ભુજ, તા. 2 : ગ્રામ્ય કક્ષાએ પાણી પુરવઠા
યોજનાઓનું અસરકારક અને યોગ્ય સંચાલન થાય, યોજનાનું માળખું સુદૃઢ બને, પાણી વેરાની વસૂલાતમાં નિયમિતતા
આવે તેમજ ગ્રામ પંચાયત સક્ષમ બને તે હેતુથી પાણી પુરવઠા વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા પાણી વેરા પ્રોત્સાહન યોજના જાહેર કરવામાં આવી છે. જે
હેઠળ તાજેતરમાં રાજ્યમંત્રી ત્રિકમભાઇ છાંગા તથા પ્રભારીમંત્રી કાંતિલાલ અમૃતિયા તથા
અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં પંચાયતોને પાણી વેરા વસૂલાત પ્રોત્સાહક યોજનાના પ્રસંશાસહ
સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. યોજના 0 ટકાથી 30 ટકા સુધી
પાણી વેરા વસૂલાત ધરાવતા ગામોની પંચાયતોને જ લાગુ પડે છે. આ ગામોમાં ઈ-ગ્રામ પોર્ટલ
મુજબ ઉઘરાવેલા પાણી વેરાની ખરાઈ કર્યા બાદ પાત્રતા ધરાવતી ગ્રામ પંચાયતોને પ્રોત્સાહક
યોજનાની રકમ ફાળવવામાં આવે છે. યોજનાના માપદંડ મુજબ પાણી વેરાની થયેલી વસૂલાત કુલ માગણાના
50 ટકા કરતાં વધુ હોવી જોઇએ. ગ્રામ
પંચાયતને મહત્તમ રૂ. 1,50,000 સુધીની
મર્યાદામાં પ્રોત્સાહન રકમ મળવાપાત્ર છે. ઉપરાંત નાણાકીય વર્ષ દરમિયાન જેટલા ઘરોમાંથી
પાણી વેરા વસૂલાત થયેલી હોય તે માટે ગ્રામ પંચાયતના ટઈઊને ડેટા એન્ટ્રી થયેલ પ્રતિ
ઘર લેખે રૂા. 7 પ્રોત્સાહન મળવાપાત્ર રહે છે.પાણી વેરા
પ્રોત્સાહન યોજનાના પ્રારંભિક વર્ષ 2024-25માં કચ્છ જિલ્લા પંચાયત કચેરીએથી દરખાસ્ત થયેલી અને મંજૂર થયેલી
કુલ 42 જેટલી ગ્રામ પંચાયતોને કુલ
રૂા. 26.10 લાખની પ્રોત્સાહક રકમ તેમજ
ગ્રામ પંચાયતના ટઈઊ મારફતે સહયોગ / કરેલી કામગીરી માટે વેરો ઉઘરાવાયેલ પ્રતિ ઘરદીઠ
રૂા. 7 લેખે કચ્છ જિલ્લાના કુલ 224 જેટલા ટઈઊને કુલ રૂ. 10.05 લાખ જેટલી પ્રોત્સાહન રકમ વાસ્મો
દ્વારા ફાળવવામાં આવેલ છે. 42 પૈકી 07 ગ્રામ પંચાયતોને ભુજ ખાતે રાજ્યકક્ષાના
મંત્રી ત્રિકમ છાંગા, પ્રભારીમંત્રી
કાંતિલાલ અમૃતિયા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં પાણી વેરા વસૂલાત પ્રોત્સાહક યોજનાના
પ્રસંશાસહ સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં 100 ટકા વેરા વસૂલાત કરનાર રાપર
તાલુકાની શાણપર, 50 ટકા વેરા વસૂલાત કરનાર ભુજ તાલુકાની વર્ધમાનનગર, નાગોર, નખત્રાણા તાલુકાની
નેત્રા, માંડવી તાલુકાની ગુંદિયાળી, લખપત
તાલુકાની જુણાગિયા, ભચાઉ તાલુકાની ઘરાણા ગ્રામ પંચાયતોને સન્માનિત
કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, જે ગામોમાં પાણી વેરા
વસૂલાત ખૂબ જ ઓછી છે તે ગામો માટે આ પાણી સમિતિઓ / ગ્રામ પંચાયતો અન્ય પાણી સમિતિઓ
/ ગ્રામ પંચાયતો માટે પ્રેરણાસ્રોત બની રહેશે.