• બુધવાર, 03 જૂન, 2026

પલાંસવામાં નવાપરાની વર્ષો જૂની ગંદકીની સમસ્યા

રાપર, તા. 2 : તાલુકાનાં પલાંસવામાં આવેલા નવા પ્લોટ વિસ્તારમાં અનુ.જાતિ, અનુ.જનજાતિ તથા કોળી અને ભરવાડ સમાજના આશરે 1000 પરિવાર વસવાટ કરી રહ્યા છે. આ વિસ્તારમાં આવવા જવાના રસ્તા પર વર્ષોથી ગંદકીનો પ્રશ્ન યથાવત્ હોવાથી લોકો ત્રસ્ત થયા છે.વર્ષો પહેલાં અહીં એક ફૂટની ગટરલાઈન નાખી હતી, પણ એ ચોક-અપ થતાં પાણીનો નિકાલ બંધ થઈ જતાં ઘરમાંથી નીકળતું પાણી આ મેઈન રસ્તામાં ભરાઈ રહે છે, જેથી  આ રસ્તામાં નાના-મોટા ખાડાઓ થઈ ગયા છે.  ખાડાઓમાં કીચડ થઈ જતાં આ મેઈન રસ્તામાં આવવા જવામાં ભારે મુશ્કેલીઓ ભોગવવી પડી રહી છે. અહીં કોઈ બીમાર હોય તો 108 પણ આવી શકતી નથી. ગંદકી જોઈને આ વિસ્તારના રહીશોના ઘરે કોઈ મહેમાન આવવા રાજી નથી કે નથી કોઈ દીકરી-દીકરાનો વ્યવહાર કરવા તૈયાર. વર્ષોથી તકલીફ ભોગવી રહેલા આ વિસ્તારના લોકો હવે ત્રાહિમામ પોકારી ગયા છે. ત્રણ દિવસ પહેલાં ગ્રામ પંચાયત દ્વારા આ લાઈનને રિપેર કરી નવા પાઈપો જે સાઈઝના છે, એ જ સાઈઝના નાખવા આવ્યા હતા, પરંતુ આ સાઈઝના પાઇપમાં આ વિસ્તારનું પાણી જવા માટે સાઈઝ નાની પડતી હોઈ બે ફૂટની પહોળાઈવાળા પાઈપ નાખવા રજૂઆત કરાઈ હતી.  સરપંચ દ્વારા `તમે કહેશો એમ નહી થાય, અમે કરીશું એમ જ થશે' એમ જણાવવામાં આવતાં બોલાચાલી અને રકઝક થતાં લોકોએ કામને અટકાવ્યું છે. આ સમસ્યાનો કાયમી નિકાલ ત્યારે આવશે જ્યારે અહીં એક ફૂટની લાઈન કાઢી બે ફૂટ અથવા ત્રણ ફૂટની પહોળાઈવાળી લાઈન નાખવામાં આવે. આ સમસ્યામાંથી છુટકારો અપાવવા આ વિસ્તારનાં રહીશો દ્વારા કલેક્ટર સહિત વિવિધ વિભાગોમાં પત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. 

Panchang

dd