• બુધવાર, 03 જૂન, 2026

ભચાઉ : કરોડોનું મીઠું બારોબાર સગેવગે થયાનો પર્દાફાશ

ગાંધીધામ, તા. 2 : ભચાઉના ચોપડવા અને ચીરઇમાં મીઠું (નમક) પકવતી અને સપ્લાય કરતી જાણીતી કંપનીઓ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી, વિશ્વાસઘાતનો ચકચારી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કંપનીના જ અમુક ચાલકો, સુપરવાઇઝર, વજનકાંટાના ઓપરેટરોએ એકસંપ થઇ છેલ્લા છ મહિનામાં રૂા. 2,50,00,000 મીઠાંની ચોરી કરી બારોબાર વેચી કંપની સાથે છેતરપિંડી કરી હતી. ભચાઉના વોંધમાં આવેલી અરિહંત સોલ્ટ ઇન્ડસ્ટ્રીઝ અને તેની અન્ય બે કંપની દુર્ગેશ સોલ્ટ ઇન્ડસ્ટ્રીઝ, શ્રીરામ સોલ્ટ વર્કસ મીઠું પકવી વિદેશમાં નિકાસ કરી તેમજ દેશમાં સપ્લાય કરવાનું કામ કરે છે. ત્રણેય ફેક્ટરીમાં તૈયાર થતું મીઠું મોટી ચીરઇ સ્ટોકયાર્ડ, ચોપડવામાં સંગ્રહ કરી ગંજ ખડકવામાં આવે છે. ત્યાંથી ગ્રાહકોને વેચવામાં આવે છે. આ કંપનીઓમાં તુષાર ધરમશી જરૂની સમર્થ લોજિસ્ટિકના ડમ્પર, ટ્રકો ચાલે છે. ફેક્ટરીઓમાંથી વાહનો થકી નીકળતાં મીઠાનું વજનકાંટા ઉપર વજન કરાવી ચિઠ્ઠી ચાલકોને આપી યાર્ડમાં ખાલી કરાવવામાં આવે છે. અંતે ચિઠ્ઠી સુપરવાઇઝરને અપાય છે જે કંપનીમાં જમા કરાવે છે. આ ત્રણેય ફેક્ટરીના મેનેજર સ્ટોક તપાસ કરતાં ઓછું જણાતાં શંકા ગઇ હતી અને તેમણે ગુપ્ત વોચ ગોઠવી હતી જેમાં ચાલકો કંપનીમાંથી મીઠું તો ભરતા હતા પરંતુ તેના યાર્ડમાં ખાલી કરવાની જગ્યાએ અન્યત્ર ખાલી કરી આવતા હોવાનું બહાર આવ્યું હતું. ચાલક દિનેશ કોળી, માદેવા કોળી, નારાણ કોળી, અમરશી કોળી, સુરેશ કોળી, ટીનો કોળી, ભરત મજાજર, સુપરવાઇઝર શામજી રવા કોળી, પ્રેમજી ગંગાસ કોળી, રાજેશ શામા કોળી, સુરેશ નરશી કોળી નામના શખ્સો ભરત બચુ ખટારિયા (આહીર) (રહે. નંદગામ) તથા નારાયણ ભુયાન (રહે. આદિપુર) સાથે મળી ગયા હતા અને છેલ્લા છ મહિના દરમ્યાન મીઠું સ્ટોક યાર્ડમાં ખાલી કરવાની જગ્યાએ ચોપડવા, નાની ચીરઇની સીમમાં ખાનગી ખેતરોમાં ખાલી કરતા હતા. ત્યાં મીઠું એકઠું કર્યા બાદ શંભુ કારા ડાંગરની ટ્રકમાં સુલતાનના લોડર વડે માલ ભરાવીને લક્ષ્મી ફેક્ટરી પાસે ચોપડવાની સીમમાં ખાલી કરાવી ત્યાંથી બારોબાર વેચી મારતા હતા. છેલ્લા છ મહિના દરમ્યાન આ ટોળકીએ કંપનીનું 20,000 મેટ્રિક ટન મીઠું ચોરી કરી ચૂનો ચોપડયો હતો. મોંઘા પ્રકારનું મીઠું સસ્તામાં વેચી પોતાના આર્થિક ફાયદા માટે આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. રૂા. 2,50,00,000ની ચોરી, છેતરપિંડી, વિશ્વાસઘાતના આ પ્રકરણમાં અરિહંત કંપનીના મેનેજર રમેશ શામજી મ્યાત્રાએ ચાર સુપરવાઇઝર, સાત વાહનચાલક, બહારના ભરત ખટારિયા, નારાયણ ભુયાન, શંભુ ડાંગર, લોડર સંચાલક સુલતાન એમ 15 શખ્સ સામે ભચાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેની આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. 

Panchang

dd