ભુજ, તા. 2 : ભુજના રેલવે મથકનું કરોડોના
ખર્ચે હાલ નવનિર્માણ ચાલી રહ્યું છે. દરમ્યાન ભુજ-અમદાવાદ વચ્ચે દોડતી નમો ભારત રેપીડ
ટ્રેન થોડા કેટલાક સમયથી અમદાવાદથી ભુજ આવે ત્યારે કોઇ પણ જાહેરાત વિના જ પ્લેટફોર્મ
એકના બદલે ચાર ઉપર આવીને ઊભી રહી જતાં ઉતારુઓ ભારે તકલીફમાં મૂકાયાની રાવ ઊઠી છે. પ્રવાસીઓને
સ્ટેશનની બહાર કઇ રીતે નીકળવું તેની મૂંઝવણમાં પડી જાય છે. પ્લેટફોર્મ 4 ઉપર પહોંચવા માટે તેમને બ્રિજ ચડવો પડે
અને ઊતરવો પડે. આ બ્રિજ એટલો ઊંચો અને લાંબો છે કે તેને ચડવા-ઊતરવા ભલભલા હાંફી જાય
છે. એસ્કેલેટરની સગવડ છે, પરંતુ બંધ
હોવાથી મુસાફરોને ઊંચા દાદરા ચડીને જવું પડે છે.
પરિવાર સાથે સામાન ઉપર કેમ લઇ જવો તે પણ એક સમસ્યા થાય છે. શારીરિ રીતે ખોડખાપણવાળા સુમાફરો માટે અતિ મુશ્કેલી
સર્જે તેવી સ્થિતિ છે. વ્હીલચેર લઇ જવી તો
કેવી રીતે લઇ જવી. કોઇ પણ જાતની જાહેરાત વગર
પ્લેટફોર્મ-1 અને 4 વચ્ચે આવ-જાવ થાય છે. રવિવારે સ્ટેશન પરના
કર્મચારીને ખાસ પૂછવામાં આવ્યું હતું કે, અમદાવાદથી નમો ભારત ટ્રેન કયા પ્લેટફોર્મ પર આવશે તો તેમણે કહ્યું કે,
તા. 22થી પ્લેટફોર્મ
4 કાયમ આવશે. સંબંધીઓને લેવા આવેલા સગાવહાલા
બ્રિજ ચડીને પ્લેટફોર્મ 4 ઉપર પહોંચી ગયા.... ટ્રેનના સમય થયો છતાં
પણ કોઇ પણ હિલચાલ ન દેખાતાં મૂંઝવણમાં પડી ગયા. ટ્રેન સમયસર ભુજ આવી ત્યારે ખબર પડી
કે ચાર નંબરના પ્લોટફોર્મ પર ન આવી, પરંતુ એક નંબરના જ પ્લેટફોર્મ પર આવી ઊભી રહી ગઇ છે. વળી બધા સંબંધીઓ બ્રિજ ચડીને પ્લેટફોર્મ એક પર ગયા
ત્યારે લોકોને શ્વાસ ચડી જાય તેવી સ્થિતિ સર્જાઇ હતી. મુસાફરોના ફોન પણ આવવા લાગ્યા તમે ક્યાં ઊભા છો.
આવું દરરોજ બને છે, તંત્ર આની યોગ્ય અને ચોક્કસ જગ્યા નક્કી કરે
અને પૂરતી વ્યવસ્થા કરી એસ્કેલેટર ચાલુ કરે તેવી મુસાફરોએ માંગ કરી છે.