ગાંધીધામ, તા. 2 : રાપરના ટગામાં દેશી દારૂ શોધવા
ગયેલી પોલીસને ઘરમાંથી બંદૂક મળતાં પોલીસે શખ્સની ધરપકડ કરી અગ્નિશત્ર જપ્ત કર્યું
હતું. ટગા ગામમાં રહેનાર અકબર જાનમામદ હિંગોરજા નામનો શખ્સ દેશી દારૂ બનાવી તેનું વેચાણ
કરતો હોવાની પૂર્વબાતમીના આધારે પોલીસે તેના કબજાનાં મકાનમાં કાર્યવાહી કરી હતી. તેના
મકાનની તપાસ દરમ્યાન કયાંયથી દારૂ મળ્યો ન હતો. પરંતુ લાકડાનાં ઢગલાંમાં તપાસ કરાતાં
ત્યાંથી દેશી હાથ બનાવટની બંદૂક મળી આવી હતી. પોલીસે રૂા. 5000નું આ અગ્નિશત્ર જપ્ત કર્યું
હતું. અકબર પાસે આ બંદૂક ક્યાંથી આવી, તે શેના ઉપયોગમાં લેતો હતો ? વગેરે પ્રશ્નોના જવાબ બહાર
આવ્યા નહોતા, જેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.