નખત્રાણા, તા. 2 : ચોમાસામાં વિવિધ વસાહતોમાં
ભરાઈ રહેતાં પાણીથી સર્જાતી દુર્ગંધ જનઆરોગ્યને નુકસાનરૂપ તથા અવરજવર માટે બંધ થઈ જતા
રસ્તાની સમસ્યાના નિવારણ માટે નગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂનની કામગીરી તથા સી.સી. રોડનાં કામોનો વિધિવત આરંભ કરાયો હતો.
જૂની પ્રાંત અધિકારી કચેરી પાસેનાં નાળાંમાં ભરાઈ ગયેલા માટી, ઝાંખરાને દૂર કરવાના કાર્યનો પ્રારંભ નગરપતિ
વસંતભાઈ વાઘેલા, કારોબારી ચેરમેન ચંદનસિંહ રાઠોડ, ઉપનગરપતિ દમયંતીબેન સેંઘાણી સહિતની ઉપસ્થિતિમાં કરાયો હતો. મેઈન બજાર ઠાકર
મંદિરથી દરિયાલાલ મંદિર સુધીના રસ્તાના સિમેન્ટ રોડનાં કામનો આરંભ કરાયો હતો. 10 દિવસ સુધી ચાલનાર પ્રિ- મોન્સૂનની
કામગીરીમાં શહેરમાં જે-જે વિસ્તારમાં નાળાંના અવરોધથી વરસાદી પાણી ભરાતાં હશે ત્યાં
સંપૂર્ણ રીતે નાળાં સફાઈનું કામ કરી વરસાદી પાણીની સમસ્યા ઉકેલવામાં આવશે. વિરાણી રોડથી
પ્રાચી નગરી-1 તરફ જતો 200 મીટર સી.સી. રોડ કામગીરીનું
ખાતમુહૂર્ત કરાયું હતું. પ્રિ-મોન્સૂનની કામગીરી
દરમ્યાન પડનારી મુશ્કેલી સહન કરી સહયોગ આપવા તેમજ
કયાંય પણ કામ નબળું થતું હોય તો ન.પાલિકાના જવાબદારોનું ધ્યાન દોરવા જણાવ્યું
હતું. ઉપરાંત વહેણ ઉપર દબાણ ન કરવા તાકીદ કરાઈ
હતી. તાલુકા ભાજપા પ્રમુખ ધર્મેશ કેશરાણી, જાગૃતિબેન ઠક્કર, હંસાબેન રૈયાણી, વેણીલાલ રૈયાણી, ખુશ્બૂબેન હાર્દિક સોની, મનન લુહાર, નીતિનભાઈ સુરાણી, હિરેન
વ્યાસ, ગિતેશભાઈ શાહ, જિતેન્દ્રસિંહ જાડેજા,
ફકીરમહમદ ખત્રી, મનીષભાઈ સોની, જયેશભાઈ તિલક, પ્રવીણ ચૌહાણ, દિલીપ
ધનાણી, ઈસ્માઈલ મિત્રી, પ્રવીણભાઈ સહિત
ઉપસ્થિત રહ્યા હતા.