• બુધવાર, 03 જૂન, 2026

સપ્ટેમ્બરનું દિલ્હી બ્રિક્સ શિખર વિશ્વ માટે મહત્ત્વનું

વિશ્વમાં અમેરિકાના એકાધિકારની સામે હવે શક્તિશાળી દેશો એક થવા લાગ્યા છે.  અમેરિકાના ડોલરથી માંડીને લશ્કરી આધિપત્ય હવે સંખ્યાબંધ દેશોને ખટકી રહ્યંy છે. આવામાં ભારત, રશિયા, ચીન, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાના બ્રિક્સ સમૂહે ડોલરના એકચક્રી શાસનનો વિકલ્પ શોધવાની કમર કસી છે. આ સમૂહમાં હવે ઈજિપ્ત, ઈથોપિયા, ઈરાન, સાઉદી અરેબિયા અને યુએઈ પણ સભ્ય બન્યા છે. આ વગદાર દેશોના સમૂહનું શિખર સંમેલન અગામી સપ્ટેમ્બરમાં દિલ્હીમાં યોજવાનું છે તેના પર દુનિયાની અને તેમાં પણ ખાસ કરીને અમેરિકાની મીટ મંડાયેલી રહેશે.  આ  શિખર સંમેલનમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ હાજરી આપે એવા સંકેત મળી રહ્યા છે. પુતિનનો સત્તાવાર કાર્યક્રમ પણ જાહેર થયો છેતો જિનપિંગ પણ આ શિખર સંમેલનમાં ભાગ લે એવી પૂરી શક્યતા  છે. જો કે, હાલના ઈરાન જંગને લીધે બ્રિક્સમાં સાઉદી અરેબિયા અને યુએઈ હાજરી આપીને કેવું વલણ લેશે એ તો આવનારા સમયમાં સ્પષ્ટ થશે, પરંતુ દુનિયાના  બે શક્તિશાળી નેતાઓ ભારત આવે તેવા સંજોગોએ ભારતના ચીન અને રશિયા સાથેના દ્વિપક્ષીય સંબંધોને નવો આકાર મળે એવા સંજોગો પણ રચાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, 2024માં રશિયામાં યોજાયેલા બ્રિક્સ શિખર સંમેલનમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના જિનપિંગ વચ્ચે વાટાઘાટો થઈ હતી, જે બન્ને દેશોના સંબંધોને સુધારવામાં ચાવીરૂપ બની રહી હતી. હવે દિલ્હીમાં યોજાઈ રહેલા આ ચાવીરૂપ સંમેલન દરમ્યાન દ્વિપક્ષીય મંત્રણાઓ યોજાશે તેનાથી ભારતના સભ્ય દેશો સાથેના સંબંધોને વધુ મજબૂત કરવામાં મદદ મળશે એવી આશા રખાઈ રહી છે. આ બ્રિક્સ સમૂહનું અધ્યક્ષપદ હાલે ભારત પાસે છે અને તેની રૂએ આગામી શિખર સંમેલન દિલ્હીમાં યોજવાની તૈયારી ચાલી રહી છે.  આ સંદર્ભમાં આ  મહિનામાં દિલ્હીમાં બ્રિક્સના વિદેશમંત્રીઓની એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મધ્યપૂર્વ એશિયાની હાલની સ્ફોટક સ્થિતિને હળવી બનાવવાના પ્રયાસ પણ કરાયા હતા. જો કે, તેમાં કોઈ નોંધપાત્ર સફળતા સાંપડી ન હતી. આવનારા શિખર સંમેલન સુધી આ અસંમતિ દૂર કરીને વિશ્વ માટે ચાવીરૂપ સમંતિ સધાય એવા પ્રયાસ હાથ ધરાઈ રહ્યા છે.  હાલે બ્રિક્સ સમૂહની સામે યુક્રેનના જંગ તથા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તેમના પ્રભાવની સામેના કોઈપણ પ્રયાસની સામે અપાઈ રહેલી ધમકીઓનો પડકાર છે. ટ્રમ્પ બ્રિક્સ સમૂહ ડોલરના વિકલ્પના એજન્ડમાં આગળ વધે તેમ ઈચ્છતા નથી.  દુનિયા આખી ડોલરના વિકલ્પ માટે ઈચ્છુક છે ત્યારે મોદી, પુતિન અને જિનપિંગ સહિતના વિશ્વ નેતાઓ બ્રિક્સનાં સંમેલનમાં કોઈ નક્કર કાર્યયોજના ઘડી કાઢે તો તે એક ઐતિહાસિક સફળતા બની રહેશે. અહીં એ નોંધનીય છે કે, ગલ્ફ યુદ્ધ પછી દુનિયાના દેશો અનેકવિધ પડકારોનો સામનો કરી રહ્યા છે. યુદ્ધ અને ઇંધણની કટોકટીએ રાષ્ટ્રોની વિકાસ ગતિને બ્રેક મારી છે એવામાં બ્રિક્સ સંગઠન સમાધાનકારી ફોર્મ્યુલા ઘડી કાઢવાની રણનીતિ પર કામ કરી રહ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની બિનભરોસાપાત્ર નીતિ અને નિર્ણયોએ બગાડેલી સ્થિતિ સુધારવાનોય પડકાર છે. 

Panchang

dd