની પોલિસીઓ વેચવાનું દબાણ થાય છે અને બીજી તરફ આ જ પોસ્ટ ખાતાંમાં પાસબુક સહિતની સ્ટેશનરીની મોટાપાયે અછત સર્જાઈ છે, જેને લીધે ખાતેદારો પણ પરેશાન બન્યા છે. માહિતગાર વર્તુળોના જણાવ્યા મુજબ કચ્છની ઘણી બધી પોસ્ટ ઓફિસોમાં હાલ પાસબુકની અછતનો પ્રશ્ન સર્જાયો છે. જો કે, પોસ્ટ પ્રશાસન કહે છે કે, અમુક ઓફિસોમાં સ્ટેશનરીની અછતની વાત આવી છે, જેને લીધે અમે તાત્કાલિક રાજકોટમાં જાણ કરી છે અને ધીમે ધીમે પાસબુક સહિતની સ્ટેશનરી આવતી થઈ ગઈ છે. પરેશાન લોકોના જણાવ્યા અનુસાર સુખપર, ભુજ, અંજાર, માનકૂવા સહિતની પોસ્ટ ઓફિસોમાં કેટલાક દિવસથી પાસબુક મળતી નથી, જેને લીધે ખાતેદારો ધક્કા ખાઈ રહ્યા છે. સામાન્ય રીતે સ્ટેશનરી રાજકોટ ખાતેના પોસ્ટના વિભાગમાંથી ભુજમાં આવતી હોય છે. માહિતગાર સૂત્રોના જણાવ્યા અનુસાર સામાન્ય રીતે જે-તે પોસ્ટ ઓફિસે કેટલી સ્ટેશનરી હાજર છે અને છ મહિનામાં કેટલી સ્ટેશનરીની જરૂરિયાત રહેશે તે અગાઉથી પોસ્ટની સિસ્ટમમાં ચડાવવાનું હોય, પણ અમુક પોસ્ટ માસ્તરો તે સમયસર કરી શક્યા નહીં અને અમુકને તો પોસ્ટની સિસ્ટમમાં સ્ટેશનરીના ઓર્ડર ચડાવતા એટલે કે  ઈન્ડેન્ટ કરતાય આવડતા નથી. બાકી તો જેમણે અગાઉથી પાસબુકની માંગ કરી છે તે ઓફિસોમાં પણ તેની અછત છે જ. કચ્છની લગભગ 43 ઓફિસ હાલ પાસબુકની અછતથી પીડાય છે. કચ્છના તંત્ર દ્વારા રાજકોટ ઓફિસ પાસે તેની માંગ કરાઈ છે અને રાજકોટની ઓફિસ દ્વારા નાસિક ખાતેના ઈન્ડિયા પોસ્ટના મુખ્ય સ્ટોર પાસે પાસબુકની માંગ કરી છે, પણ ત્યાંથી રાજકોટ અપૂરતી પાસબુક આવે છે અને રાજકોટથી કચ્છમાં અપૂરતી પાસબુક આવે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હાલમાં પોસ્ટના ઉપરી અધિકારીઓ દ્વારા ડાકસાધક યોજના અમલી  બનાવાઈ છે, જે અંતર્ગત જે-તે પોસ્ટ ઓફિસની ક્ષમતા મુજબ કોઈને 1000, તો કોઈને 200 નવા સ્મોલ સેવિંગ્સનાં ખાતાં ખોલવાના ટાર્ગેટ અપાયા છે. એકંદરે 31 જુલાઈ સુધી જ કચ્છમાં 2,000 નવા એકાઉન્ટ ખોલાવવાના ટાર્ગેટ અપાયા છે, પણ કમનસીબી એ છે કે, હાલમાં જ કચ્છ માટે માત્ર ચારેક હજાર જ પાસબુક આવી હતી. પોસ્ટ વિભાગ બલ્ક ઓર્ડર પર બહુ ભાર મૂકી રહ્યો છે અને તેને લીધે પણ સ્ટેશનરીનો બહુ બગાડ થાય છે અને એવે સમયે જ પાસબુકોની અછતનો પ્રશ્ન વધુ ગંભીર બન્યો છે. વધુ ગંભીર બાબત તો એ છે કે, અમુક પોસ્ટ ઓફિસોના કર્મચારીઓને તો પાસબુક સહિતની સ્ટેશનરીના આગોતરા ઓર્ડર પોસ્ટની સિસ્ટમમાં ચડાવતા પણ બરાબર આવડતા નથી, જેને લીધે આ સમસ્યા વધુ ગંભીર બની છે. બાકી તો પોસ્ટ માસ્તરોએ  પોતાની જરૂરિયાત મુજબ અગાઉથી જ ઈન્ડેન્ટ કરવાના રહેતા હોય છે, પણ ઘણા પોસ્ટમાસ્તરો એમ  કરી શક્યા નથી.  પોસ્ટનાં સત્તાવાર સૂત્રોનો સંપર્ક કરતાં એવો બચાવ કરાયો હતો કે, પ્રિન્ટિંગના ટેન્ડર વગેરેની પ્રક્રિયાને લીધે થોડું મોડું થઈ ગયું છે, પણ અમે હાલમાં જ રિજનલ ઓફિસમાં તેની રજૂઆત કરી છે અને ધીમે ધીમે સપ્લાય શરૂ થઈ રહ્યો છે. 

Panchang

dd