અમદાવાદ, તા. 2 : આઇસીસીની બેઠક આજે અમદાવાદમાં
યોજાઇ હતી. જેમાં કેટલાક મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા. જેમાં દિવસના ટેસ્ટ મેચમાં
પિન્ક બોલના ઉપયોગની ટ્રાયલ માટે મંજૂરી મહત્વનો નિર્ણય હતો. પિન્ક બોલના ઉપયોગથી ઝાંખા
પ્રકાશને લીધે થતી અસુવિધાનો હલ આવી શકે છે તેવું આઇસીસીનું માનવું છે. જો કે ટેસ્ટ
ફોર્મેટમાં ગુલાબી દડાનો ઉપયોગ કરવા માટે બન્ને ટીમની સહમતિ જરૂરી બનશે. આ ઉપરાંત ડ્રિંકસ બ્રેક દરમિયાન કોચ કે તેમના પ્રતિનિધિ
ખેલાડીઓ સાથે મેદાનમાં ચર્ચા કરી શકશે. અત્યાર સુધી મેચ દરમિયાન કોચિંગ સંબંધી વાતચીત
પર આઇસીસીનો પ્રતિબંધ હતો. હવે નવા નિયમ અનુસાર ટેસ્ટ, વન ડે અને ટી-20 ફોર્મેટમાં ડ્રિંકસ બ્રેક દરમિયાન
કોચ રણનીતિ સંધંબે ખેલાડી સાથે ચર્ચા કરી શકશે. આ ઉપરાંત આઇસીસીએ ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં બે ઇનિંગ
દરમિયાન 1પ મિનિટનો બ્રેક ફરજિયાત કર્યો છે. જેથી
ખેલાડીઓ પર્યાપ્ત તૈયારી કરી શકે. બેઠકમાં મેચ અધિકારીઓને હોક-આઇ ટેકનીકના ડેટા આપવાની
મંજૂરી આપવામાં આવી છે. જેથી તેઓ શંકાસ્પદ બોલિંગ એકશન પર રિપોર્ટ સારી રીતે તૈયાર
કરી શકે.