ભુજ, તા. 2 : સમગ્ર ગુજરાતની સાથે કચ્છમાં
પણ દારૂબંધી હોવા છતાં કચ્છમાં નાનું ગામ હોય કે શહેર ગમે ત્યાં ગમે ત્યારે કોઈ પણ
બ્રાન્ડની શરાબની બોટલ મળી રહે છે એ જગજાહેર છે. નવાઈની વાત તો એ છે કે, રાજ્ય સ્તરેથી મોનિટરિંગ સેલની ટુકડીઓ કરોડો રૂપિયાના શરાબનો જથ્થો પકડી પાડે
છે, તો સૌ જાગૃત નાગરિકોનાં મનમાં સવાલ એ પેદા થાય છે કે,
તો સ્થાનિક પોલીસ કેમ દરોડો પાડી શકતી નથી ! કચ્છમાં હવે ટેમ્પો કે ટ્રક
નહીં પરંતુ કન્ટેનર ભરીને દારૂના બોક્સ આવે છે, છતાં સ્થાનિક
પોલીસ તંત્ર દ્વારા સબ સલામતના દાવા કરવામાં આવે છે. નાગરિકોને સવાલ એ થાય છે કે,
સમગ્ર રાજ્યમાં દારૂબંધી છે તો અન્ય પડોશી રાજસ્થાન કે મહારાષ્ટ્ર જેવાં
રાજ્યોમાંથી આટલો મોટો બેનામી જથ્થો ઘૂસે કેમ છે ? કચ્છના મુખ્યત્વે
બે પ્રવેશદ્વાર આડેસર અને સામખિયાળી પાસેથી દારૂ ભરેલાં મોટા વાહનો બિન્દાસ્ત કચ્છમાં
પ્રવેશી જાય છે એટલું જ નહીં, છેક નાનાં-નાનાં ગામડાંઓ સુધી કરોડો
રૂપિયાની કિંમતનો માલ પહોંચી જાય છે. કચ્છ પોલીસ વિભાગના બે વિભાગ છે અને બન્ને પાસે
સ્થાનિક ગુનાશોધક વિભાગની ટીમો હોવા છતાં કચ્છની પોલીસને દારૂ કયાં ઊતરે છે અથવા કયાં
સંગ્રહ કરાય છે તેની જાણ નથી હોતી ને રાજ્ય સ્તરની સ્ટેટ મોનિટરિંગ સેલને ખબર પડી જાય
છે ને જથ્થો પકડી પણ પાડવામાં આવે છે. ખરેખર તો આ પ્રકારની કાર્યવાહી રાજ્ય સ્તરની
ટીમો કરી જાય ને સ્થાનિક પોલીસ તંત્ર હાથ ઘસતું રહી જાય છે. સૂત્રોએ જણાવ્યું હતું
કે, આ પ્રકારની વારંવાર ચાલતી ગેરપ્રવૃત્તિ કચ્છ જેવા સરહદી વિસ્તાર
માટે જોખમી છે. તાજુબી એ છે કે, ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓએ પણ
આ મામલે રસ લેવો જોઈએ. ગત ફેબ્રુઆરી મહિનામાં જો દરોડા પર નજર કરીએ તો સામખિયાળી પાસેથી
આવતો રૂા. 1.38 કરોડનો શરાબનો
જથ્થો એસ.એમ.સી.એ. પકડયો હતો. પંજાબથી ટ્રેઇલરમાં ભૂસાંની બોરીઓ નીચે જથ્થો છુપાયેલો હતો તે પકડવામાં આવ્યો
હતો. તો બે દિવસમાં જ વરસાણા પાસે રૂા. 2.06 કરોડનો માલ ચોખાની ગાડીમાં લાવવામાં આવતો હતો તે પણ સ્ટેટ મોનિટરિંગ
સેલે પકડયો હતો. વરસાણા એટલે ગાંધીધામ પોલીસની જાન ઉપર જ સેલે દરોડો પાડયો હોવાથી સ્થાનિક પોલીસ તંત્રમાં ભારે દોડધામ જોવા મળી હતી. ભુજ તાલુકાના
નાનકડાં એવાં વડવાળા ગામેથી અધધધ કહી શકાય એવો ચાર કરોડનો શરાબ એસ.એમ.સી.એ ઝડપી પાડયો
હતો. રાજ્ય સ્તરેથી ગત ફેબ્રુઆરીમાં થયેલી
આ વિક્રમી કાર્યવાહીના અનુસંધાને પદ્ધર પોલીસ સ્ટેશનના જવાબદારો સામે તુરંત પગલાં લેવામાં
આવ્યાં હતાં. કચ્છમાં સોયાબીનનો જથ્થો આવે છે એવું કહીને તેની આડમાં દારૂ મગાવવામાં
આવે છે. આ વિષયની જાણ રાજ્ય સ્તરની ટુકડીને જતાં તુરંત કાર્યવાહી કરાતાં રૂા. 1.08 કરોડનો શરાબ હોવાનું માલૂમ
પડયું હતું. સૂત્રોએ કહ્યું કે, આ કાર્યવાહીથી
પણ પૂર્વ કચ્છ પોલીસ સ્તબ્ધ બની ગઇ હતી. આથી અગાઉ મુંદરામાં બે કન્ટેઇનરમાંથી રૂા.
3 કરોડનો શરાબનો જથ્થો એસ.એમ.સી.એ પકડી પાડયો
હતો. માલગાડીમાં આવતાં કન્ટેઇનરમાં દારૂ હોવાની બાતમી રાજ્ય સ્તરે મળી ગઇ ! કચ્છ સીમાવર્તી
જિલ્લો છે. શરાબ માફિયાઓ બેફામ બનશે તો ગંભીર ગુનાખોરી માટે પણ ક્યાંક મોકળું મેદાન
મળી જાય એવી ભીતિ સેવાઇ રહી છે. પોલીસતંત્ર ધાક બેસાડતી કાર્યવાહી કરે એ જરૂરી છે.