• બુધવાર, 03 જૂન, 2026

ત્રીજા પક્ષનો હસ્તક્ષેપ ભારતને અસ્વીકાર્ય

નવી દિલ્હી, તા. 2 : સરહદ વિવાદ પર કોઈપણ ત્રીજા પક્ષ દ્વારા દખલગીરી કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં તેવો ભારતે નેપાળને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો. આ સંદેશ એવા સમયે આપવામાં આવ્યો છે, જ્યારે નેપાળના પીએમ બાલેન શાહ ભારત સાથેના લાંબા સમયથી ચાલી રહેલા સરહદ વિવાદ પર ચીન અને બ્રિટનના હસ્તક્ષેપની માંગ કરી રહ્યા છે. એક મીડિયા હેવાલ મુજબ, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે મંગળવારે ભારતનો પક્ષ રજૂ કરતાં કહ્યું હતું કે, ભારતે નેપાળના વડાપ્રધાનનું નિવેદન અને આ મુદ્દે નેપાળના વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલ નિવેદન જોયું છે. ભારત અને નેપાળ વચ્ચેની આશરે 98 ટકા સરહદ પહેલાથી જ સીમાંકન કરવામાં આવી છે. જો કે, કેટલાક વિસ્તારોનો ઉકેલ લાવવાનો બાકી છે. તેમણે ઉમેર્યું હતું કે, ગંડક નદીના બદલાતા પ્રવાહને કારણે કેટલાક વિસ્તારોમાં સરહદી સમસ્યાઓ હજુ પણ યથાવત્ છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ભારત અને નેપાળ વચ્ચેના કોઈપણ દ્વિપક્ષીય મુદ્દામાં કોઈ તૃતીય પક્ષની ભૂમિકા નથી. આવા તમામ મુદ્દાઓ બંને દેશો વચ્ચે સીધી વાતચીત અને પરસ્પર સહયોગ દ્વારા ઉકેલવામાં આવશે. જયસ્વાલે એમ પણ જણાવ્યું હતું કે, જે વિસ્તારોમાં સરહદ પહેલાથી જ સીમાંકન કરવામાં આવી છે, ત્યાં સરહદ પારથી અતિક્રમણ અને નો-મેન્સ લેન્ડમાં અતિક્રમણના કિસ્સાઓ બન્યા છે. બંને દેશો આ મુદ્દાઓને ઓળખવા અને ઉકેલવા માટે આ વિસ્તારોના નકશા બનાવવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ભારત અને નેપાળ વચ્ચે સરહદ સંબંધિત તમામ મુદ્દાઓને ઉકેલવા માટે વિવિધ દ્વિપક્ષીય પદ્ધતિઓ પહેલાથી જ અસ્તિત્વમાં છે. આ પદ્ધતિઓ થકી બંને દેશો વાતચીત દ્વારા બાકી રહેલા મુદ્દાઓનું નિરાકરણ લાવી રહ્યા છે. 

Panchang

dd