• બુધવાર, 03 જૂન, 2026

અબડાસામાં કપાસનું વાવેતર ધીમું : ખેડૂતો મૂંઝવણમાં

કપિલ જોશી દ્વારા : નલિયા, તા. 2 : અબડાસા તાલુકામાં હાલ ખેડૂતોની હાલત `દુવિધા'ના વમળમાં ફસાયેલી હોય તેવું લાગી રહ્યું છે! કપાસનાં વાવેતરનો સમય શરૂ થઈ ગયો છે, પરંતુ ખેતરોમાં હજુ `ધીમી ગતિ' જોવા મળી રહી છે. દર વર્ષે કોઠારા, ખુઅડા, ડુમરા, સુથરી, આરીખાણા, ધનાવાડા, વરાડિયા, વાંકુ અને લાલા જેવા ગામો હજારો એકરમાં કપાસના `સફેદ સોનાં'થી છલકાઈ ઊઠતા, પણ આ વર્ષે વાતાવરણ કંઈક જુદું જ સૂચવી રહ્યું છે. - ગત વર્ષની વરસાદી આફત અને ઘઉંનો બોજ : ખુઅડા ગામના ખેડૂત સતુભા ભાટીએ પોતાની વ્યથા ઠાલવતાં કહ્યું કે, `આ વર્ષે કપાસનું વાવેતર ઓછું થવાની પૂરી શક્યતા છે.' આનું કારણ? ગત વર્ષે થયેલા ભારે વરસાદનાં કારણે કપાસના પાકને ભયંકર નુકસાન વેઠવું પડ્યું હતું, જાણે કે કપાસે ખેડૂતોના નસીબમાં `ચૂનો' ચોપડયો હોય ! ઉપરથી, ઘણા ખેડૂતો પાસે હજુ ઘઉંનો પાક પડયો છે. ભાવ ઓછા હોવાથી વેચી શકાતો નથી અને રોકડની તંગી એવી છે કે ખેડૂતોના હાથ `ખૂંચી' ગયા છે. - ડીઝલનો `ડોળો' અને અસમંજસની આગ : ખેડૂતોની મૂંઝવણમાં વધુ એક `ડીઝલનો ડોળો' ઉમેરાયો છે. ડીઝલના આસમાને પહોંચેલા ભાવ અને બજારમાં તેની અછત, જાણે કે ખેડૂતોના માથે `ડામ' દઈ રહી છે. ખેતરમાં ટ્રેક્ટર ચલાવવા ડીઝલ ક્યાંથી લાવવું, તે એક મોટો પ્રશ્ન બની ગયો છે. આ બધા કારણોસર, ખેડૂતો `શું વાવવું અને શું ન વાવવું' તે અંગે `મૂંઝવણના મહાસાગર'માં ગોથા ખાઈ રહ્યા છે. એવી અટકળો છે કે કપાસને બદલે અન્ય પાકો વાવવાનો વિચાર ઘણા ખેડૂતોનાં મનમાં રમતો થઈ ગયો છે - દિવાળીની આસપાસ પાકે છે પાક, પણ આશા છે : કપાસનો પાક ચાર મહિનાનો હોય છે અને દિવાળી આસપાસ તેનું ઉત્પાદન થાય છે, પરંતુ આ વર્ષની ધીમી શરૂઆત અને ખેડૂતોની આર્થિક તેમજ અન્ય સમસ્યાઓ જોતાં અબડાસાના ખેતરોમાં `સફેદ સોનાં'ની ચમક કેટલી રહેશે તે કહેવું મુશ્કેલ છે.   

Panchang

dd