• બુધવાર, 03 જૂન, 2026

શિકારપુરની સીમમાં હાઇવે હોટેલમાંથી માદક પદાર્થ દારૂ જપ્ત

ગાંધીધામ, તા. 2 : સામખિયાળી-માળિયા ધોરીમાર્ગ શિકારપુરની સીમમાં આવેલી એક હોટેલ (ઢાબા)માં પોલીસે છાપો મારી રૂા. 29,985ના પોષડેડા તથા રૂા. 14,520ના અંગ્રેજી દારૂ સાથે હોટેલના સંચાલકને ઝડપી પાડયો હતો. સામખિયાળી-માળિયા ધોરીમાર્ગ પર શિકારપુરની સીમમાં આવેલી ચૌધરી હાઇવે હોટેલમાં માદક પદાર્થ વેચાતો હોવાની પૂર્વ અને સચોટ બાતમીના આધારે સ્થાનિક પોલીસે કાર્યવાહી કરી હતી. આ હોટેલમાં હાજર મૂળ બાડમેર રાજસ્થાનના નારણારામ રાવતારામ સિયાઝ (જાટ)ને ઝડપી લેવાયો હતો. તેને સાથે રાખી હોટેલની પોલીસે તપાસ કરી હતી જેમાં લાકડાના ખાનામાંથી બાંચકાંમાંથી પોષડેડા અને પાઉડર મળી આવ્યા હતા તેમજ લાકડાના ઘોડામાંથી બિસ્કિટનાં બંડલ હટાવીને જોતાં પાછળથી દારૂના કવાર્ટરિયા મળી આવ્યા હતા. પોલીસે એફ.એસ.એલ. અધિકારીને બોલાવી માદક પદાર્થનું પૃથક્કરણ કરાતાં આ પદાર્થ પોષડેડા અને તેનો પાઉડર હોવાનું બહાર આવ્યું હતું. આ શખ્સ પાસેથી 1620 ગ્રામ પોષડેડા તથા 234 ગ્રામ પાઉડર એમ કુલ્લ રૂા. 29,985નો માદક પદાર્થ જપ્ત કરાયો હતો. તેમજ ગ્લોબલ ગ્રીનના 180 મિ.લી.ના 132 કવાર્ટરિયા એમ કુલ્લ રૂા. 14,520નો દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. આ હોટેલ તેના ભાઇ હેમતારામ રાવતારામ સિયાલે ભાડે રાખી છે તેમજ માદક પદાર્થ અને દારૂ પણ તે અહીં લઇ આવી નારણારામને વેચવા આપી ગયો હતો. પકડાયેલો શખ્સ છેલ્લા બે મહિનાથી અહીં આ હોટેલ ચલાવતો હતો. હાથમાં ન આવેલા હેમતારામને પકડી પાડવા આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

Panchang

dd